________________
૧૫૦
શ્રી પિંડનિર્યુક્તિ-પરાગ
સાધુને તો જરૂર કહીશ, પરંતુ આમાં વાંક તારો છે. દુકાળના વખતમાં સાધુનું શું થતું હશે તેનો તે કાંઈ વિચાર કર્યો ? જો વિચાર કર્યો હોત તો સાધુને આ રીતે કરવું ન પડત.”
ચાણાક્ય આચાર્ય ભગવંતના પગમાં પડ્યો અને પોતાની ભૂલની માફી માગી. ‘હવેથી પૂરી કાળજી રાખીશ.' એમ કહી પોતાના સ્થાનમાં ગયો.
સાધુ આ રીતે ભિક્ષા ગ્રહણ કરે તે ચૂર્ણપિંડ કહેવાય. એનાથી ભિક્ષાનો વિચ્છેદ થાય, કોપાયમાન થઈ રાજા સર્વનો નાશ કરે, પ્રવચનનો ઉડ્ડાહ થાય વગેરે દોષો થાય. માટે સાધુને ચૂર્ણપિડ અકથ્ય છે.
યોગપિંડ ઉપર દષ્ટાંત અચલપુર નામનું નગર છે. તે નગરની નજીકમાં કૃષ્ણા અને બેન્ના નામની બે નદીઓ વહે છે. તેની વચ્ચે બ્રહ્મ નામનો દ્વીપ છે. બ્રહ્મદ્વીપમાં દેવશર્મા નામનો કુલપતિ ૪૯૯ તાપસો સાથે રહે છે.
પોતાનો મહિમા બતાવવા માટે સંક્રાંતિ આદિ પર્વ દિવસે દેવશર્મા પોતાના પરિવાર સાથે પગે લેપ લગાડીને કૃષ્ણા નદી ઊતરીને અચલપુર નગરમાં આવતો હતો.
લોકો આવો અતિશય જોઈને આશ્ચર્ય પામ્યા, તેથી ભોજન આદિ સારી રીતે આપીને તાપસોનો સારો સત્કાર કરતા હતા.
આથી લોકો તાપસની પ્રશંસા કરતા હતા અને જૈનોની નિંદા કરતા હતા તથા શ્રાવકોને કહેવા લાગ્યા કે “તમારા ગુરુઓમાં છે આવી શક્તિ ?'
શ્રાવકોએ આચાર્ય શ્રી સમિતસૂરિજી પાસે જઈને વાત કરી. આચાર્ય મહારાજ સમજી ગયા કે તે પગના તળીએ લેપ લગાડીને નદી ઉતરે છે, પરંતુ તપની શક્તિથી ઉતરતો નથી.”
આચાર્ય મહારાજે શ્રાવકોને કહ્યું કે તેમનું કપટ ખુલ્લું પાડવા માટે તમારે તેને એના બધા તાપસો સાથે તમારે ત્યાં જમવા માટે બોલાવવા અને જમાડતાં પહેલાં તેના પગ એવી રીતે ધોવા કે લેપનો જરા પણ ભાગ રહે નહિ. પછી શું કરવું તે હું સંભાળી લઈશ.'
શ્રાવકો તાપસ પાસે ગયા. પ્રથમ તેમની ખૂબ પ્રશંસા કરી, પછી પરિવાર સહિત ભોજન કરવાનું નિમંત્રણ આપ્યું.