Book Title: Jain and Buddha Mata Sankshipta Itihas and Sidhanto
Author(s): Mohanlal Dalichand Desai, Kantilal B Shah
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
વિભાગ-૧ : જૈન ધાર્મિક સાહિત્ય ઉપલબ્ધ શ્રુત-સાહિત્ય – ૪૫ આગમો : પ્રાચીન બાર અંગો
જૈન શાસ્ત્રના સૌથી પ્રાચીન ગ્રંથો ‘અંગો કહેવાય છે. તે બાર છે. અને તેમાં બારમું અંગ – નામે દષ્ટિવાદ' જેમાં ચૌદ પૂર્વોનો સમાવેશ થાય છે તે – પછી લુપ્ત થયેલું છે. બાકીનાં ૧૧ અંગો નામે આચારાંગ આદિ શ્વેતાંબર જૈનો હજુ સુધી અમુક પ્રમાણમાં જાળવી શક્યા છે.
જેમ પુરુષનાં ૧૨ અંગ નામે બે પગ, બે જંઘા (સાથળ), બે ઊરુ, બે ગાત્રાર્ધ - પીઠ અને ઉદર, બે હાથ, એક ડોક અને એક મસ્તક છે તેવી રીતે સમય-મૃતરૂપ પરમ પુરુષના - શ્રુતપુરુષનાં - સમયપુરુષનાં આચાર આદિ બાર અંગ છે. જેના આમ્નાયમાં આને “મૃત” કહેવામાં આવે છે તે અન્ય દર્શનમાં જેને “શ્રુતિ' કહેવામાં આવે છે તે જ અર્થમાં છે.
અહંતુ પાસેથી સાંભળેલું એવો અર્થ “શ્રુતનો થઈ શકે.
પ્રાચીન કાળમાં બારે અંગોમાં જે હતું તે સર્વ અખંડપણે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવના પરિણામે અત્યારે નથી રહ્યું; તેમજ પ્રાચીન અંગોમાં શું હતું તેનું જોકે વિસ્તૃત વિગતવાર વર્ણન અત્યારે સાંપડતું નથી; તોપણ તે પ્રાચીન અંગોમાં સામાન્ય રીતે જે વિષયો હતા તેનો અતિ અલ્પ નિર્દેશ યાત્રતત્ર કરવામાં આવ્યો છે. સમવાય નામના અંગમાં (તેમજ નંદી સૂત્રમાં) તેનો નિર્દેશ જે છે તે અત્રે સંક્ષેપમાં જોઈએ.
(૧) આચારાંગ : જૈન સાધુઓએ કેવી રીતે પોતાના આચારનું પાલન કરવું તે વિશે આમાં વર્ણન છે. જેનો કહે છે કે જે જ્ઞાન કોઈ કાર્યમાં પરિણત ન થાય તે જ્ઞાન વૃથા છે. તે માટે જૈન સાધુઓએ અહિંસા વ્રતનો ઉપદેશ આપતાં પહેલાં કેટલા પ્રકારના જીવો છે તે સર્વ જાણવું જોઈએ. આ જ્ઞાન સહિત પ્રાણીહિંસાનો નિષેધ કરવામાં આવ્યો છે. આચારાંગમાં કહ્યું છે કે “જે એક જાણે છે તે સર્વ જાણે છે. જે સર્વ જાણે છે તે એક જાણે છે.” – અર્થાત્ જે એક વસ્તુને તેના સર્વ પર્યાય (ફેરફાર) થકી જાણે છે તે નિશ્ચયે સર્વને જાણે છે, કેમકે સર્વજ્ઞાન વિના વિવક્ષિત એવી એક વસ્તુને, સ્વ-પર પર્યાય ભેદ થકી ભિન્ન કરીને તેનાં સર્વ રૂપોમાં સમજવી એ અશક્ય છે. જે સર્વને સર્વરૂપે સાક્ષાત્ જાણે છે તે એકને પણ સ્વ-પર પર્યાય ભેદ થકી ભિન્ન રૂપે યથાર્થ જાણે છે. આ જ્ઞાનદિક આસેવન વિધિનો પ્રતિપાદક ગ્રંથ છે.
આચારાંગમાં મુખ્ય બે વિભાગ છે જેને “શ્રુતસ્કંધ' કહે છે. તેમાંના પહેલામાં ૯ અધ્યયન છે. ૧. શસ્ત્રપરિજ્ઞા ૨. લોકવિજય ૩. શીતોષ્ણીય ૪. સમ્યક્ત્વ પ. લોકસાર ૬. ધૂત ૭. મહાપરિજ્ઞા ૮. મોક્ષ ૯. ઉપધાન. ૧. શ્રી નંદીની વૃત્તિમાં મલયગિરિજીએ સૂત્ર ૪૩ની ટીકામાં પ્રાચીન ગાથા ‘ઉક્ત' કહીને મૂકી
पायदुगं जंघोरू गायदुगद्धं तु दोय बाहू य । गीवा सिरं च पुरिसो बारस अंगो सुयविसिठ्ठो ।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org