________________
૧૦૪
અનુયોગગણાનુજ્ઞાવસ્તક / અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૦૧૫ ભાવાર્થ :
ગાથા ૧૦૧૩માં ગ્રંથકારે સ્થાપન કર્યું કે અનુભાષક સાધુના વ્યાખ્યાનના અવસરે વય અને પર્યાયથી લઘુ પણ સૂત્રાર્થની ધારણામાં પટુ અને વ્યાખ્યાનની લબ્ધિવાળા અનુભાષક સાધુ જયેષ્ઠ છે, તેથી તેવા અનુભાષક સાધુને સર્વ સાધુઓ વંદન કરે તેમાં કોઈ દોષ નથી.
આ જ વાતને યુક્તિથી સ્પષ્ટ કરવા માટે કહે છે –
વ્યાખ્યાનના અવસરે વંદન કરવાના પ્રસંગમાં અથવા સામાન્યથી સાધુઓને પરસ્પર વંદન કરવા અર્થે કયા સાધુ અધિક ગુણવાળા છે? તેનો નિર્ણય કરવાના પ્રસંગમાં, આ સાધુ વય અને પર્યાયથી મોટા હોવાથી અધિક ગુણવાળા છે તેમ સ્વીકારીને તેઓ વંદનીય છે, એમ નિશ્ચયનય સ્વીકારતો નથી, પરંતુ રત્નત્રયીની અધિક પરિણતિવાળા સાધુઓ હીન પરિણતિવાળા સાધુઓ માટે વંદનીય છે, એમ નિશ્ચયનય સ્વીકારે છે.
આનાથી ફલિત થયું કે સાધુ અપ્રમાદભાવથી સંયમમાં જેટલા અધિક ઉસ્થિત હોય તેટલા સંયમના ઊંચા કંડકમાં વર્તે છે. તેથી તે ઊંચા કંડકમાં વર્તતા સાધુને નીચા કંડકમાં વર્તતા સાધુઓએ વંદન કરવું જોઈએ, એમ નિશ્ચયનય કહે છે.
વળી વ્યવહારનય વંદનના વિષયમાં વય અને પ્રવ્રયારૂપ પર્યાય એ બન્નેને પ્રમાણ માને છે, તેથી વય અને પર્યાય એ બંનેને મુખ્ય કરીને સાધુએ વંદન કરવું જોઈએ, એમ વ્યવહારનય કહે છે.
ત્યાં પ્રશ્ન થાય કે તો પછી સાધુએ કયા નયને આશ્રયીને વંદનની પ્રવૃત્તિ કરવી જોઈએ? તેથી કહે છે –
વંદનની પ્રવૃત્તિ આ પ્રમાણે છે –
વંદનની પ્રવૃત્તિ કરવામાં સર્વત્ર જ ઉભય નયનો મત પ્રમાણ છે, માત્ર નિશ્ચયનય કે માત્ર વ્યવહારનય પ્રમાણ નથી. આશય એ છે કે ગુણવાન સાધુના ગુણોને ઉદ્દેશીને વંદનની પ્રવૃત્તિ કરવી હોય તો માત્ર નિશ્ચયનયનું કે માત્ર વ્યવહારનયનું આલંબન લેવું ઉચિત નથી, પરંતુ બંને નયનું આલંબન લેવું ઉચિત છે; આમ છતાં કોઈ સ્થાનમાં નિશ્ચયનય પ્રધાન હોય અને વ્યવહારનય ગૌણ હોય અર્થાત્ વ્યવહારનયસાપેક્ષ એવો નિશ્ચયનય હોય, તો કોઈ સ્થાનમાં વ્યવહારનય પ્રધાન હોય અને નિશ્ચયનય ગૌણ હોય અર્થાત્ નિશ્ચયનયસાપેક્ષ એવો વ્યવહારનય હોય, અને તે પ્રસ્તુતમાં આ પ્રમાણે છે –
જે સ્થાનમાં વ્યવહારનય મુખ્ય છે અને નિશ્ચયનય ગૌણ છે તે સ્થાનમાં નિશ્ચયનયની ગૌણતાપૂર્વક વ્યવહારનયની મુખ્યતા કરવાથી ઉભય નયનું આશ્રયણ થાય. દા.ત. છદ્મસ્થ જીવો કયા સાધુમાં અધિક સંયમનો પરિણામ છે અને કયા સાધુમાં ન્યૂન સંયમનો પરિણામ છે? એ નક્કી કરી શકતા નથી. આથી વય અને પર્યાયથી મોટા સાધુએ દીર્ઘકાળ ધર્મ સેવેલ હોવાથી તેઓમાં અધિક સંયમનો પરિણામ વર્તે છે, તેવી સંભાવના રાખીને, તે અધિક સંયમના પરિણામવાળા સાધુને અલ્પ સંયમના પરિણામવાળા સાધુઓએ સામાન્યથી પરસ્પર વંદન કરવું જોઈએ, એમ નિશ્ચયનયસાપેક્ષ એવો વ્યવહારનય કહે છે. તેથી સામાન્ય રીતે અધિક ગુણની વિચારણા કરવાના સ્થાનમાં નિશ્ચયનયને ગૌણ કરીને અને વ્યવહારનયને પ્રધાન કરીને વંદનવ્યવહાર પ્રવર્તે છે. આ પ્રકારનું સ્પષ્ટીકરણ સ્વયં ગ્રંથકાર ગાથા ૧૦૧૬-૧૦૧૭માં કરશે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org