________________
૧૭૪
શ્રી પિડનિર્યુક્તિ-પરાગ
દિષ્ટાંત એક સ્ત્રી નવી નવી જ શ્રાવિકા થયેલી હતી. એક દિવસે ખેતરમાં જતાં તે સ્ત્રીએ પોતાની નાની ઉંમરની પુત્રીને કહ્યું કે “સાધુ ભિક્ષા માટે આવે તો આપજે.”
એક સાધુ સંઘાટક ફરતાં ફરતાં તેને ઘેર આવ્યા. બાલિકા વહોરાવા લાગી. નાની છોકરીને મુગ્ધ જોઈ મુખ્ય સાધુએ લંપટતાથી બાલિકા પાસેથી માગી માગીને બધી વસ્તુ વહોરી લીધી. માએ કહ્યું હતું એટલે બાલિકાએ બધું વહોરાવી દીધું.
ખેતરમાંથી મા આવી અને ખાવા માટે ભાત માગ્યા. બાલિકાએ કહ્યું કે “સાધુને આપી દીધા.” માએ કહ્યું કે “સારું કર્યું, મગ આપ.” મગ પણ સાધુને આપી દીધા. રોટલા આપ. તે પણ આપી દીધા. એમ જે જે માગ્યું તે બધું આપી દીધાનું કહ્યું એટલે તે સ્ત્રીને ગુસ્સો આવ્યો અને બોલી કે “કેમ બધુંએ આપી દીધું ?” બાલિકાએ કહ્યું કે “માગી માગીને બધુંએ લઈ લીધું.”
સ્ત્રી રોષાયમાન થઈ ગઈ અને ઉપાશ્રયે આવીને ઘાંટા પાડીને બોલવા લાગી કે “તમારો સાધુ કેવો કે બાલિકા પાસેથી બધુંએ લઈ લીધું ?'
સ્ત્રીનો મોટો અવાજ સાંભળી લોકો ભેગા થઈ ગયા અને સાધુની નિંદા કરવા લાગ્યા. “આ લોકો માત્ર વેષધારી છે, લૂંટારા છે, સાધુપણું નથી.' વગેરે જેમતેમ બોલવા લાગ્યા.
આચાર્ય ભગવંત શાસનનો અવર્ણવાદ થતો જોઈ “બધા લોકોની સમક્ષ તે સાધુનો ઓઘો-કપડાં વગેરે લઈને ઉપાશ્રયની બહાર કાઢી મૂક્યો.”
સાધુને કાઢી મૂક્યો એટલે તે સ્ત્રીનો ગુસ્સો શાંત થઈ ગયો. સાધુને કાઢી મૂકેલો જોઈ તે સ્ત્રીને દયા આવી અને આચાર્ય મહારાજ પાસે આવી વંદન કરીને બોલી કે “હે ભગવન્! મારા નિમિત્તે આ સાધુને કાઢી ન મૂકો. મારા એક અપરાધની ક્ષમા કરો.”
આચાર્ય ભગવંતે તે સાધુને બોલાવીને ફરીથી આવું ન કરીશ” એમ કહીને વેશ પાછો આપ્યો અને દંડ આપી ગચ્છમાં લીધો.