________________
સ્વીકારશે તો તે અસ્તિત્વ પણ સર્વ પ્રકારે જ સ્વીકારશે અને નાસ્તિત્વ સ્વીકારશે તો તે પણ સર્વ પ્રકારે જ સ્વીકારશે; પણ વસ્તુનું કયા સ્વરૂપે અસ્તિત્વ છે અને કયા સ્વરૂપે નાસ્તિત્વ છે એનો વિવેક એ અજ્ઞાનરૂપ જ્ઞાનના યોગે એ આત્મા નહિ જ કરી શકે. વાસ્તવિક રીતિએ કોઇ પણ વસ્તુનું સ્વરૂપ મિથ્યાદ્રષ્ટિઓ જે રીતિએ સ્વીકારે છે તે રીતિએ હોતું જ નથી. એ અજ્ઞાનીઓ પૈકીના કોઇ જ્ઞાનીઓ, આત્માને નિત્ય જ માનશે તો કોઇ વળી અનિત્ય જ માનશે પણ દ્રવ્યની અપેક્ષાએ નિત્ય અને પર્યાયની અપેક્ષાએ અનિત્ય એમ માનવા જોગી શુદ્ધ મતિ તેઓમાં એ કારમા મિથ્યાત્વના યોગે નહિ જ થવાની. મિથ્યાદ્રષ્ટિ આત્મા, શુદ્ધ સ્યાદ્વાદી બની શકતો જ નથી, સદાને માટે એ પ્રાયઃ એકાંતવાદી જ હોય છે એ એકાંતવાદ જ એના જ્ઞાનને અજ્ઞાન બનાવનાર છે.
એકાંતવાદીઓ ગમે તેવા જ્ઞાનીઓ હોય તો પણ વાસ્તવિક રીતિએ અજ્ઞાનીઓ છે. અજ્ઞાનીઓ હોવાના કારણે એ આત્માઓ, મિથ્યાત્વ આદિ કર્મબંધનના હેતુઓથી બચી શકતા નથી : કારણ કે એઓનું જ્ઞાન એઓને પ્રાયઃ મિથ્યાત્વાદિ કર્મબંધના હેતુઓમાં જ પ્રવર્તાવનાર છે : એજ કારણે એઓનું જ્ઞાન સંસારનો હેતુ છે પણ મોક્ષનો હેતુ છે નથી : એથી પણ એઓનું જ્ઞાન અજ્ઞાન કહેવાય છે. મિથ્યાત્વના પ્રતાપે વિપરીતરૂચિવાળા બનેલા મિથ્યાદ્રષ્ટિ આત્માઓ, પ્રાયઃ શ્રી અરિહંત આદિ શુદ્ધ તત્ત્વોના નિંદક અને અશુદ્ધ તત્ત્વોને કુયુક્તિઓથી સિદ્ધ કરનારા હોવાથી તેઓની અસત્પ્રવૃત્તિ ભવાંતરમાં પણ અનુબંધવાળીજ થાય છે : એ કારણે પણ એઓનું જ્ઞાન સંસારનો હેતુ છે અને એથી એ અજ્ઞાન કહેવાય છે.
વળી મિથ્યાદ્રષ્ટિ આત્માઓને વસ્તુના બોધ રૂપ જે લાભ થાય છે તે મિથ્યાત્વ મોહનીય કર્મના વિપાકથી ઉન્મત્ત મનુષ્યની માફ્ક યદચ્છારૂપ થાય છે, કારણ કે-મિથ્યાદ્રષ્ટિ આત્મા, શ્રી સર્વજ્ઞપરમાત્માની આજ્ઞાને પરતન્ત્ર નહિ હોવાથી એ દરેક વસ્તુને પોતાની મતિકલ્પનાથી જ જાણવાનો આડમ્બર કરે છે. મદીરાપાની, મદના આવેશથી જેમ કિંકરને પણ રાજા તરીકે અને રાજાને પણ કિંકર તરીકે માને છે તેમ મિથ્યાત્વના ઉદયવાળો આત્મા, સદ્ભૂત વસ્તુનો પણ અતત્ત્વરૂપે વ્યવહાર કરે છે અને અસદ્ભૂત વસ્તુનો પણ તત્ત્વરૂપે વ્યવહાર કરે છે; એજ કારણે ઉપકારીઓ મિથ્યાત્વને પારમાર્થિક ગ્રહ તરીકે ઓળખાવે છે; પિશાચાદિરૂપ ઇતરગ્રહો કરતાં પણ મિથ્યાત્વરૂપ ગ્રહ મોટા મોટા અનર્થોને પેદા કરનાર છે અને એજ કારણે એ ગ્રહની હયાતિમાં થતું જ્ઞાન એ જ્ઞાનરૂપ નથી હોતું પણ અજ્ઞાનરૂપ હોય છે.
વળી જ્ઞાનનું ફ્લ એ છે કે- ‘એના યોગે આત્મા, યોગ્યતા મૂજબ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવની અનુકૂલતા પ્રમાણે પાપરૂપ પ્રાણાતિપાત આદિ કુકૃત્યોથી વિરામ પામે અને પવિત્ર સ્વાધ્યાય, ધ્યાન અને તપશ્ચરણાદિરૂપ કૃત્યવિશેષોમાં પ્રવૃત્તિ કરે.' આ વસ્તુ, વાસ્તવિક રીતિએ મિથ્યાદ્રષ્ટિ આત્માઓને નથી પ્રાપ્ત થતી; એજ કારણે મિથ્યાદ્રષ્ટિનું જ્ઞાન પણ અજ્ઞાન કહેવાય છે કારણ કે- ‘અશુદ્ધ આલાબુપાત્રમાં નાંખેલ દુધ અને સાકર આદિ મધુર દ્રવ્યો પણ વિપરીત ભાવને પામી જાય છે તેમ મિથ્યાદ્રષ્ટિ આત્મામાં રહેલું જ્ઞાન પણ મિથ્યાત્વના ઉદયથી વિપરીત ભાવને પામી જાય છે.'
આથી સમજાશે કે-મિથ્યાત્વ એ આત્માનો કારમો ભાવશત્રુ છે. આવા ભાવ અંધકારરૂપ શત્રુના પ્રતાપે આત્મા નરકાદિ રૂપ દ્રવ્ય અંધકારમાં આથડ્યા કરે એમાં કશું જ આશ્ચર્ય નથી એમ હરકોઇ વિવેકી આત્મા સમજી શકે તેમ છે.
મિથ્યાત્વ નામના દોષના પ્રતાપે છોડવા લાયક પદાર્થોમાં ગ્રહણ કરવા લાયકની બુધ્ધિ સ્થિર બનતી જાય છે અને ગ્રહણ કરવા લાયક પદાર્થોમાં છોડવા લાયકની બુધ્ધિ સ્થિર રૂપે રહેલી હાય છે.
Page 26 of 191