________________
૧૪૮
શ્રી પિડનિર્યુક્તિ-પરાગ
ઉપર કહ્યા મુજબ વિદ્યા, મંત્ર, ચૂર્ણ, યોગના ઉત્સર્ગ અપવાદને જણાવનારા આગમને અનુસરનાર સાધુ જો ગણ, સંઘ કે શાસન આદિના કાર્ય અંગે ઉપયોગ કરે તો આ વિદ્યા-મંત્રાદિ દુષ્ટ નથી. તેવા કાર્ય અંગે ઉપયોગ કરી શકે. તેમાં શાસન પ્રભાવના રહેલી છે. માત્ર ભિક્ષા મેળવવા માટે ઉપયોગ કરે તો તેવો પિંડ સાધુને માટે અકથ્ય છે.
૧૯ મૂલકર્મપિંડ-મંગલને કરનારી લોકમાં પ્રસિદ્ધ ઔષધિ વગેરેથી સ્ત્રીઓને સૌભાગ્યાદિ માટે સ્નાન કરાવવું, ધૂપ વગેરે કરવો તથા ગર્ભાધાન, ગર્ભસ્થંભન, ગર્ભપાત કરાવવો, રક્ષાબંધન કરવું, વિવાહ-લગ્નાદિ કરાવવા કે તોડાવવાં વગેરે, ક્ષતયોનિ કરાવવી એટલે એવા પ્રકારનું ઔષધ કુમારિકા આદિને આપે કે જેથી યોનિમાંથી રુધિર વહ્યા કરે. અક્ષતયોનિ એટલે ઔષધ આદિના પ્રયોગથી વહેતુ રુધિર બંધ થાય. આ બધું આહારાદિ માટે કરે તો મૂલકર્મપિંડ કહેવાય.
ચૂર્ણપિંડ ઉપર દષ્ટાંત કુસુમપુર નગરમાં ચંદ્રગુપ્ત નામનો રાજા હતો. તેને ચાણક્ય નામનો મંત્રી હતો.
આચાર્યશ્રી વિજયસુસ્થિતસૂરીશ્વરજી મહારાજનું જંઘાબળ ક્ષીણ થઈ જવાથી તે નગરમાં રહેલા હતા.
એક વખતે ત્યાં દુકાળ પડ્યો, એટલે આચાર્ય ભગવંતે પોતાના સમૃદ્ધ નામના મુનિને આચાર્ય પદવી આપીને શિષ્યો સાથે સુકાળવાળા પ્રદેશમાં વિહાર કરાવ્યો અને પોતે એકલા રહ્યા.
કેટલાક દિવસ પછી આચાર્ય ભગવંત ઉપરના સ્નેહને લીધે બે શિષ્યો પાછા આવ્યા અને આચાર્ય મહારાજની સેવા કરવા લાગ્યા. દુકાળ હોવાથી પૂરતી ભિક્ષા મળતી નથી. હવે એકને બદલે ત્રણ થયા તો પણ આચાર્ય તો બન્ને શિષ્યો સાથે જે મળ્યું હોય તે એમને આપીને પછી પોતે વાપરે. પૂરતા આહારના અભાવે આચાર્ય મહારાજ દિવસે દિવસે દુર્બળ થવા લાગ્યા.
બન્ને શિષ્યો વિચારવા લાગ્યા કે “આચાર્ય મહારાજ દિવસે દિવસે સુકાતા જાય છે, યોનિપ્રાભૃતની વાચનામાંથી ગુપ્ત રીતે અદશ્ય થવાનું ચૂર્ણ આપણે સાંભળી લીધું હતું, તો હવે તેનો ઉપયોગ કરવાનો અવસર આવ્યો છે, આપણે અદશ્ય બનીને ચંદ્રગુપ્તના ભોજનાલયમાં જઈએ અને અદૃશ્ય રીતે ચંદ્રગુપ્તના ભેગા જમી લઈએ તો આચાર્ય મહારાજ શુદ્ધ ગોચરી પૂરતી વાપરી શકશે અને દુર્બળ નહિ થાય.'