________________
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / “અનુયોગાનુજ્ઞા' દ્વાર/ ગાથા ૧૦૫૪
૧૬૫
ટીકાર્ય :
વળી જો ભવ્ય એવા સર્વ જીવોનું આ પણ=ભવ્યત્વ પણ, એકાંતથી=સર્વથા, તુલ્ય જ=અવિશિષ્ટ જ, ઇચ્છાય છે, તો તેની=મોક્ષની, યોગ્યતાના ફળરૂપ મોક્ષ પણ કાલાદિના અભેદથી કાળ, લિંગ, ક્ષેત્રાદિના અભેદથી, તુલ્ય પ્રાપ્ત થાય સદેશ જ પ્રાપ્ત થાય, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ :
જો સર્વ જીવોનું ભવ્યત્વ એકાંતે સરખું જ હોય તો તે ભવ્યત્વના ફળરૂપ મોક્ષ પણ સર્વ જીવોનો સરખો જ થવો જોઈએ અર્થાત્ સર્વ ભવ્ય જીવો એક કાળમાં, સ્ત્રીલિંગાદિ એક લિંગમાં, એક ક્ષેત્રમાં અને એક પ્રકારની સાધના દ્વારા મોક્ષમાં જવા જોઈએ; પરંતુ તેમ થતું નથી, કેટલાક જીવો અમુક કાળમાં મોક્ષે જાય છે, તો બીજા કેટલાક જીવો અન્ય કાળમાં મોક્ષે જાય છે; વળી કેટલાક જીવો સ્ત્રીલિંગમાં મોક્ષે જાય છે, તો બીજા કેટલાક જીવો પુલિંગમાં કે નપુંસકલિંગમાં મોક્ષે જાય છે; વળી કેટલાક જીવો ભરતક્ષેત્રમાંથી મોક્ષ જાય છે, તો અન્ય કેટલાક જીવો મહાવિદેહક્ષેત્ર વગેરેમાંથી પણ મોક્ષે જાય છે; વળી મરુદેવી માતા જેવા કેટલાક જીવો પૂર્વે સાધના કર્યા વગર તત્કાળ ભવ્યત્વનો પરિપાક થવાથી મોક્ષે જાય છે, તો કેટલાક જીવો ઘણા ભવો સુધી સાધના કરીને મોક્ષે જાય છે. આ સર્વ ભેદો દરેક જીવનું ભવ્યત્વ જુદું જુદું હોવાને કારણે થાય છે.
અહીં વિશેષ એ છે કે નિશ્ચયનયની સૂક્ષ્મદ્રષ્ટિથી કાર્યના ભેદે અવશ્ય કારણનો ભેદ હોય છે. તેથી જો કારણ સર્વથા સમાન હોય તો કાર્ય પણ સર્વથા સમાન થવું જોઈએ.
જે રીતે માટીના પિંડના એક ભાગમાંથી ઘડો અને બીજા ભાગમાંથી રમકડું થાય છે ત્યારે પણ, તે માટીના પિંડના બંને ભાગમાં સ્વભાવભેદ છે. આથી માટીના પિંડના જે અંશમાં ઘટ બનવાનો સ્વભાવ છે, તે માટીના પિંડનો અંશ ઘટની સામગ્રી મેળવીને ઘટરૂપે પરિણમન પામે છે, અને માટીના પિંડના જે અંશમાં રમકડાં બનવાનો સ્વભાવ છે, તે માટીના પિંડનો અંશ રમકડાંની સામગ્રી મેળવીને રમકડાંરૂપે પરિણમન પામે છે. આમ નિશ્ચયનયથી માટીના સ્વભાવભેદને કારણે કાર્યભેદ થાય છે.
તે રીતે દરેક જીવનો સ્વભાવ પણ જુદો જુદો હોય છે, તેથી દરેક ભવ્ય જીવ જુદી જુદી સામગ્રી પ્રાપ્ત કરીને જુદા જુદા લિંગમાં, જુદા જુદા ક્ષેત્રમાં, જુદા જુદા કાળમાં મોક્ષે જાય છે. આથી સર્વ ભવ્ય જીવોનું ભવ્યત્વ તુલ્ય નથી, માટે અનંત કાળ પૂર્વે દ્રવ્યશ્રુતને પામીને સમ્યક્ત પ્રાપ્ત કરવાની યોગ્યતાવાળું ભવ્યત્વ જે જીવોનું હતું, તે જીવોએ અનંત કાળ પૂર્વે દ્રવ્યશ્રુતને પામીને, ઉલ્લસિત વીર્યવાળા થઈને ભૂતાર્થશ્રદ્ધાનરૂપ સમ્યક્ત પ્રાપ્ત કર્યું અને જે જીવોનું ભવ્યત્વ અનંત કાળ પછી સમ્યક્ત પ્રાપ્ત કરવાની યોગ્યતાવાળું હતું, તે જીવોનું ભવ્યત્વ અનંત કાળ પછી દ્રવ્યશ્રુતને પામીને પાકને સન્મુખ થાય છે, જેથી તેઓ ભૂતાર્થશ્રદ્ધાનરૂપ સમ્યક્તને અનંત કાળ પછી પ્રાપ્ત કરે છે.
આમ, દરેક જીવના ભવ્યત્વની વિચિત્રતાને કારણે દ્રવ્યશ્રુતથી દરેક જીવને, ભિન્ન ભિન્ન કાળમાં સમ્યક્ત થાય છે, અને મોક્ષ પણ ભિન્ન ભિન્ન કાળ, લિંગાદિમાં થાય છે. તેથી દરેક જીવનું ભવ્યત્વ તુલ્ય નથી. આ પ્રકારે પ્રસ્તુત ગાથાનો ગાથા ૧૦૪૬ સાથે સંબંધ છે. ૧૦૫૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org