________________
સર્ગ-૧૨
બારમો સર્ગ
૨૮૭
હવે બારમો સર્ગ પ્રારંભ કરાય છે.
પછી અભયે માતા–પિતા પાસે દીક્ષા લેવા માટે જલદીથી અનુજ્ઞા માગી. પંડિતો ધર્મના કાર્યમાં વિલંબ કરતા નથી. ૧. ભગવાને ઉદાયનને અંતિમ રાજર્ષિ કહ્યા છે તેથી જો હું રાજ્યને ગ્રહણ કરીશ તો મને દીક્ષા મળશે નહીં. ૨. તીર્થંકર પરમાત્મા શ્રીમદ્ મહાવીર જેવા ગુરુને પ્રાપ્ત કરીને, યશ અને ધર્મનું કારણ તમારા પુત્રપણાને પામીને આ લોકની જેમ હું પરલોકને સફળ ન કરું તો મારા કરતા જગતમાં બીજો કોણ મૂર્ખ છે ? ૪. તેથી મને દીક્ષા લેવાની રજા આપો. તમારી કૃપાથી મેં આ લોકના સુખને અનુભવ્યું તેમ પ્રભુની કૃપાથી પરલોકના સુખને અનુભવું. ૬. આ સાંભળીને માતા–પિતાએ ગદ્ગદાક્ષરે કહ્યું : હે વત્સ અભયકુમાર ! હે ભાગ્ય વાલ્લભ્યદર્શન ! હે પિતૃભક્ત! હે સદામુક્ત ! હે સર્વત્ર નિરાભિમાની ! હે સુમનિષિન્ ! તને જ પારિમાણિકી બુદ્ધિ છે. ૮. રાજ્યના કારણથી પિતા પુત્રને, પુત્ર પિતાને, ભાઈ ભાઈને, કાકો ભત્રીજાને, ભત્રીજો કાકાને તથા મામો ભાણેજને, ભાણેજ મામાને તથા મિત્ર મિત્રને લોભથી હણે છે. ૧૦. હે વિચક્ષણ ! આ રાજ્ય હોતે છતે મને દીક્ષા નહીં મળે તે હેતુથી અપાતા છતાં રાજ્યને ઈચ્છતો નથી. ૧૧. હે પુત્ર ! તારો મનોરથ કેવળ કલ્યાણ સ્વરૂપ છે. તું દીક્ષા ન લે એમ બોલતાં આ જીભની કઠોરતા કેમ સિદ્ધ ન થાય ? ૧૨. હે પુત્ર ! અમે જીવીએ ત્યાં સુધી તું સંસારમાં રહે જેથી હર્ષથી સદા વિકસ્વર તારા મુખરૂપી કમળને જોતા અમે સુખી રહીએ. અમારા મૃત્યુ પછી તું દીક્ષા લેજે. ૧૪. પછી અભયકુમારે મધુરવાણીથી માતાપિતાને કહ્યું ઃ પૃથ્વી ઉપર સાતા આપનાર હે તાત ! પુત્ર ઉપર સુવત્સલ હે માતર્ ! તમોએ જે આદેશ કર્યો છે તે સર્વ સુંદર જ છે. માતા–પિતા પુત્ર વાત્સલ્યમાં તત્પર હોય છે. ૧૬. પરંતુ અમે જ્યાં સુધી જીવીએ ત્યાં સુધી તું રહે એમ સ્નેહને હેતુ તરીકે જણાવ્યો તેનો નિર્ણય કેવી રીતે કરાય ? કેમકે આયુષ્યની ગતિ વિષમ છે. ૧૭. નાના-મધ્યમ અને મોટાઓમાં જે આ લાંબુ–ટુંકુ કે મધ્યમ જીવશે એવું નિયત દેખાતું નથી કેમકે સકલ વસ્તુ અનેકાંત છે. કહેવાનો ભાવ એ છે કે સર્વનું આયુષ્ય સમાન કે ક્રમસર પૂરું થાય એવો કોઈ નિયમ નથી. પુત્રનું આયુષ્ય વહેલું પૂરું થાય એવું પણ બને. ૧૮. વાયુથી ઉછળતા મહાગંગાના મોજાની જેમ આયુષ્ય ક્ષણભંગુર હોતે છતે જીવવાની આશા ક્ષણ પણ રાખી શકાય તેમ નથી. ૧૯. પરંતુ દીક્ષા લઈને સાધ્વાચારનું પાલન કરતા શ્રીમદ્ મહાવીર જિનેશ્વરના ચરણકમળની સેવા કરતા મને જોઈને તમને હર્ષ થશે. ગૃહસ્થ પર્યાયને ભોગવવાથી ઉત્પન્ન થયેલ હર્ષ કરતા તે લાખગુણો છે. ૨૧. પૂર્વે જેમ કૃષ્ણે પ્રધુમ્ન અને સાંબને દીક્ષા લેવા સહાય કરી હતી તેમ દીક્ષા લેતા મને સહાય કરો. ૨૨. આ પ્રમાણે તેનો દીક્ષાનો ગાઢ આગ્રહ જોઈને માતા–પિતાએ રજા આપી. અથવા શુભ કાર્યમાં પ્રવૃત્તિ કરતા પુત્રને કોણ અંતરાય કરે ? ૨૩. પિતાની આજ્ઞાથી અભયે સ્વયં પોતાના સર્વ ઘરોમાં મહાવિભૂતિથી અષ્ટાત્મિક મહોત્સવ કર્યો. ૨૪. તેણે સતત ભક્તિ અને બહુમાનપૂર્વક ચિત્તને ચમત્કાર કરે તેવું સમસ્ત સંઘનું વાત્સલ્ય કર્યું. ૨૫.
રાજાએ કૌટુંબિક પુરુષોને બોલાવીને આદેશ કર્યો કે નંદાનો પુત્ર દીક્ષા લે છે. તેથી નગરને શોભાવો. ૨૬. જેમ વૈધ રોગીના દેહને શુદ્ધ કરે તેમ ત્રણ રસ્તા, ચાર રસ્તા તથા રાજમાર્ગ વગેરેને સાફ કરાવો. ૨૭. જેમ પાણીવાળા વાદળાં વરસે તેમ તેઓએ ઘણું પાણીથી સિંચન કર્યુ અને સત્પુરુષ–કુંકુમની છટા આપીને નગરને સુગંધિત કર્યું. ૨૮. મંચ અને મોટા મંચોથી નગરને સુશોભિત કર્યું. તથા દરેક દુકાનોનો ઉપરનો ભાગ રેશમી વસ્ત્રોથી શણગારાવ્યો. ૨૯. તેઓએ પણ વિવિધ પ્રકારના રંગવાળાં સિંહ, અશ્વ, વગેરેના