________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૨ સ્વીકારવા રૂપ પૂર્ણ અહિંસાનો નિયમ લેવા તૈયાર થયો નહીં. પિતાતુલ્ય ગુરુમહારાજ છએ કાયની હિંસાથી વિરતિ કરાવવા ઇચ્છે છે પણ રાજા જેવો ગૃહસ્થ તે છોડી શકતો નથી. છેલ્લે મોટા દીકરારૂપ ત્રસકાયના વધ (સ્થૂલ હિંસા)ને છોડવા તૈયાર થયેલ છે, એટલે સ્થૂલ હિંસાથી અટકવાની વિરતિ સ્વીકારે છે. ને તે પ્રમાણે પાળે છે. આમ થવાથી પિતાતુલ્ય મુનિરાજ સ્વયંના આત્માને કૃતાર્થ માને છે. જેમ કે શેઠની પોતાના પાંચ પુત્રોના વધમાં જરા જેટલીય અનુમતિ નથી તેમ સાધુ-મહારાજોને પાંચ સ્થાવરોની હિંસામાં અનુમતિ હોતી નથી-લાગતી નથી. એટલું જ નહિ પણ વ્રત લઈને સંકલ્પથી સ્થૂલ જીવોની હિંસામાંથી જેટલો નિવૃત્ત થાય તેના નિમિત્તકારણ થવાથી તે મુનિરાજને એટલો જ કુશલાનુબંધ થાય.
હવે ત્રસજીવ એટલે બેઇંદ્રિયથી પંચેંદ્રિય સુધીના સમજવા. જ્યારે ત્રસજીવનું આયુષ્ય પૂર્ણ થાય, ત્રસપણાની કાયસ્થિતિ (જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી બે હજાર સાગરોપમની છે) તે પણ ક્ષીણ થાય. પછી ત્રસ સંબંધી આયુ પૂર્ણ થાય, તથા બીજા પણ ત્રસત્વ યોગ્ય કર્મોનો નાશ થાય ત્યારે જીવ ત્રસપણે ત્યજી પાછો સ્થાવરપણામાં આવે છે. તે સ્થાવરપણાનું આયુષ્ય-કાયસ્થિતિ (જઘન્ય અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ અનંત કાળની છે.) તેમાં અસંખ્ય પુદ્ગલ પરાવર્તકાળ વ્યતીત થઈ જાય પછી સ્થાવરપણાની કાયસ્થિતિના અભાવે તથા પ્રકારના સામર્થ્યના લીધે ત્રાણામાં પાછો ઉત્પન્ન થાય. ત્રપણામાં પ્રત્યેક આધિ નામકર્મથી યુક્ત થાય છે. ત્રપણામાં ઉત્કૃષ્ટી ભાવસ્થિતિ તેત્રીસ સાગરોપમની છે. આમ સ્થાવરોથી ત્રસજીવો સાવ અલાયદા-જુદા છે. તેથી જ શ્રાવકોએ ત્રસજીવોની હિંસાથી વિરતિ સ્વીકારેલી છે. સ્થાવરની હિંસાથી નિવૃત્તિ કરી નથી. તમે જ નાગરિકનું દષ્ટાંત આપ્યું તે ઘટિત થતું નથી. કારણ કે જેનામાં નગર સંબંધી વ્યવહાર અને ધર્મ હોય તે નગર બહાર કે અરણ્ય-ઉદ્યાનમાં હોય તો પણ તે નાગરિક જ છે. જવા-આવવાં માત્રથી નગરના ધર્મનો તે ત્યાગ કરતો નથી. અને જો તે સર્વથા ત્યાગ કરે તો નાગરિક કહેવાય નહીં. તેમ અહીં ત્રસજીવ પણ જયારે સ્થાવરપણાને પામે છે, ત્યારે તે જુદો જ કહેવાય છે. તેથી તેની કોઈ કારણે હિંસા થાય તો શ્રાવકને તેના વ્રતનો ભંગ થતો નથી. (આ વિષયનો શ્રી સુયગડાંગસૂત્રની દીપિકામાં વિસ્તાર છે.) આ વ્રત પરમાઈત કુમારપાળ મહારાજાએ મુખ્ય ભાંગાથી અંગીકાર કર્યું હતું. તેમનો પ્રબંધ આ પ્રમાણે છે.
પ્રથમ અણુવ્રતે કુમારપાળભૂપાળ કથા એકવાર કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજે રાજા અને રાજપુરુષોથી ભરેલી રાજસભામાં કહ્યું કે
धर्मो जीवदयातुल्यो, न वापि जगतीतले । तस्मात् सर्वप्रयत्नेन, कार्या जीवदया नृभिः ॥१॥