________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીનીતત્ત્વચર્ચા]
[૧૫
થઈ શકે છે. જ્ઞાયકને મુખ્યપણે ગ્રહણ કરે અને પર્યાયનું લક્ષ રાખીને ( જ્ઞાન કરીને) પુરુષાર્થ કરે તો સંધિ થાય છે. હું તો અનાદિ-અનંત શુદ્ધ છું. અંદર શુદ્ધતામાં કાંઈ અશુદ્ધતા પેઠી નથી, તો પણ પર્યાયમાં અશુદ્ધતા છે. તેથી અંદરમાં સ્વરૂપ તરફની પરિણતિ પ્રગટ કરવાથી અશુદ્ધતા ટળે છે. એકને ગ્રહણ કરે તો એક છૂટે તેવું નથી કેમકે એક દ્રવ્ય છે અને એક પર્યાય છે. જો બે દ્રવ્ય હોય તો એકને ગ્રહણ કરતાં બીજું છૂટી જાય. પણ આ તો એકને ગૌણ કરવાનું છે અને એકને મુખ્ય કરવાનું છે. ઉપયોગમાં કોઈવાર પર્યાયના વિચારો આવે, તો પર્યાય જ્ઞાનમાં મુખ્ય થાય, પણ દષ્ટિમાં તો એક દ્રવ્ય જ મુખ્ય છે અને પર્યાય ગૌણ છે. ૧૪. પ્રશ્ન- પ્રતિજ્ઞા લઈને અહીં કેટલાં વર્ષો વીતી ગયાં, છતાં અંદરમાં કાર્ય થયું નથી ? તો આગળ કેમ વધવું? સમાધાન - આત્માના હેતુએ પ્રતિજ્ઞા લીધી છે તે સારી વાત છે. તેમાં હવે આગળ વધવાનું છે. જે જિજ્ઞાસુ હોય તેની ભાવના કાંઈ નિષ્ફળ થોડી જવાની છે? ફળવાની છે. પોતાના આત્માના ધ્યેયે પ્રતિજ્ઞા લીધી છે તેમાં સમ્યગ્દર્શનનો પુરુષાર્થ થાય તે સારી વાત છે-નહિ તો ઊંડા સંસ્કાર પડે તે પણ લાભનું કારણ છે. શાસ્ત્રમાં આવે છે કે કરી શકે તો ધ્યાનમય પ્રતિક્રમણ કરજે અને ન બની શકે તો કર્તવ્ય છે કે શ્રદ્ધા કરજે, શ્રદ્ધામાં ફેરફાર કરીશ નહિ. શ્રદ્ધાનું બળ બરાબર રાખે તો આગળ જવાશે. જ્ઞાયકના માર્ગ સિવાય બીજો કોઈ માર્ગ નથી. ક્રિયાકાંડનો કોઈ માર્ગ નથી, માર્ગ અંતરનો છે. જ્ઞાયકની શ્રદ્ધા કરવી, ભેદજ્ઞાન કરવું, દ્રવ્ય ઉપર દષ્ટિ કરવી એટલે કે શરીર અને વિકલ્પથી પોતાનો સ્વભાવ જુદો છે, એમ જ્ઞાયકને તારવી લેવો. તે એક જ માર્ગ છે, બીજો કોઈ માર્ગ નથી. બધા વિભાવથી પોતે જુદો છે, વિભાવ પોતાનો સ્વભાવ જ નથી એમ ભેદજ્ઞાનની નિરંતર ધારા કરવા જેવી છે. દેવ-ગુરુએ જે બતાવ્યું છે તે કરવાનું છે. દેવ-ગુરુની શ્રદ્ધા અને આત્માની શ્રદ્ધા કરજ.
દેવ-ગુરુનું સાન્નિધ્ય મળ્યું તે મહાભાગ્યને વાત છે. તેની મહિમા કરવી ને જ્ઞાયકની મહિમા કરવી. જ્ઞાયક મહિમાવંત છે, તેના ઊંડા સંસ્કાર નાખજે. પરિણતિ પ્રગટ થાય તો સારી વાત છે, નહિ તો શ્રદ્ધા કર્તવ્ય છે. ગુરુદેવના પ્રતાપે આત્માનું કલ્યાણ કરવા (અહીં ) બધા ભેગા થઈ ગયા છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com