________________
માયાપિંડ દોષ
૧૩૭
તમે જતા ૨હેશો તો પછી અમારી આજીવિકાનું શું ? અમારી આજીવિકાની વ્યવસ્થા કરી દો, જેથી તમારા પછવાડે સુખપૂર્વક અમે જીવી શકીએ.'
આષાઢાભૂતિએ દાક્ષિણ્યતાથી આ માગણીનો સ્વીકાર કર્યો અને ભવનમાં પાછા આવ્યા. પછી પત્નીઓની આજીવિકા માટે ચક્રવર્તી ભરત મહારાજાના ચરિત્રને જણાવનાર ‘રાષ્ટ્રપાલ' નામના નાટકની રચના કરી.
નાટક તૈયાર થઈ જતાં વિશ્વકર્માએ સિંહસ્થ રાજા પાસે જઈને જણાવ્યું કે ‘આષાઢાભૂતિએ ‘રાષ્ટ્રપાલ' નામનું સુંદર નાટક તૈયાર કર્યું છે. તે નાટક આપની સમક્ષ ભજવવાનો વિચાર છે, પરંતુ તે નાટકમાં અલંકારથી યુક્ત પાંચસો રાજકુમારોની જરૂર પડશે.'
રાજાએ પાંચસો રાજકુમારો સોંપ્યા, એટલે આષાઢાભૂતિએ તેમને યથાયોગ્ય સામંત આદિ કર્યા અને નાટકમાં ભજવવાનો પાઠ શીખવાડ્યો. પોતે ભરત ચક્રવર્તી બન્યા.
યોગ્ય દિવસે નાટકની શરૂઆત થઈ. ભરત મહારાજાએ છ ખંડની સાધના કરી, ચૌદ રત્નો, નવ મહાનિધિ પ્રાપ્ત થયાં, આરિસાભુવનમાં કેવળજ્ઞાન થયું, પાંચસોના પરિવાર સાથે ચારિત્રનો સ્વીકાર કર્યો વગેરેનો એવો તો આબેહૂબ અભિનય કર્યો કે આખી પર્ષદામાં બેઠેલા બધા લોકો વાહ વાહ બોલવા લાગ્યા અને એટલા બધા ખુશ થઈ ગયા કે ચારે તરફથી હાર, કુંડલ વગેરે આભરણો, સુવર્ણ વસ્ત્રો વગેરેનો વરસાદ વરસાવવા લાગ્યા.
પાંચસોની સાથે આષાઢાભૂતિ લોકોને ધર્મલાભ આપીને જવા લાગ્યા.
પ્રેક્ષકો આશ્ચર્ય પામ્યા.
રાજા પણ વિચારમાં પડી ગયા કે ‘આ શું ?' આષાઢાભૂતિને રોકવા લાગ્યા. આષાઢાભૂતિએ કહ્યું કે ‘શું ભરત ચક્રવર્તી દીક્ષા લઈને પાછા આવ્યા હતા ? કે જેથી હું પાછો આવું ?’
પાંચસોની સાથે ગુરુ મહારાજ પાસે પહોંચી ગયા.
વસ્ત્ર અલંકારો વગેરે જે કાંઈ આવ્યું હતું તે બધું વિશ્વકર્માની બંને પુત્રીઓએ ગ્રહણ કર્યું.
ત્યાર પછી વિશ્વકર્માએ ‘રાષ્ટ્રપાલ' નાટક કુસુમપુરમાં ભજવ્યું, ત્યાં પણ પાંચસો ક્ષત્રિયોએ દીક્ષા લઈ લીધી.