________________
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૦૮૧-૧૦૮૨
૨૧૩
ભાવાર્થ :
જે જીવ-અજવાદિ પદાર્થોનું કથન અનુભવ સાથે અને આગમવચન સાથે વિરોધ પામતું ન હોય, પણ યુક્તિયુક્ત હોય, અને તે કથન પ્રમાણે જીવાદિ પદાર્થો સ્વીકારવાથી નિરુપચરિત એવા બંધ અને મોક્ષ સિદ્ધ થતા હોય, તે જીવાદિ પદાર્થોનું કથન શ્રતધર્મવિષયક તાપપરીક્ષા છે.
આનાથી એ ફલિત થાય કે જીવ અને અજીવને પરિણામી માનવામાં આવે, તો તે કથન અનુભવથી પણ સંગત થાય છે, કેમ કે “પૂર્વે જે હું બાલ હતો તે જ હું અત્યારે યુવાન થયો”, એવો જીવને અનુભવ થાય છે. તેથી બાલ્યાવસ્થામાં રહેલો આત્મા યુવાવસ્થાના પરિણામરૂપે પરિણમન પામે છે. એ રીતે પૂર્વે જે માટીનો પિંડ હતો, તે જ અત્યારે ઘડો બન્યો, એવો અનુભવ થાય છે. તેથી માટી ઘટના પરિણામરૂપે પરિણમન પામી.
વળી, જીવને પરિણામી માનવાથી, જીવ પોતાના પરિણામોથી જ કર્મો બાંધે છે, અને પોતાના પરિણામોથી જ કર્મોથી મુક્ત થાય છે, તેની પણ સિદ્ધિ થાય છે, અને કર્મોથી બંધાયેલો આત્મા સાધના કરીને મુક્ત થાય છે” એ પ્રકારના શાસ્ત્રવચન સાથે પણ આત્માને પરિણામી કહેનારું કથન સંગત થાય છે. આમ, જીવ અને અજીવને પરિણામી સ્વીકારનારું કથન દષ્ટ અને ઇષ્ટ સાથે વિરોધ પામતું નથી.
વળી, કર્મ અને આત્માનો કથંચિત ભેદ સ્વીકારવામાં આવે અને કથંચિત્ અભેદ સ્વીકારવામાં આવે, તો નિરુપચરિત બંધ અને મોક્ષ સિદ્ધ થાય છે, તે આ રીતે –
સંસારી જીવ પોતાના પરિણામોથી જ કર્મો બાંધે છે અને સાધના દ્વારા તે કર્મોથી મુક્ત થાય છે, તેથી કર્મપરમાણુઓ આત્માથી ભિન્ન છે; આમ છતાં જયારે કર્મોથી આત્મા બંધાય છે ત્યારે કથંચિત્ આત્મા તે કર્મો સાથે એકત્વભાવને પામે છે, અને જ્યારે આત્મા સાધના કરીને તે કર્મપરમાણુઓથી મુક્ત થાય છે ત્યારે આત્મા સર્વથા કર્મરહિત અવસ્થાને પામે છે. આમ, કર્મોને આત્માથી કથંચિત્ અતિરિક્ત માનનારું કથન નિરુપચરિત એવા બંધ અને મોક્ષને સાધનાર છે.
આ રીતે જે આગમમાં બતાવેલ જીવ, અજીવાદિ તત્ત્વોનું કથન અનુભવ અને શાસ્ત્રવચન સાથે વિરુદ્ધ થતું ન હોય અને નિરુપચરિત એવા બંધ અને મોક્ષને અભિવ્યક્ત કરનાર હોય, તે આગમ તાપશુદ્ધ છે.
વળી, જે દર્શનકારો આત્માને એકાંતે નિત્ય અથવા એકાંતે ક્ષણિક માને છે, તેઓના મતે જીવાદિ પદાર્થોનું કથન અનુભવ સાથે કે શાસ્ત્રવચન સાથે સંગત થતું નથી. તે આ રીતે –
જો આત્માને એકાંતે નિત્ય માનીએ, તો આત્મામાં બાલ્યાવસ્થાના શરીરથી યુવાવસ્થાના શરીરમાં જે પરિવર્તન દેખાય છે, તે સંગત થાય નહીં, કેમ કે બાલ્યાવસ્થાનું શરીર નિત્ય ન રહ્યું, તેમાં પરિવર્તન થયું માટે જીવાદિ પદાર્થોનું કથન દષ્ટ સાથે વિરુદ્ધ થાય છે. વળી તેઓના મતમાં મોક્ષપ્રાપ્તિ અર્થે સાધનાનો જે ઉપાય બતાવાયો છે, તે પણ સંગત થાય નહીં; કેમ કે આત્મા એકાંતે નિત્ય હોય તો મોક્ષપ્રાપ્તિ અર્થે સાધના કરવાથી પણ આત્મામાં કોઈ પરિવર્તન થઈ શકે નહીં. માટે તેઓના મતમાં બતાવાયેલાં, આત્માને એકાંતે નિત્ય કહેનારાં અને મોક્ષપ્રાપ્તિ અર્થે સાધનાનો ઉપાય બતાવનારાં વચનોનો, પરસ્પર વિરોધ થાય છે. આથી તેઓના મત પ્રમાણે જીવાદિ પદાર્થોનું કથન ઇષ્ટ સાથે પણ વિરુદ્ધ થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org