________________
૧૨૯
શ્રી પિડનિર્યુક્તિ-પરાગ
બ્રાહ્મણો માટે ઘેબર બનાવીને બ્રાહ્મણોને દાન આપતો હતો, ત્યાં પાછા તે જ મુનિ પારણે આવી પહોંચ્યા અને ભિક્ષાની માગણી કરી. પેલાએ ના પાડી. આથી ક્રોધથી મુનિ બોલ્યા કે “સારુ આવતા મહિને આપજે.” મુનિ જતા રહ્યા.
બનવા જોગ ઘરમાં ત્રીજા માણસનું મૃત્યુ થયું અને તે નિમિત્તે બ્રાહ્મણોને ઘેબર આપવા માંડ્યા, ત્યાં પાછા તે જ મુનિ આવી પહોંચ્યા અને ઘેબરની માગણી કરી, પેલાએ નિષેધ કર્યો. “આ ઘેબર તો બ્રાહ્મણોને આપવા માટેનાં છે તારા માટે નથી.” સાધુને ગુસ્સો આવ્યો અને બોલ્યા-“એમ ? આવતા મહિને આપજે.” આમ કહીને પાછા વળી ગયા.
ઘેબર આપતો હતો તે બ્રાહ્મણને વિચાર આવ્યો કે “પૂર્વે બે વખત આ સાધુ આવેલો અને ઘેબર નહિ આપવાથી “આવતા મહિને આપજે” એમ કહીને જતા રહેલા, તેથી ઘરમાં બે માણસોનું મૃત્યુ થયું, આ વખતે પણ “આવતા મહિને આપજે” એમ કહીને પાછા ગયા છે, તો ઘરમાં પાછું કોઈનું મૃત્યુ થશે.” તુરત તે માણસે ઘરના માલિક બ્રાહ્મણને બધી વાત કરી, આથી તેણે તે માણસ દ્વારા સુરત તે સાધુને બોલાવીને તેમને ખમાવ્યા અને જોઈએ તેટલા ઘેબર આપ્યા.
આ પ્રમાણે મેળવેલો આહાર ક્રોધપિંડ કહેવાય. સાધુને આવો પિંડ લેવો કલ્પ નહિ.
ઇતિ સપ્તમ ક્રોધપિંડ દોષ નિરૂપણ.