________________
“ताइं चिय विवुहाणं, पसंसणिज्जाई तह य जाइं च |
તહિં પિય મણિમારૂં, સન્મત્ત બાળ-ચરળારૂં ||”
မှဲ့
આત્મહિતની દ્રષ્ટિએ, જે વસ્તુ સાંભળવા યોગ્ય હોય, તે પ્રશંસાને યોગ્ય પણ થાય જ. આપણે જોયું કે-સાંભળવા યોગ્ય શ્રી સર્વજ્ઞ પરમાત્માએ કહેલાં વચનો છે. પ્રશંસવા યોગ્ય પણ શ્રી વીતરાગ પરમાત્માએ કહેલાં વચનો છે અને શ્રી વીતરાગ પરમાત્માનાં વચનોએ જ ફરમાવેલ જે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્ર, એ ત્રણ પ્રશંસાન પાત્ર છે. સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્ર - એ ત્રણેય આત્માના ગુણો છે.
આત્માના એ ગુણો પ્રશંસવા યોગ્ય છે, માટે એ ત્રણને ધરનારા પણ પ્રશંસવા યોગ્ય ઠરે છે. રત્નત્રયીની અનુપમ પ્રકારે આરાધના કરવા દ્વારા અજોડ સામર્થ્યને કેળવીને જે આત્માઓએ રત્નત્રયીને જીવનમાં એકમેક કરી દીધી તથા જગતના જીવોના કલ્યાણને માટે રત્નત્રયી રૂપ મોક્ષમાર્ગને જે આત્માઓએ સ્વતન્ત્રપણે પ્રદર્શિત કર્યો, તે શ્રી અરિહંત દેવો પ્રથમ કક્ષાએ પ્રશંસાપાત્ર છે.
અનંતજ્ઞાનિઓની આજ્ઞા મુજબ રત્નત્રયીની આરાધના કરવા દ્વારા, જે આત્માઓએ પોતાના આત્માની સાથે અનાદિકાળથી લાગેલા કર્મમળને દૂર કર્યો અને જે આત્માઓ શ્રી સિદ્ધિગતિને પામ્યા, તે શ્રી સિદ્ધ ભગવાનો પણ બીજે નંબરે પ્રશંસાપાત્ર છે.
રત્નત્રયીના આરાધક બનીને, એ રત્નત્રયીનો પ્રચાર કરવાનું જે આત્માઓએ બીડું ઝડપ્યું છે અને જેઓ શ્રી તીર્થંકરદેવોની ગેરહાજરીમાં શાસનના શિરતાજ પદે રહીને શાસનનું અબાધિત પ્રવર્તન કરી તથા કરાવી રહ્યા છે, તે શ્રી આચાર્ય ભગવાનો પણ ત્રીજે નંબરે પ્રશંસાપાત્ર છે.
શ્રી આચાર્ય ભગવાનોની નિશ્રામાં રહીને શ્રી જિનેશ્વરદેવોનાં વચનોને જાણી, હૃદયમાં પચાવી, રત્નત્રયીના આરાધનપૂર્વક જે આત્માઓ રત્નત્રયીનું જ્ઞાનદાન દેનારા છે, તે શ્રી પાઠકભગવાનો પણ ચોથે નંબરે પ્રશંસાપાત્ર છે.
રત્નત્રયીની આરાધનાની પ્રતિજ્ઞા સ્વીકારી, રત્નત્રયીની આરાધનામાં રક્ત રહેવા સાથે, જગતમાં રત્નત્રયીની આરાધના કરવા ઇચ્છતા આત્માઓને યથાયોગ્ય પ્રકારે સહાય કરનારા સાધુઓ પણ પાંચમાં નંબરે પ્રશંસાપાત્ર છે.
આ પછી, રત્નત્રયીને પામવાની અભિલાષાવાળાં, રત્નત્રયીની આરાધનામાં જ આત્માનો નિસ્તાર છે-એમ માનનારા, રત્નત્રયીના આરાધક આત્માઓની સેવામાં રક્ત રહેનારા, સંસારમાં રહેવા છતાંય સંસારને બૂરો માનનારા, સંસારને છોડવાની પેરવીમાં પડેલા અને શક્યમાં પ્રવૃત્તિ તથા અશક્યમાં સદ્દહણા જેવી દશાવાળાં શ્રાવક-શ્રાવિકા પણ તે પૂરતા પ્રશંસાને પાત્ર છે.
એ જ રીતિએ, રત્નત્રયી રૂપ મોક્ષમાર્ગની સન્મુખ બનેલા આત્માઓ પણ તે પૂરતા પ્રશંસાપાત્ર છે જેમનું જીવન એવું બની ગયું હોય કે-શ્રી જિનેશ્વરદેવોએ ફરમાવેલા માર્ગને ઝટ પામે : રત્નત્રયી રૂપ મોક્ષમાર્ગની સન્મુખ દશાવાળા : જાણે-અજાણે શ્રી વીતરાગ પરમાત્માના વચનને સામાન્ય પ્રકારે અનુસરવાનું જેમનું જીવન બન્યું છે એવા : જે જીવનમાં શ્રી વીતરાગના સિદ્ધાંતની છાયા જણાય તે ! એવા આત્માઓ પણ એ પૂરતા પ્રશંસાપાત્ર છે. પણ પ્રશંસા કરતાં ચકોર બનવું જોઇએ. પ્રશંસા એવી જ રીતિએ થાય, કે જેથી એ આત્મા માર્ગ પામે અને બીજા પણ આત્માઓ માર્ગ પામે : કોઇ પણ આત્મા ઉન્માર્ગે ચઢી જાય એવી પ્રશંસા નહિ કરવી જોઇએ ! પ્રશંસા કરવામાં પણ વિવેક જોઇએ છે. કોઇ પણ પ્રકારના ધર્મમાં વિવેક વિના ચાલે એવું છે ? નહિ જ.
Page 125 of 191