________________
૪૮
શ્રી પિંડનિર્યુક્તિ-પરાગ
નામના ઉદ્યાનમાં જવાના છે અને આખો દિવસ રોકાવાના છે, માટે કોઈ પણ માણસે તે દિશામાં લાકડાં આદિ લેવા માટે જવું નહિ, પરંતુ ચંદ્રોદય નામના ઉદ્યાન તરફ જવું.”
આ પ્રમાણે લોકોને જણાવ્યા બાદ સૂર્યોદય ઉદ્યાનમાં કોઈ છુપાઈ ન જાય તે માટે ઉઘાન પાસે ચોકીપહેરો ગોઠવાઈ ગયો.
રાત્રે રાજાને વિચાર આવ્યો કે “સવારે સૂર્યોદય ઉદ્યાનમાં જતાં સામો સૂર્યનો તાપ આવશે અને સાંજે પાછા આવતાં પણ સામો સૂર્યનો તાપ લાગશે. માટે ચંદ્રોદય ઉદ્યાનમાં જવું. જેથી જતાં અને આવતાં સૂર્ય પાછળ રહે.”
સવારે રાજા અંત:પુર સહિત સૂર્યોદય ઉદ્યાનમાં નહિ જતાં ચંદ્રોદય ઉદ્યાનમાં ગયા.
પડહ સાંભળ્યા બાદ કેટલાક દુરાચારી માણસોએ વિચાર કર્યો કે “અમે કોઈ દિવસ રાજાની રાણીઓ જોઈ નથી, સવારે રાજા સૂર્યોદય ઉદ્યાનમાં જવાના છે, તો ત્યાં જઈને જો છૂપાઈ જઈએ તો રાણીઓ બરાબર જોઈ શકાય.” આવો વિચાર કરી કેટલાક લોકો ઝાડ વગેરેના સ્થાને કોઈ દેખી ન જાય તે રીતે છુપાઈ ગયા.
તપાસ કરતાં ઉદ્યાનપાલકોએ છુપાઈ ગયેલા લોકોને પકડી લીધા અને દોરડાથી બાંધી લીધા.
જે લોકો ચંદ્રોદય ઉદ્યાનમાં ગયા હતા તે લોકો રાણીઓ સાથે ક્રિીડા કરતા રાજાને ઇચ્છા મુજબ જોવા લાગ્યા. તેઓને પણ રાજાના માણસોએ પકડ્યાં.
બીજે દિવસે પકડાયેલા લોકોને રાજા પાસે હાજર કરવામાં આવ્યા અને હકીકત જણાવી.
સૂર્યોદય ઉદ્યાનમાંથી જે લોકો પકડાયા હતા તેઓએ આજ્ઞાભંગ કરેલો હોવાથી રાજાએ તેમને મોતની સજા કરી અને ચંદ્રોદય ઉદ્યાનમાંથી પકડાયેલા હતા તેમણે આજ્ઞાનું પાલન કરેલું હોવાથી છોડી મૂક્યાં.
આજ્ઞાનો ભંગ કરનારને જેમ રાજાએ મોતની સજા કરી અને આજ્ઞાનું પાલન કરનારને મુક્ત કર્યા, તેમ આધાકર્મી આહાર વાપરવાની બુદ્ધિવાળા શુદ્ધ આહાર વાપરવા છતાં આજ્ઞાભંગના દોષથી દંડાય છે અને શુદ્ધ આહારની ગવેષણા કરનારને કદાચ આધાકર્મી આહાર વાપરવામાં આવી જાય તો પણ તેઓ દંડાતા નથી કેમકે તેઓએ શ્રી તીર્થકર ભગવંતની આજ્ઞાનું પાલન કરેલું છે.