________________
સર્ગ-૮
૧૯૭
જેમ આજે વૈરી અગ્નિ કેવી રીતે બુઝાશે ? ૬૬. ઔપપાતિક બુદ્ઘિના ધણી અભયે કહ્યું : હે રાજન્ ! અગ્નિની સામે અગ્નિ મૂકો જેથી ઉત્પન્ન થયેલો અગ્નિ શાંત થશે. અથવા તો પગમાં લાગેલો કાંટો બીજા કાંટાથી નથી કઢાતો ? ૬૭. શેરીની ધૂળ, પાણી, છાણ, ગોરસ, (છાશ વગેરે)ને છાંટવાથી અને ગાઢતર કુટવા છતાં પણ જે અગ્નિ શાંત ન થયો તે અગ્નિની સામે બીજો અગ્નિ સળગવાથી શાંત થયો. અથવા જીવ પોતાના વંશમાં ઉત્પન્ન થયેલ જીવથી શાંત થાય છે. ૬૮. જ્યાં શ્રેણિકરાજાના પુત્રના પગલા થાય ત્યાં પૃથ્વીતલ ઉપર તે નગર અને તે દેશ જય પામે છે. વિવિધ પ્રકારના મણિ—સુવર્ણ—આભૂષણ-ઉત્તમ વેશથી સહિત સારા વાળવાળો મનુષ્ય શોભે છે. ૬૯. એ પ્રમાણે પ્રમોદના ભરથી પૂર્ણપણે ભરાયેલ પ્રદ્યોત રાજાએ અભયને, મોક્ષ (છૂટવા) સિવાયનું ત્રીજું વરદાન આપ્યું. નાની બીબી પણ હંમેશા બીબી કહેવાય છે. ૭૦. આ દાન (વરદાન)માં કુશલતાને નહીં જોતો બુદ્ધિના ભંડાર શ્રેણિક રાજાના પુત્રે તેને પણ થાપણ તરીકે રાખ્યો. અથવા લવણ વિનાની સુંદર પણ રસોઈ કોને ખુશ કરે ? ૭૧.
બીજી બધી નગરીઓને ઉત્તમ ગુણોથી જીતી લેતી, સતત હર્ષ પામેલા લોકથી ભરેલી ઉજ્જૈનીમાં એકવાર ચારે બાજુથી અશિવ ઉત્પન્ન થયો. ખાંડના ઢગલામાં શું કાચનો ટૂકડો ન આવે ? ૭ર. ચંડપ્રદ્યોત રાજાએ અભયને જલદીથી શાંત કરે તેવા ઉપાયને પુછ્યો. કેમકે હેમંત રાત્રિમાં હિમપાતથી ઘણાં પીડિત જીવોને સૂર્યોદય યાદ આવે છે. ૭૩. કષ્ટ દળનાર અભયે કહ્યું : હે રાજન્ ! જેમ ગંગા વગેરે મુખ્ય નદીઓ સમુદ્રને મળે તેમ આભરણ અને વેષથી વિભૂષિત થઈને તારી સર્વ અંતઃપુરની રાણીઓ સભામાં આવે. ૭૪. હે રાજન્ ! તે દેવીઓમાં તને જોતી દૃષ્ટિથી જીતીલે તે મને જણાવવી. પછી હું તમને તેનો ઉપાય જણાવીશ અને ખરેખર તે અશિવના નાશનો ઉપાય બનશે. ૭૫. તેણે તે પ્રમાણે કર્યુ ત્યારે રાજાને જોઈને બીજી દેવીઓએ માથું નમાવી દીધું. શિવાદેવીએ દષ્ટિથી પતિને જીત્યા. કેટલીક સ્ત્રીઓ પણ પુરુષભાવને ધારણ કરે છે. ૭૬. રાજાએ આ હકીકત અભયને જણાવી. લોકોત્તર અદ્ભૂત મતિના સ્વામી અભયે કહ્યું : રાત્રે શિવાદેવી ભૂતિની પૂજા કરે કેમકે ધૈર્યહીન પુરુષો તેની પૂજા કરી શકતા નથી. ૭૭. હે રાજન્ ! અહીં શિવાના સ્વરૂપવાળો ભૂત ઉભો થશે અને જલદીથી ઘણા વધવા લાગશે ત્યારે શિવા દેવીએ સ્વયં જ તેના મુખમાં હાથથી પ્રવર ક્રૂર બલિ નાખવો. ૭૮. પતિની આજ્ઞાથી શિવાદેવીએ તે રીતે જ કર્યુ. અહો ! ક્ષણથી અવંતિમાં અશિવની શાંતિ થઈ. આગળ જતા એ શિવને કરશે એટલે ભાઈઓએ તેનું નામ શિવા પાડયું. ૭૯. તેને અંતઃપુરમાં ઘણી સ્ત્રીઓ હતી પરંતુ શિવાદેવીથી જ કાર્યની સિદ્ધિ થાય છે. અથવા તો અનેક પ્રકારના ઘોડા—લોખંડ– લાકડું–પથ્થર–વસ્ત્ર–પાણી–મનુષ્ય અને નાયિકામાં પરસ્પર ઘણું અંતર હોય છે. ૮૦. અશિવના ઉપશમને જોઈને આના સૌભાગ્યથી રાજા ઘણો હર્ષ પામ્યો. આની મતિએ બીજાની બુદ્ધિનો પરાભવ કર્યો. ભૂમિવલયમાં સર્વનદીઓમાં નિર્મળ જળરાશિ ઉછળતા મોજાવાળી તો ગંગા જ છે. અર્થાત્ ગંગા નદીને કોઈની ઉપમા આપી શકાતી નથી તેમ અભયની બુદ્ધિને કોઈની ઉપમા આપી શકાય તેમ નથી. ૮૧. મેરુ પર્વત એક લાખ યોજન પ્રમાણમાપથી નિશ્ચિત છે. કાળ પણ પલ્યોપમ આદિથી મર્યાદિત છે. દ્વીપ અને સમુદ્રો પણ વેદિકા સુધીના છે. લોકો પણ ચૌદરાજ પ્રમાણ નિશ્ચિત છે. ૮૨. આ પ્રમાણે ઘણી પણ વસ્તુઓમાં નિશ્ચયથી ઘણી અને વધારે ઘણી મર્યાદાઓ સમાયેલી છે. પરંતુ આની મતિની કોઈ મર્યાદા નથી. આકાશની જેમ ઘણાં લાંબા અંતરે પણ આની સીમા નથી તે આશ્ચર્ય છે. ૮૩. એમ અતિ હર્ષિત થયેલ રાજાએ રાજગૃહના શ્રેણિક રાજાના પુત્રને પૂર્વની જેમ ચોથું વરદાન આપ્યું. ઘણો પણ વરસાદ વરસે તો પણ કેશુડાના ઝાડને ત્રણ પાંદડા જ હોય છે. ૮૪.