________________
શ્રી પિંડનિર્યુક્તિ-પરાગ
દેવશર્મા વિચારવા લાગ્યો કે ‘આ સાધુઓ મારા ઘેરથી આહારાદિ લેતા નથી, બીજાને ત્યાં જઈને આપીશ તો પણ લેશે નહિ. માટે ચોમાસું ઊતરે સાધુ જશે ત્યારે ત્યાં જઈને કોઈ રીતે તેમને આહાર આપીશ.'
૭૪
વર્ષાઋતુના થોડા દિવસો બાકી રહ્યા, ત્યારે દેવશર્માએ સાધુને પૂછીને જાણી લીધું કે ચોમાસું ઊતરે સાધુ અમુક દિશામાં જવાના છે. આથી દેવશર્મા તે દિશામાં કોઈ ગોકુલમાં જઈને પોતાના ચિત્ર વગેરે બતાવીને અને પોતાની વચન ચાતુરીથી લોકોને ખુશ કરી દીધા. આથી લોકો તેને ઘી, દૂધ વગેરે આપવા લાગ્યા, ત્યારે દેવશર્માએ કહ્યું કે ‘હું જ્યારે માગું ત્યારે આપજો.’
ચોમાસું ઊતર્યું એટલે સાધુઓએ વિહાર કર્યો. તેઓ ક્રમે કરીને તે ગોકુળમાં આવ્યા. એટલે દેવશર્માએ પણ ત્યાં આવીને જ્યાં જ્યાં પછી લેવાનું કહ્યું હતું ત્યાંથી ઘી, દૂધ વગેરે લાવીને એક ઘેર રાખ્યું અને સાધુને ભિક્ષા માટે વિનંતિ કરી, સાધુઓએ છદ્મસ્થ દૃષ્ટિથી વિચાર કર્યો પણ કંઈ દોષ દેખાયો નહિ એટલે શુદ્ધ આહાર જાણીને ગ્રહણ કર્યો. આ રીતે ઉપયોગ પૂર્વક તપાસ કરીને ગ્રહણ કરવામાં સાધુને કોઈ દોષ લાગતો નથી. કેમકે ભગવાનની આજ્ઞાનું પાલન કર્યું છે. પરંતુ જો કોઈ રીતે ખબર પડી જાય તો તે આહાર લેવો કલ્પે નહિ. કેમકે તે આહાર પરભાવક્રીત દોષવાળો છે, ઉપરાંત જુદા જુદા ઘેરથી ત્યાં લાવેલો છે, તેથી અભ્યાહૃતદોષ પણ છે અને સાધુને આપવા માટે એક સ્થાને રાખી મૂકેલો છે. તેથી સ્થાપનાદોષ પણ છે. આમ તે આહાર ત્રણ દોષવાળો થાય છે.
ઇતિ અષ્ટમ ક્રીત દોષ નિરૂપણ.