________________
૧૬
ભાવાર્થ:
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૦૫૯
પૂર્વગાથામાં ગ્રંથકારે પૂર્વપક્ષીને કહ્યું કે સર્વ જીવોનું ભવ્યત્વ તુલ્ય હોવા છતાં કર્માદિ દ્વારા ભવ્યત્વનું ઉપક્રમણાદિ થાય છે એમ સ્વીકારીએ તો દેશનાદિ દ્વારા અભવ્યોને પણ મોક્ષનો પ્રસંગ આવશે. આવા પ્રકારના દોષના ભયથી પૂર્વપક્ષી કહે કે અમને ભવ્યત્વનો સદા અનુપક્રમણાદિનો સ્વભાવ માન્ય છે. તેથી એ પ્રાપ્ત થયું કે જીવનું જે પ્રકારનું ભવ્યત્વ હોય તે પ્રકારના ભવ્યત્વમાં જેમ કર્મ, કાળ અને પુરુષકાર પરિવર્તન લાવી શકતા નથી, તેમ અભવ્ય જીવમાં રહેલા અભવ્યત્વમાં દેશના આદિ પરિવર્તન લાવી શકતા નથી. આથી દેશના આદિ દ્વારા અભવ્ય જીવોને મોક્ષપ્રાપ્તિનો પ્રસંગ આવતો નથી.
આમ કહેતા પૂર્વપક્ષીને ગ્રંથકાર કહે છે કે આ રીતે ભવ્યત્વના અનુપક્રમણાદિનો સ્વીકાર કરવા દ્વારા અર્થથી તમે અમારો પક્ષ જ સ્વીકાર્યો છે; કેમ કે ભવ્યત્વનો કર્માદિ દ્વારા ઉપક્રમણાદિ પામવાનો સ્વભાવ નથી, પરંતુ ભવ્યત્વનું પોતાનું સ્વરૂપ જ ઉપક્રમણાદિરૂપ છે, એમ તમે સ્વીકાર્યું.
આશય એ છે કે સર્વ ભવ્ય જીવોનું ભિન્ન ભિન્ન પ્રકારનું ભવ્યત્વ છે, તેથી જેનું જે પ્રકારનું ભવ્યત્વ હોય તેને તે પ્રકારનું ભવ્યત્વ તે તે સ્વરૂપે પરિપાક પામીને મોક્ષરૂપ ફળ આપે છે, પરંતુ કર્માદિ દ્વારા ભવ્યત્વમાં કાંઈ પરિવર્તન થતું નથી. આથી એ ફલિત થાય કે ભવ્ય જીવો ભિન્ન ભિન્ન કાલાદિમાં જે સમ્યક્ત્વાદિ ભાવો પ્રાપ્ત કરે છે, તે ભાવો રૂપે તે તે રીતે પરિણમન પામવાના સ્વભાવવાળું તે ભવ્ય જીવોનું ભવ્યત્વ છે. આથી ભિન્ન ભિન્ન કાલાદિમાં ભિન્ન ભિન્ન રીતે સમ્યક્ત્વાદિ ભાવો પ્રાપ્ત કરવાને અનુરૂપ દરેક જીવનું ભવ્યત્વ જુદું જુદું હોવાથી દરેક ભવ્ય જીવનું ભવ્યત્વ સર્વથા તુલ્ય નથી. માટે સિદ્ધિગમનની યોગ્યતારૂપે સર્વ જીવોનું ભવ્યત્વ તુલ્ય હોવા છતાં, કાળ, લિંગાદિના ભેદથી મોક્ષરૂપ ફળભેદના કારણીભૂત એવું ભવ્યત્વ સર્વ જીવોનું ભિન્ન ભિન્ન છે. તેથી કાળ, લિંગાદિના ભેદથી જે ભવ્યત્વ તે તે રૂપે પરિણમન પામે તે ભવ્યત્વનું ઉપક્રમણાદિ સ્વરૂપ છે, અને ભવ્યત્વનું આવું ઉપક્રમણાદિ સ્વરૂપ હોવાને કારણે તે તે પ્રકારે મોક્ષરૂપ ફળનો ભેદ થાય છે.
આમ, પૂર્વપક્ષીએ ભવ્યત્વના ઉપક્રમણાદિ સ્વરૂપપણાનો સ્વીકાર કર્યો, પરંતુ કર્માદિથી ભવ્યત્વના ઉપક્રમણાદિ સ્વભાવનો સ્વીકાર ન કર્યો, તેથી જેમ ભવ્યમાં કર્માદિથી અનુપક્રમણાદિ સ્વભાવપણું છે, તેમ અભવ્યમાં પણ કર્માદિથી અનુપક્રમણાદિ સ્વભાવપણું છે. આથી અભવ્યને મુક્તિ માનવાનો પ્રસંગ આવતો નથી; કેમ કે અભવ્યમાં રહેલા અભવ્યત્વ સ્વભાવનું પરિવર્તન થતું નથી. તેથી અર્થથી ગ્રંથકારનો જ પક્ષ સ્વીકૃત થયો.
આનાથી એ પ્રાપ્ત થયું કે દરેક જીવનું ભવ્યત્વ જે પ્રકારે પરિપાક પામવાના સ્વભાવવાળું છે, તે પ્રકારે પરિપાક પામે છે, અને જે પ્રકારે નાશ પામવાના સ્વભાવવાળું છે તે પ્રકારે નાશ પામે છે. માટે ભવ્યત્વ સ્વયં ઉપક્રમણાદિ સ્વરૂપવાળું છે, પરંતુ કર્માદિનો ભવ્યત્વનું ઉપક્રમણાદિ કરવાનો સ્વભાવ નથી. માટે અર્થથી ગ્રંથકારનો પક્ષ જ સ્વીકૃત થાય છે.
ભવ્ય જીવમાં રહેલું ભવ્યત્વ જ ઉપક્રમણ સ્વરૂપવાળું છે અર્થાત્ નાશ પામવાના સ્વભાવવાળું છે, અને “ઉપક્રમણાદિ’’માં રહેલ ‘આદિ’ પદથી પરિપાક પામવાના સ્વભાવવાળું છે અર્થાત્ મોક્ષગમનના યોગ્યત્વરૂપ ભવ્યત્વ મોક્ષરૂપ આત્માના પર્યાયની નજીક જવાના સ્વભાવવાળું છે, અને તે ભવ્યત્વ, દરેક જીવમાં જે જે પ્રકારે પરિપાક પામીને નાશ પામે છે, તે તે પ્રકારના પરિપાકના ક્રમથી તે તે જીવનું ભવ્યત્વ નાશ પામવાના સ્વભાવવાળું છે, એમ પ્રાપ્ત થાય. તેથી અર્થથી દરેક જીવનું ભવ્યત્વ ભિન્ન છે, તેમ સિદ્ધ થાય છે. ૧૦૫૯ના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org