________________
૧૧૨
શ્રી પિડનિર્યુક્તિ-પરાગ
પ્રાંત કુલમાં ભિક્ષાએ જતાં અનુકૂળ ગોચરી પ્રાપ્ત નહિ થવાથી દત્તમુનિનું મુખ ઝાંખું પડી ગયું. તેના ભાવ જાણીને આચાર્ય ભગવંત દત્તમુનિને કોઈ ધનવાનને ઘેર ભિક્ષા માટે લઈ ગયા.
તે ઘરમાં શેઠના બાળકને વ્યંતરી વળગેલી હોવાથી, બાળક હંમેશાં રુદન કર્યા કરતો હતો. આથી આચાર્યે તે બાળકની સામે જોઈને ચપટી વગાડવા પૂર્વક બોલાવતાં કહ્યું કે “વત્સ ! રુદન કર નહિ.”
આચાર્યના પ્રભાવથી તે વ્યંતરી ચાલી ગઈ. એટલે બાળક શાંત થઈ ગયો. આ જોતાં ગૃહનાયક ખુશ થઈ ગયો અને ભિક્ષામાં ઘણા લાડવા આદિ વહોરાવ્યા. દત્તમુનિ ખુશ થઈ ગયા, એટલે આચાર્યે તેને ઉપાશ્રયે મોકલી દીધો અને પોતે અંતપ્રાંત ભિક્ષા વહોરીને ઉપાશ્રયે આવ્યા.
પ્રતિક્રમણ વખતે આચાર્યે દત્તમુનિને કહ્યું કે “ધાત્રીપિંડ અને ચિકિત્સાપિંડની આલોચના કરો.”
દત્તમુનિએ કહ્યું કે “તો તમારી સાથે ભિક્ષાએ આવ્યો હતો. ધાત્રીપિંડાદિનો પરિભોગ કેવી રીતે લાગ્યો !
આચાર્યે કહ્યું કે “નાના બાળકને રમાડ્યો તેથી ક્રીડન ધાત્રીપિંડદોષ અને ચપટી વગાડી બંતરીને ભગાડી એટલે ચિકિત્સાપિંડદોષ, માટે તે દોષોની આલોચના કરી
લો.”
આચાર્યનું કહેવું સાંભળી દત્તમુનિને મનમાં દ્વેષ આવ્યો અને વિચારવા લાગ્યો કે “આ આચાર્ય કેવા છે ? પોતે ભાવથી માસકલ્પનું યે આચરણ કરતા નથી, વળી હંમેશાં આવો મનોજ્ઞ આહાર વાપરે છે. જ્યારે મેં એક દિવસ તેવો આહાર લીધો તેમાં મને આલોચના કરવાનું કહે છે.” ગુસ્સે થઈને આલોચના કર્યા સિવાય ઉપાશ્રયની બહાર જતો રહ્યો.
એક દેવ આચાર્યશ્રીના ગુણોથી તેમના પ્રત્યે બહુમાનવાળો થયો હતો. તે દેવે દત્તમુનિનું આવા પ્રકારનું આચરણ અને દુષ્ટ ભાવ જાણી તેના પ્રત્યે કોપાયમાન થયો અને શિક્ષા કરવા માટે વસતિમાં ગાઢ અંધકાર વિક્ર્લો, પછી પવનનો વાવંટોળ અને વરસાદ શરૂ કર્યો.
દત્તમુનિ તો ભયભીત થઈ ગયા. કંઈ દેખાય નહિ. વરસાદમાં ભીંજાવા લાગ્યો, પવનથી શરીર કંપવા લાગ્યું. એટલે બૂમો પાડવા લાગ્યા અને આચાર્યને કહેવા લાગ્યો કે “ભગવદ્ ! ક્યાં જઉં ? કશું જ દેખાતું નથી.”