________________
અભયકુમાર ચરિત્ર
૪
રાજાએ પુછ્યું ઃ કૃષ્ણપક્ષના ચંદ્રલેખાની જેમ તારું શરીર ક્ષીણ કેમ થાય છે ? શું તને પણ ખાવા નથી મળતું ? અથવા કોઈએ તારું કંઈ અહિત કર્યું છે ? અથવા શું તારી આજ્ઞા ખંડિત કરાઈ છે ? ૭૪. અથવા શું કોઈ દુઃસ્વપ્નમાળા જોઈ છે ? અથવા શું કોઈ દુર્નિમિત ઉત્પન્ન થયું છે ? અથવા શરીરમાં કોઈ પીડા ઉત્પન્ન થઈ છે ? હે સર્વાંગસુંદરી તું મને હકીકત જણાવ. ૭૫. કુક્ષિમાં આવીને સ્થિર થયેલ ગર્ભમાં જેના પ્રાણ ન ગયા હોય એવી ચેલ્લણાએ નિઃશ્વાસ નાખીને રાજાને કોઈક રીતે પોતાનું સ્વરૂપ જણાવ્યું. કારણ કે જ્યાં સુધી અંતરના ભાવ કહેવામાં ન આવે ત્યાં સુધી ઉપાય થઈ શકતો નથી. ૭૬. રાજાએ કહ્યું ઃ હે સૌભાગ્યવંતી ! હું તારું ઈચ્છિત જલદી કરાવી આપીશ. દૂર રહેલી વસ્તુને પાસે રહેલી હોય એટલી જલદીથી લાવી આપીશ. ૭૭. તેના મનને આશ્વાસન આપીને રાજાએ અભયકુમારને દોહલાનું સ્વરૂપ જણાવ્યું. છીંક ન આવતી હોય ત્યારે સૂર્યની સામું જોવાય છે. ૭૮. નંદાપુત્રે કહ્યું : હે તાત ! હું હમણાં જ અભીષ્ટ અર્થની સિદ્ધિ કરાવી આપીશ કેમકે બુદ્ધિમાનોની આંખમાં પડેલું તણખલું કયારેય પણ ખુંચતું નથી. ૭૯. રાજપુત્ર અભયે પોતાના માણસ પાસે સસલાનું માંસ મંગાવ્યું. કષ્ટદાયક અવસ્થામાં પડેલા જીવને ઉત્સર્ગ કરતા અપવાદ બળવાન ન બને ? અર્થાત્ અપવાદ પણ લાભ કરનારો થાય.૮૦. રાજાને ચત્તા સુવડાવીને તેના પેટ ઉપર સસલાનું માંસ મુકાવ્યું. કાર્યને તેવી રીતે પાર પાડવું જોઈએ જેથી સાપ ન મરે અને લાકડી ન ભાંગે. ૮૧. તીક્ષ્ણ ક્ષુરી લઈને તેના શરીરને ચીરવાનું નાટક (દેખાવ) કર્યું. રાજાએ પણ જોરથી સીત્કાર કર્યો. માયા કર્યા વિના બીજો સાચું માનતો નથી. અર્થાત્ બીજાને સાચું મનાવવા માયા કરવી પડે. ૮૨. ત્યારે રાજાએ માંસ મોકલાવ્યું. પતિના આદેશથી ચેલ્લણાએ એકાંતમાં માંસ ભક્ષણ કર્યું. કારણ કે સજ્જનોને જાહેરમાં કુનીતિનું આચરણ શોભતું નથી. ૮૩. તે વખતે સ્વામીનું સ્મરણ કરતી ચેલ્લણાનું હૃદય ક્ષણથી કંપ્યુ અને ગર્ભનું સ્મરણ કરતી તેનું હૃદય ઉલ્લસિત થયું. કેમ કે જીવને રાગ અને દ્વેષનો ઉદય એકી સાથે હોતો નથી. ૮૪. દોહલો પૂર્ણ થયા પછી ચેલ્લણાએ પોતાની નિંદા કરી. પતિને હણાવનારી મને ધિક્કાર થાઓ. કારણથી પાપ થઈ ગયા પછી સારા સંસ્કારી જીવોને મોટો પશ્ચાત્તાપ થાય છે. ૮૫. જેમ રાત્રે પુનમનો ચંદ્ર કમલિનીને પોતાનું રૂપ ફરી બતાવે છે તેમ રાણીના મનનું સમાધાન કરવાના હેતુથી રાજાએ ફરી પોતાનું અક્ષત રૂપ બતાવ્યું. ૮૬. રાજાએ કહ્યું : હે સૌભાગ્યવતી ! સંરોહિણી ઔષધિના લેપથી હું ક્ષણથી શરીરે સ્વસ્થ થયો કેમકે ઔષધિઓનો મહિમા મોટો હોય છે. ૮૭. પતિને મૂળ સ્થિતિમાં રહેલા જોઈને ચેલ્લણા ઘણાં સંતોષને પામી કારણ કે આપત્તિને પાર પામી ગયેલા સગાભાઈને જોઈને કોને હર્ષ ન થાય ? ૮૮. જેમ હાથિણી હાથીના બચ્ચાને જન્મ આપે તેમ નવ માસ અને સાડા આઠ દિવસ પૂર્ણ થયા પછી ચેલ્લણાએ સર્વાર્થપૂર્ણ પુત્રને જન્મ આપ્યો. ૮૯. આ પિતાનો મહાશત્રુ છે એમ જાણીને રાણીએ તુરત જ દાસી પાસે પુત્ર ફેંકાવી દીધો. શરીરમાં ઉત્પન્ન થયો હોવા છતાં શું વાળા નામનો દુઃખદાયી જતું ફેંકી દેવાતો નથી ? અર્થાત્ ફેંકી દેખાય છે. ૯૦. શું જાણે વનદેવતાની ક્રીડા અર્થે ન હોય તેમ દાસીએ તેને અશોકવનમાં મૂકી દીધો. ભાગ્યના યોગથી પાછી ફરતી દાસીને રાજાએ પુછ્યું : હે ભદ્રા ! તું કયાં ગઈ હતી ? ૯૧. દાસીએ કહ્યું : રાણીના આદેશથી હું બાળકને છોડવા ગઈ હતી. કારણ કે જેનું અન્ન ખાઈએ તેનું શુભ કે અશુભ કહેલું કરવું જોઈએ. ૯૨. બિલાડી વગેરે જીવોથી પુત્રને દુ:ખ પહોંચવાની સંભાવનાથી રાજા સ્વયં ઉગ્ર વેગથી જઈને બે હાથથી બાળકને લઈ લીધો. અહો ! પુત્ર ઉપર પિતાનો કોઈક અજોડ સ્નેહ છે. ૯૩.
રાજાએ આવીને રાણીને કહ્યું : હે કુલીન સુવિવેકિની બુદ્ધિમતી ! મલેચ્છ સ્ત્રીઓ જેને અકૃત્ય માને