________________
૪૮
અભયકુમાર ચરિત્ર
ત્રીજો સર્ગ
શ્રેણિક રાજાને ગુણોને ધારણ કરનારી ધારિણી નામે બીજી રાણી હતી. શું હાથીને એક જ હાથિણી હોય ? ૧. રૂપ-સૌંદર્ય–સૌભાગ્યના ભારથી ભરેલા તેના શરીર ઉપર કયાંય પણ અપલક્ષણ ન હતા અથવા શું શંખમાં કાલિમા હોય ? ૨. સતીઓમાં શિરોમણિ તેણીએ નિર્મળ કિંમતી શીલ રત્નનું રક્ષણ કરવા નક્કીથી લજ્જા નામની રક્ષા પોટલીને ધારણ કરી હતી. ૩. કમલિની ચંદ્ર સિવાય કોઈને જોતી નથી તેમ પતિવ્રતા ધારિણીએ પતિ સિવાય બીજા કોઈના મુખને જોયું નહીં ૪. બાળપણમાં દૂધના પાનથી જીભ એવી મધુર થઈ જેથી જીભે કયારેય કડવા વેણ ન ઉચ્ચાર્યા એમ હું માનું છું. ૫. આણે ઉત્તમ અધ્યાપક પાસે દાનનો અભ્યાસ કર્યો હશે જેથી યાચકોને દાન આપતા આનો હાથ કયારેય થાક્યો નહીં. નહીંતર આવું કેવી રીતે બનત ? અર્થાત્ દાન આપતા થાક્યા વગર ન રહેત. ૬. દિનલક્ષ્મીની સાથે સૂર્યની જેમ તેની સાથે ઉત્તમ ભોગોને ભોગવતા રાજાના કેટલાક દિવસો પસાર થયા.૭.
એકવાર રાત્રિના છેલ્લા પહોરમાં પંચવર્ણના સુગંધિ ફૂલોનો પગર (ઢગલો) જેમાં પથરાયેલો હતો, જેમાં ધૂપદાનીઓમાંથી ધૂપો મહેકી રહ્યા હતા એવા વાસભવનમાં વિવિધ જાતના મણિ—સુવર્ણ–રૂપાથી ભરેલ સંપૂર્ણ હંસના રોમરાજીથી તૈયાર થયેલ ગાદલાવાળા, નીચે (પગ પાસે) અને ઉપર (મસ્તક પાસે) બે તકિયાથી યુક્ત, માખણ જેવા મુલાયમ ઓછાડથી ઢંકાયેલ ગાલમસુરિયા (ગાલ ટેકવવાનું સ્થાન), ઊંચો ચંદરવો બંધાયેલ હતો, મધ્યભાગમાં જરાક નમેલ, ગંગાના કાંઠા સમાન, દેવ શય્યા જેવા પલંગ ઉપર સૂતેલી રાણીએ નંદાની જેમ સ્વપ્નમાં મદ ઝરાવતા ચાર દાંતવાળા, સફેદ હાથીને મુખમાં પ્રવેશતો જોયો. ૧૩. જેવી રીતે સૂર્યના દર્શનથી કમલિની વિકસે તેવી વિકસિત પર્ણવાળા કમલની જેવી આંખવાળી રાણી તે વખતે જ જાગી કારણ કે તેવા જીવોને અલ્પનિદ્રા હોય છે. ૧૪. ગતિથી હંસલીને જીતતી અર્થાત્ હંસલી કરતા સુંદર ગતિથી ચાલીને કોમલ વાણીથી પતિને જગાડ્યા કેમ કે માર્દવતા સ્ત્રીનું આભૂષણ છે. ૧૫. અને કહ્યું : હે સ્વામિન્ ! મેં હમણાં સ્વપ્નમાં હાથીને જોયો, વૃક્ષની જેમ આ સ્વપ્ન મને શું ફળ આપશે ? ૧૬. જેવી રીતે મેઘધારાથી સિંચાયેલ કંદબવૃક્ષ વિકસિત થાય તેવી રીતે વિકસિત રોમાંચવાળા રાજાએ રાણીને આ પ્રમાણે કહ્યું ઃ ૧૭. હે પ્રિયા તેં જે સ્વરૂપે હાથીનું સ્વપ્ન જાયું છે તેથી નક્કી તારે કુલદીપક, કુલરત્ન, કુલશિરોમણિ કુલાચલ સમાન પુત્ર થશે. ૧૮. હે દેવી ! જેમ કુંતીએ કુલની વૃદ્ધિ કરનાર, ધીર હાથી જેવા બળવાન અને પરાક્રમી ભીમને જન્મ આપ્યો તેમ તું પુત્રને જન્મ આપીશ. ૧૯. આ છૂટા રહેલ વચનને કોઈ ગ્રહણ કરી લેશે એ હેતુથી આણે (ધારિણીએ) શકુન ગ્રંથિના બાનાથી પતિના વચનોને બાંધ્યા. ૨૦. અને કહ્યું : તમારી કૃપાથી મને જલદીથી એમ થાઓ સત્પુરુષોએ ઉચ્ચારેલું વચન અન્યથા થતું નથી. ૨૧. રાજા વડે વિસર્જન (રજા) અપાયેલ રાણી પોતાના આવાસે આવી. કુલસ્ત્રીઓ સર્વ કાર્ય પતિની અનુજ્ઞાપૂર્વકનું કરે છે. ૨૨. જેમ બીજા દુષ્ટ શકુનોથી શુભ શકુન હણાય જાય તેમ બીજા કુસ્વપ્નોથી મારું શુભ સ્વપ્ન હણાઈ ન જાઓ એ હેતુથી સાધ્વીની જેમ હું હમણાં ધર્મજાગરિકા કરું જેથી મને કમલિનીની જેમ નિદ્રા ન આવે. ૨૪. એમ વિચારીને તેણીએ બહેનપણીઓની સાથે સુંદરી, બ્રાહ્મી, નર્મદા સુંદરી, સતી દમયંતી, અંજના, રાજીમતી, સીતા, દ્રૌપદી, પરમાનંદા, ઋષિદત્તા, મનોરમા વગેરે સતીઓના ચરિત્રોને યાદ કર્યા. ૨૬. હું માનું છું કે તેની ધર્મકથા સાંભળવા અસમર્થ મલીન (અંધારી) રાત્રિ ક્ષણથી ચાલી ગઈ. ૨૭.
૧. કમલિનીની : ચંદ્રની ચાંદનીમાં કમલિની ખીલે છે મીંચાઈ જતી નથી તેમ ધર્મજાગરિકારૂપી ચાંદનીમાં મને બિલકુલ ઊંઘ ન આવે.