________________
૧૩૩
શ્રી પિડનિર્યુક્તિ-પરાગ
આષાઢાભૂતિની બન્ને સ્ત્રીએ વિચાર કર્યો કે “આપણા સ્વામીનાથ રાજસભામાં ગયા છે, ત્યાં આખી રાત્રી પસાર થઈ જશે, માટે આજે આપણે ઇચ્છામાં આવે તેટલું ધરાઈને મદ્યપાન કરીએ.” બન્નેએ એટલું બધું મદ્યપાન કર્યું કે પોતાની ચેતના ચાલી ગઈ અર્થાત્ બેભાન બની ગઈ, વસ્ત્રોનું ભાન પણ રહ્યું નહિ અને પોતાના ઓરડામાં બિભત્સ દશામાં ચત્તાપાટ પડી ગઈ.
રાજસભામાં બીજા દેશનો દૂત આવેલો. તેથી રાજાનું મન ચિંતાવાળું થયું હતું, તેથી રાજાએ કહેવરાવ્યું કે “આજે નાટક કરવાનું નથી.”
આથી બધા નટો પોતપોતાના ઘેર પાછા ગયા. આષાઢાભૂતિ પણ પોતાના ઘેર આવ્યા અને જ્યાં પોતાના ઓરડામાં જાય છે ત્યાં તો વસ્ત્ર વગરની બિભત્સ હાલતમાં પડેલી દુર્ગધ મારતી પોતાની બન્ને પત્નીઓને જોઈ.
આ દશ્ય જોતાં જ આષાઢાભૂતિ વિચારવા લાગ્યા કે “અહો ! કેવી મારી મૂઢતા ? મારો નિર્વિવેક કેવો ? મેં કેવું ખરાબ આચરણ કર્યું કે આવા પ્રકારની અશુચિના કરંડિયા સમાન, અધોગતિમાં લઈ જનાર એવી આ સ્ત્રીઓને જાણવા છતાં, પરમપવિત્ર આલોક અને પરલોકમાં કલ્યાણ કરનાર પરંપરાએ મોક્ષપદ અપાવનાર ઉત્તમ પ્રકારના સંયમનો મેં ત્યાગ કર્યો. હજુ કંઈ બગડી ગયું નથી. ગુરુ મહારાજ પાસે જાઉં અને ફરીને ચારિત્રનો સ્વીકાર કરું, પાપરૂપી કાદવને ધોઈ નાખું.”
આ પ્રમાણે વિચાર કરીને આષાઢાભૂતિ તે પ્રાસાદમાંથી બહાર નીકળવા લાગ્યા. વિશ્વકર્માની દૃષ્ટિ તેમના ઉપર પડી. સમજી ગયા કે “આ વિરક્ત થઈને જઈ રહ્યા છે.”
વિશ્વકર્માએ તુરત જ પોતાની પુત્રીઓના ઓરડામાં જઈ તેમને ઉઠાડી અને ઠપકો આપતાં કહેવા લાગ્યો કે “અરે ! હનપુણ્યવાળી, દુરાત્મા ! આ તમે કેવું આચરણ કર્યું કે તમારી આવી સ્થિતિ જોઈને સકલ ગુણકલાના નિધાનભૂત તમારો પતિ વિરક્ત થઈ જઈ રહ્યો છે, જો પાછા વાળવાની શક્તિ હોય તો ઝટ જાઓ અને પાછા વાળો. જો પાછા ન વળે તો આજીવિકાની માગણી કરો.”
બન્નેએ ઝટપટ વસ્ત્ર વગેરે પહેરીને દોડતી પાછળ ગઈ અને આષાઢાભૂતિના પગમાં પડીને કહેવા લાગી કે “હે સ્વામી ! અમારા આ એક અપરાધની માફી આપો. ફરીથી આવું કદી પણ નહિ કરીએ. તમે જ અમારા જીવન છો માટે અમારો ત્યાગ કરો નહિ.”
આષાઢાભૂતિ જરા પણ ચલાયમાન ન થયા. એટલે તે બન્ને બોલી કે “સ્વામી !