________________
અનેકાનેક પ્રશ્નોની હારમાળા અંદર આવતી ગઈ અને એવા પ્રશ્નોના પૂ. ટીકાકારશ્રી દ્વારા ઉત્તરો પણ અપાતા ગયા. ત્યારે લાગ્યું ગ્રંથનું વિવેચન તો અગાઉ પણ સરળ ગુજરાતી ભાષામાં છપાયેલું છે. તો પ્રશ્નોત્તર રૂપે આ ગ્રંથની નોટ તૈયાર થાય તો કેવું ? બસ, ત્યાર બાદ પ્રશ્નોત્તર રૂપે નોટ લખવાની અને સાથે સાથે વાંચન કરવાની શરૂઆત થઈ.
લગભગ આઠ મહિનામાં સંપૂર્ણ ગ્રંથનું વાંચન તેમજ લેખન પૂર્ણ થયું. અને નોટો તૈયાર થઈ ગઈ અને પડી રહી
સં. ૨૦૬૯-૭૦ના કલકત્તાના ચાતુર્માસ દરમ્યાન એ નોટો પાછી હાથમાં આવી ત્યારે પાછો નવો વિચાર આવ્યો. મેં મારા માટે તો આ નોટો તૈયાર કરી પણ જો એને વ્યવસ્થિત રીતે છપાવીએ તો શાસનના માટે ઉપકારી થઈ પડશે. અને પૂ. ગુરુભગવંતો, સાધ્વીજી ભગવંતો, મુમુક્ષુઓ તેમજ સ્વાધ્યાયપ્રેમી શ્રાવક-શ્રાવિકાઓ પણ એના રહસ્યનો બોધ પામી શકશે. અને વિચારને તુરંતમાં અમલમાં મૂકી ત્રણે નોટો સીધી પ્રેસમાં compose માટે મોકલી આપી.
પ્રથમ પ્રુફ તૈયાર થઈને આવ્યું ત્યારે લાગ્યું કે પોતાના માટે બનાવેલી નોટ અત્યંત સંક્ષેપમાં તૈયાર કરી છે જે વાચક વર્ગ માટે એટલી અસરકારક અને ઉપકારક કદાચ નહિ બને એટલે પાછા એ મુફમાં અનેક પ્રકારના વિવેચનનો ઉમેરો કરવાનું શરૂ કર્યું જે પણ સુંદર રીતે થઈ ગયો અને ગ્રંથ સળંગ વિવેચન અને પ્રશ્નોત્તર રૂપે તૈયાર થઈ ગયો.
પાંચ જ્ઞાનરૂપ નંદિ, મતિ-શ્રુત જ્ઞાનની સુવિસ્તૃત ચર્ચા, અનેક પ્રકારના દષ્ટાંતો, ગણધરવાદ, નિન્તવવાદ, નમસ્કાર નિયુક્તિ, સામાયિક નિર્યુક્તિ વગેરે જટીલ પદાર્થો પર પૂ. ટીકાકારશ્રીના વિવેચનને વાંચીને એ પદાર્થોના રહસ્યોના સારને પામીને ટીકાકારશ્રીની અથાગ પુરૂષાર્થ અને બુદ્ધિકૌશલ્યની સામે નતમસ્તક થઈ જવાય છે. પદાર્થોના રસથાળ એવા આ મહામૂલ્યવાન મહાગ્રંથનું દોહન કરવું એ સ્વ આત્મા માટે અત્યંત લાભદાયી થઈ જાય જ એમાં અતિશયોક્તિ નથી.
અંતમાં સર્વે જ્ઞાનપિપાસુ આત્માઓને એટલી વિનંતી છે કે આપ આ ગ્રંથનું અધ્યયન-અધ્યાપન કરી પરમાત્માના શાસનના સામ્રાજ્યમાં સમ્યગ્દર્શન-સર્વવિરતિસર્વજ્ઞતા અને અંતે સિદ્ધિ સુખને પામો એવી અભ્યર્થના.