________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૨ પરિગ્રહ હોય છે, અને તેથી સ્થૂલજીવની હિંસાની અનુમોદનાના પ્રસંગ સંભવિત છે. અહીં શંકા થઈ શકે કે – “શ્રી ભગવતી સૂત્રમાં ગૃહસ્થને “તિવિહં તિવિહેણું'ના પચ્ચક્ખાણનો પાઠ તો છે. તે આગમિક કથન હોઈ નિર્દોષ આદરણીય હોવું જોઈએ. તો અહીં શા માટે “દુવિહં તિવિહેણું” કહેવામાં આવ્યું?' તેના ઉત્તરમાં જણાવે છે કે એ રીતે ત્રિવિધ-ત્રિવિધ ભાંગાનું વિશેષપણું નથી એટલે કોઈક જ જગ્યાએ તેનો વ્યવહાર હોઈ તેની વ્યાપકતા નથી. જેમ કોઈ મનુષ્ય દીક્ષા લેવાની ઇચ્છાવાળો હોય અથવા કોઈ છેલ્લા સમુદ્રના માછલાના માંસનો નિયમ કરે કે જેનો જરાય વ્યવહાર ન હોય એવા પ્રકારની સ્થૂલ હિંસાની વિરતિ કરે તે ત્રિવિધ ત્રિવિધ ઉચ્ચરે ને નિયમ કરે, પરંતુ મુખ્યમાર્ગ દ્વિવિધ ત્રિવિધનો છે. અહીં આદિ શબ્દથી દ્વિવિધ-દ્વિવિધ એ બીજો ભાગો, દ્વિવિધ-એક વિધ એ ત્રીજો ભાંગો, એકવિધ ત્રિવિધ એ ચોથો ભાંગો, એકવિધ વિધ એ પાંચમો ભાંગો અને એકવિધ એકવિધ એ છઠ્ઠો ભાંગો. આમ પ્રથમ વ્રતમાં છ ભાંગા બતાવ્યા છે. આવી રીતે બીજા વ્રતમાં પણ છ ભાંગા જાણવા. પ્રથમવ્રતના છ ભાંગાને સાતે ગુણી તેમાં છ ઉમેરતાં અડતાલીસ ભાંગા થાય. આમ બારે વ્રતના ભાંગા થાય. અને એકસંયોગી, દ્વિસંયોગી, ત્રિસંયોગી એમ બારે વ્રતના અન્યોઅન્ય સંયોગી ભાંગા કરતા તેની સંખ્યા તેરસો ચોર્યાસી કરોડ, બાર લાખ, સત્યાસી હજાર બસો થાય. આ સંબંધમાં ઘણું જાણવા યોગ્ય છે. તે શ્રાવકવ્રતભંગ પ્રકરણ કે ધર્મરત્ન પ્રકરણાદિથી જાણવું.
અહીં શિષ્ય શંકા કરતાં પૂછે છે કે “જે મુનિરાજો, ગૃહસ્થ કે રાજાદિના અભિયોગ (આગાર) વગર માત્ર સ્કૂલ (ત્રણ) પ્રાણીઓની હિંસાથી જ નિવૃત્તિ કરાવે છે. તેથી તેમણે સ્થાવર સંબંધી હિંસાની તો ચોખ્ખી અનુમતિ આપી, આથી તેમને સર્વવિરતિપણાની ખામી આવી તેમજ શ્રાવકોને પણ એ રીતે પ્રત્યાખ્યાન કરતા પોતાની કરેલી પ્રતિજ્ઞામાં અતિચાર પણ લાગે કેમકે સ્થાવર જીવ ત્રસપણે અને ત્રસજીવ સ્થાવરપણે ઉત્પન્ન થઈ શકે છે. તેથી નિયમ ન સચવાયાથી પ્રતિજ્ઞાનો ભંગ થાય. જેમ કોઈએ નિયમ કર્યો કે નગરવાસીને મારવો નહીં. પ્રતિજ્ઞા વખતે નગરમાં હતો ને પછી અરણ્યમાં જાય, તેને આ તો અરણ્યવાસી છે અર્થાત્ નગરનિવાસી નથી માટે તેને મારી નાખે તો પ્રતિજ્ઞાભંગનો દોષ લાગશે જ. તેમ શ્રાવકે ત્રસજીવને ન મારવાની પ્રતિજ્ઞા કરી, અને કોઈ ત્રસજીવ મરીને સ્થાવરપણું પામ્યો. તો હવે તેને મારવાથી ઉપર કહ્યા પ્રમાણે દોષ કેમ ન લાગે? લાગે જ. માટે પચ્ચખ્ખાણ કરનાર અને કરાવનાર બંનેને પ્રતિજ્ઞા લોપનો દોષ લાગે છે. આ વ્યામોહનો ઉત્તર આપતાં તેઓશ્રી (ગ્રંથકાર) ફરમાવે છે કે “તમારો પક્ષ સમજણ વિનાનો છે. જયારે ગૃહસ્થો શ્રાવકો વ્રત લેવા ઉઘુક્ત થાય છે ત્યારે તેઓ ગુરુઓને નિવેદન કરે છે કે “હે કૃપાસિંધુ! અમે અણગાર થવા શક્તિમાન નથી, કિંતુ નિરપરાધી ત્રસજીવના વધ (ન કરવા)નું પચ્ચક્માણ પાળવા સમર્થ છીએ; આવી ધારણાથી તેઓ વ્રત લે છે તેથી તેમને પ્રતિજ્ઞાનો ભંગ થાય નહીં. તથા તેમને પણ રાજ્યાભિયોગેણં આદિ છ આગાર (છૂટ) યુક્ત વ્રત હોય છે.