________________
પ્રાભૃતિકા દોષ
સૂક્ષ્મ અવસર્પણ-કોઈક સ્ત્રી કાંતતી હોય, ખાંડતી હોય કે કોઈ કામ કરતી હોય, ત્યારે બાળક રોતું રોતું ખાવા માગે ત્યારે તે સ્ત્રી બાળકને કહે કે “હમણાં હું આ કામ કરું છું, તે પૂરું થયા પછી તને ખાવા આપીશ, માટે રડ નહિ.” આ ટાઇમે ગોચરી માટે આવી પહોંચેલા સાધુ સાંભળે, તો તે ઘેર ગોચરી જાય નહિ. કેમકે જો તે જાય તો તે સ્ત્રી ગોચરી આપવા ઊઠે અને સાધુ તે ગોચરી લે તો સૂક્ષ્મ અવસર્પણ પ્રાભૃતિકા નામનો દોષ લાગે.
આમાં છોકરાને મોડું આપવાનું હતું તે સાધુને માટે આહાર આપવા સ્ત્રી ઊઠે, સાધુને વહોરાવીને તે બાળકને પણ ખાવા આપે એટલે વહેલું થયું. પછી હાથ વગેરે ધોઈને કામ કરવા બેસે, આથી હાથ ધોવા વગેરેનો આરંભ સાધુ નિમિત્તે થાય અથવા સાધુએ સાંભળ્યું ન હોય અને એમને એમ ગયા ત્યાં બાળક બોલે કે કેમ ! તું પછી કહેતી હતી ને વહેલી ઊઠી ?' ત્યાં સૂક્ષ્મ અવસર્પણ સમજી સાધુએ લેવું નહિ. તેવા ઘેર સાધુ ભિક્ષા માટે જાય નહિ.
સૂમ ઉત્સર્પણ-ભોજન માગતાં બાળકને કોઈ સ્ત્રી કહે કે “હમણાં ચૂપ રહે, સાધુ ફરતા ફરતા અહીં ભિક્ષાએ આવશે ત્યારે ઊઠીશ એટલે તને ખાવા આપીશ.” આ સાંભળીને પણ ત્યાં સાધુ જાય નહિ. આમાં વહેલું આપવાનું હતું તે સાધુના નિમિત્તે મોડું થાય છે અને સાધુના નિમિત્તે આરંભ થાય છે. સાધુએ સાંભળ્યું ન હોય અને બાળક સાધુની આંગળી પકડી પોતાના ઘેર લઈ જવા માગે, સાધુ એને રસ્તામાં પૂછે. બાળક સરળપણે ઉપલી વાત કહે. ત્યાં સૂક્ષ્મ ઉત્સર્પણ પ્રાભૃતિકા દોષ સમજી સાધુએ ભિક્ષા લેવી નહિ. પ્રશ્ન-ગૃહસ્થ શા માટે વિવાહાદિ કાર્ય વહેલું કે મોડું કરે ?
ઉત્તર-સાધુને ગોચરી આદિ વહોરાવવાનો લાભ લેવા માટે અથવા તો લગ્નાદિ પ્રસંગે સાધુનાં પગલાં ઘેર થાય તો મંગલ થાય. માટે વિવાહાદિ વખતે લાભ લેવા માટે વહેલું કે મોડું કરે.
કોઈ સરળ હોય તો જાહેર કરી દે કે “સાધુનો લાભ મળે, માટે અમે લગ્નાદિનો દિવસ ફેરફાર કર્યો છે. જ્યારે કોઈ, બીજાને ખબર ન પડે તેમ લગ્ન આદિ વહેલા કે મોડા કરે.
વાત કરતા માણસોના મુખેથી સાંભળવાથી તેવી ભિક્ષાનો ત્યાગ કરે. સારી રીતે તપાસ કરવા છતાં ખબર ન પડે તો પરિણામ શુદ્ધ હોવાથી તેવો આહાર ગ્રહણ થઈ જાય તેમાં દોષ લાગતો નથી.
ઇતિ ષષ્ઠ પ્રાભૃતિકા દોષ નિરૂપણ.