________________
૧૨૨
શ્રી પિંડનિર્યુક્તિ-પરાગ
આ પ્રમાણે તાપસ, પરિવ્રાજક અને ગોશાળાના મતના અનુયાયીઓ આગળ તેમની તેમની પ્રશંસા કરે.
બ્રાહ્મણના ભક્તની આગળ કહે કે “બ્રાહ્મણને દાન કરવાથી આવા આવા લાભ મળે. બ્રાહ્મણ કુળમાં જન્મેલાને પણ આપવામાં ફળ મળે છે. તો પછી જે બ્રાહ્મણો પકર્મમાં રત છે, ધર્મકથા-કીર્તન કરે છે, તેમને આપવાથી તો લાંબાકાળ સુધીનાં સુખો મળે છે.”
કૃપણના ભક્તની આગળ કહે કે “બિચારા આ લોકોને કોણ આપવાનું હતું. આમને આપવાથી તો જગતમાં દાનની જયપતાકા મળે છે વગેરે.”
શ્વાન આદિના ભક્તની આગળ કહે કે “બળદ વગેરેને તો ઘાસ વગેરે મળી રહે છે, જ્યારે કૂતરા વગેરેને તો લોકો હહ કરીને કે લાકડી વગેરે મારીને કાઢી મૂકે છે. એટલે બિચારાને સુખે ખાવાનું પણ મળતું નથી. આ તો કૈલાસ પર્વત ઉપર જ્યાં ગૌરી અને મહાદેવ રહેતા હતા ત્યાં વસનારા હતા. ત્યાંથી આવેલા ગુહ્યકદેવ વિશેષ કૂતરાનારૂપે પૃથ્વી ઉપર ફરી રહ્યા છે. તેથી તેમને ખાવાનું આપનારની ઇચ્છા પૂર્ણ કરે છે. માટે આ કૂતરા પૂજ્ય છે. કાક, પોપટ આદિ શુભાશુભ જણાવે છે. યક્ષની મૂર્તિના ભક્તની આગળ યક્ષના પ્રભાવ આદિનું વર્ણન કરે.
આ પ્રમાણે આહાર મેળવવો એ ઘણા દોષનું કારણ છે. કેમકે સાધુ આ રીતે દાનની પ્રશંસા કરે તેથી અપાત્રમાં દાનની પ્રવૃત્તિ થાય, વળી બીજાને એમ થાય કે “આ સાધુ બૌદ્ધ આદિની પ્રશંસા કરે છે માટે જરૂર આ ધર્મ ઉત્તમ છે.” આથી જીવો મિથ્યાત્વમાં સ્થિર થાય, કે શ્રદ્ધાવાળો હોય તે મિથ્યાત્વ પામે. વગેરે અનેક દોષો રહેલા છે. વળી જો તે બૌદ્ધ આદિનો ભક્ત હોય તો સાધુને આધાકર્માદિ સારો સારો આહાર બનાવીને આપે. આ રીતે સાધુ ત્યાં રોજ જવાથી, બૌદ્ધની પ્રશંસા કરવાથી તે સાધુ પણ કદાચ બૌદ્ધ થઈ જાય.
ખોટી પ્રશંસા આદિ કરવાથી મૃષાવાદ પણ લાગે.
જો તે બ્રાહ્મણ આદિ સાધુના દ્વેષી હોય તો બોલે કે “આને ગયા ભવમાં કંઈ આપ્યું નથી એટલે આ ભવમાં મળતું નથી, તેથી આવા પ્રકારનું મીઠું મીઠું બોલે છે, કૂતરાની જેમ દીનતા બતાવે છે વગેરે બોલે. તેથી પ્રવચનવિરાધના થાય, ઘરમાંથી કાઢી મૂકે કે ફરીથી ઘરમાં આવે નહિ એટલા માટે ઝેર આદિ આપે. આથી સાધુનું મૃત્યુ આદિ થાય. આથી આત્મવિરાધના વગેરે દોષો રહેલા છે.
ઇતિ પંચમ વનપકપિંડ દોષ નિરૂપણ.