________________
આચાર્ય તરીકે રહેલા સુગુરૂ ભગવંતો શ્રી અરિહંત પરમાત્માઓની અનુપમ અને અજોડ આજ્ઞાનો અખ્ખલિતપણે પ્રચાર કરનારા હોય છે. જે આચાર્ય ભગવાનો આજ્ઞાના પ્રચાર કાર્યમાં પ્રધાનતા ભોગવે તે આચાર્ય ભગવાનો આજ્ઞાના પાલનમાં કેમ જ શિથિલ બને ? નવ પ્રકારે શ્રી તીર્થંકર મહારાજા સાથેની સમાનતા એ સૂરિ મહારાજાની અદ્વિતીય મહત્તા સૂચવે છે. તીર્થને સ્થાપ્યા બાદ શ્રી તીર્થંકરદેવ કદી પણ ભિક્ષાએ ન જાય. કેવલજ્ઞાન થયા પહેલા પોતે ભિક્ષા જાય છે પણ પછી નહિ એજ રીતે સૂરિ મહારાજા પણ ભિક્ષાએ જતા નથી કારણ કે જાય તો પ્રવચનની લઘુતા થાય અને તીર્થને હાનિ પહોંચે. સ્વ મહત્તા માટે એ ગુરૂતા નથી પણ શાસનની મહત્તાનું રક્ષણ કરવાનો જ એમાં ઇરાદો છે. એજ ઇરાદે જેમ શ્રી અરિહંત ભગવાન સ્વતંત્રપણ સ્વયમેવ અર્થની પ્રરૂપણા કરે તેવી રીતે જે સમયે જેટલું પ્રવચન મોજુદ હોય તે બધાના અર્થને પામેલા સૂરિ પણ નિ:સંશયપણે જે વસ્તુ જેવા સ્વરૂપે હોય તે વસ્તુને તેવા સ્વરૂપે હંમેશને માટે કહેનારા હોય છે. એવા સુગુરૂનો આદર કરવો જોઇએ. સુધર્મ આદરૂં (દશમો બોલ)
સુધર્મ તેજ કહેવાય કે જેના સેવનથી વિષય વાસના ઘટે, અપ્રશસ્ત કષાય ઘટે, ગુણો ઉપર પ્રેમ થાય અને એ ગુણો આવે એવી ક્રિયાઓને વિષે અપ્રમત્તતા આવે. એ ધર્મ પાળવા માટે કજીયો થાય તો વેઠવો, ઘર મુકવું પડે તો તે પણ સહવું. હવે ધર્મની વાત વિચારતાં ધર્મની વ્યાખ્યા કરતાં કહ્યું છે કે
"दुर्गतिप्रपतत्प्राणि धारणाद्धर्म उच्यते । संयमादिर्दशविध: सर्वज्ञोक्तो विमुक्तये ।। "
(યોગશાસ્ત્ર દ્વિપ્ર.શ્લો.૧૧) દુર્ગતિમાં પડતા પ્રાણીને ધારી રાખવાથી-બચાવવાથી ધર્મ કહેવાય છે. શ્રી સર્વજ્ઞભગવંતે કહેલો. સંયમાદિ દશ પ્રકારનો ધર્મ જ મુક્તિને માટે થાય છે.” અન્યત્ર પણ કહ્યું છે કે
"दुर्गति प्रसृतान् जन्तून्, यस्माद् धारयतेपुन: ।
धत्ते चैतान् शुभे स्थाने, तस्माद् धर्म इति स्मृतः ।।" દુર્ગતિ તરફ જતા પ્રાણિઓને જે કારણથી ધારણ કરે છે-બચાવે છે અને ફ્રીથી શુભસ્થાનમાં સ્થાપે છે તે કારણથી તે ધર્મ કહેવાય છે.
આના પરથી એ વાત સુનિશ્ચિત થાય છે કે- પરિણામે કે પરંપરાએ પણ જે પ્રવૃત્તિથી આત્માની દુર્ગતિ જ થાય અને સદ્ગતિ તો સ્વપસમ બને તે ધર્મ પ્રવૃત્તિને કે ધર્મને વાસ્તવમાં ધર્મ કહેવાય પણ નહિ જ. વળી, સાથે સાથે એ પણ નક્કી થાય છે કે, આ લોક કે પરલોકના માન-પાનાદિ એહિક સુખ-સમૃદ્ધિ-સાહ્યબી માટે પણ ધર્મ કરાય જ નહિ. કેમકે, જે પરિણામે આત્માનું ભાવિ બગાડે, આત્માનું ભયંકર અહિત કરે કે દુર્ગતિની પરંપરા વધારે તેને ધર્મ કઇ રીતના કહેવાય ? ભગવાનના માર્ગનો સાચો ઉપદેશક ક્યારે પણ તેવો ઉપદેશ આપે ખરો ? જગતના જીવો અર્થ-કામમાં જ પ્રવૃત્ત હોય છે, તેમાંથી છોડાવી, આત્માના કલ્યાણને માટે જ ધર્મ કરાવવાનો છે. તેને બદલે ધર્મગુરુ પોતે જ અર્થ-કામની પુષ્ટિ કરે, તેના માટેય ધર્મ જ કરવાનું કહે તો તે બધા કેવા
કહેવાય ? “ક્ષત ઉપર ક્ષાર નાખનાર', ‘બળતામાં ઘી હોમનાર' હિતેષી કહેવાય કે હિતશત્રુ કહેવાય ?
Page 48 of 191