________________
૯૪
શ્રી પિડનિર્યુક્તિ-પરાગ
દષ્ટાંત વસંતપુર નામના નગરમાં જિનદાસ નામે શ્રાવક વસતો હતો. તેમને રૂક્ષ્મણી નામની પત્ની હતી.
ગાયો વગેરેનું પાલન કરવા માટે વત્સરાજ નામનો ગોવાળ રાખ્યો હતો. મહેનતના બદલામાં દર આઠ દિવસે ગાયો વગેરેનું દૂધ ગોવાળને આપવામાં આવતું હતું.
જે દિવસે દૂધ લેવાનો ગોવાળનો વારો હતો, તે દિવસે કોઈ સાધુ તે શ્રાવકને ઘેર ભિક્ષા માટે આવી પહોંચ્યા. જિનદાસે ભક્તિપૂર્વક ગોચરી વહોરાવી પછી ગોવાળની ઇચ્છા નહિ હોવા છતાં બલાત્કારે દૂધના વાસણમાંથી દૂધ લઈને સાધુને વહોરાવ્યું.
શેઠની આગળ ગોવાળ કંઈ બોલી શક્યો નહિ, પણ સાધુ પ્રત્યે મનમાં દ્વેષ ઉત્પન્ન થયો. વત્સરાજ બાકીનું દૂધ લઈને પોતાના ઘેર ગયો. દૂધનું વાસણ અધૂરું હોવાથી ગોવાળની પત્નીએ ગોવાળને પૂછ્યું કે “આજે દૂધ ઓછું કેમ લાવ્યો ?'
ગોવાળે કહ્યું કે “શેઠે આમાંથી દૂધ લઈને સાધુને આપી દીધું, એટલે દૂધ ઓછું છે.'
આ સાંભળીને ગોવાળની પત્નીને પણ સાધુ પ્રત્યે ગુસ્સો આવ્યો અને સાધુ પ્રત્યે જેમતેમ બોલવા મંડી પડી, દૂધ ઓછું જોતાં બાળકોને પણ લાગ્યું કે “આટલા દૂધમાં અમારે શું થશે ?' આથી બાળકો રુદન કરવા લાગ્યા.
ઘરમાં આવી પરિસ્થિતિ થતાં ગોવાળનો ગુસ્સો વધી પડ્યો અને સાધુને મારવા માટે ઘરમાંથી નીકળ્યો. સાધુ જે માર્ગે ગયા હતા તે માર્ગે ઝડપથી જવા લાગ્યો.
મુનિ તો ઇર્યાસમિતિને શોધતાં આગળ જઈ રહ્યા છે, કોઈ કારણ પ્રસંગે મુનિએ પાછળ નજર કરી તો ક્રોધથી ધમધમતો ગોવાળ આવતો જોયો. મુનિ વસ્તુપરિસ્થિતિ સમજી ગયા કે “ગોવાળિયાની મરજી વિરુદ્ધ દૂધ લીધું છે એટલે મારવા માટે આવતો લાગે છે.
ગોવાળિયો જેવો નજીક આવ્યો એટલે મુનિએ કહ્યું કે ભાગ્યવાનું ! તારા શેઠના આગ્રહથી તે વખતે મેં દૂધ લીધું હતું, પરંતુ તારું જેટલું દૂધ હોય તેટલું ખુશીથી આમાંથી પાછું લઈ લે.”