________________
૧૧૦
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૦૧૮ વખતે અનુભાષકજઇને જ વંદન કરવું જોઈએ, પર્યાયજયેષ્ઠને નહીં; અને તેમ ન સ્વીકારીએ તો અનુભાષક સાધુને જયેષ્ઠ કહેનાર સૂત્રનું પાલન થાય નહીં, જેથી સૂત્રની આશાતના થવાથી ઘણા દોષોની પ્રાપ્તિ થાય.
આશય એ છે કે અનુભાષક સાધુમાં ભગવાને બતાવેલા પદાર્થોને કહેવાની જે શક્તિવિશેષ છે, તે પણ મોક્ષમાર્ગને અનુકૂળ એવો જીવનો એક પરિણામ છે; કેમ કે મોક્ષમાર્ગ રત્નત્રયીરૂપ છે, અને જ્ઞાનગુણથી અધિક એવા અનુભાષક સાધુને નિશ્ચયનય વ્યાખ્યાનના અવસરે વંદન કરવાનું કહે છે; વળી આ સ્થાનમાં વ્યવહારનયનું પણ આશ્રયણ છે; કેમ કે સાધુવેશમાં ન હોય તેવા વ્યાખ્યાનની લબ્ધિવાળા પણ ગૃહસ્થને સાધુઓ વ્યવહારનયનો બાધ થતો હોવાથી વંદન કરતા નથી. તેથી વ્યાખ્યાનના શ્રવણના અવસરે વ્યાખ્યાનલબ્ધિવાળા સાધુના વય અને પર્યાયને ગૌણ કરીને તેમનામાં પ્રગટ દેખાતા જ્ઞાનગુણને મુખ્ય કરીને પર્યાયથી જયેષ્ઠ પણ સાધુઓ તેમને વંદન કરે છે.
જો અધિક પર્યાયવાળા સાધુ અનુભાષક જયેષ્ઠ સાધુને વંદન ન કરે, તો વ્યાખ્યાનના અવસરે અનુભાષકને વંદન કરવાનું કહેનાર સૂત્રની આશાતના થાય છે, અને જ્ઞાન ગુણનો અનાદર કરીને વ્યાખ્યાનની લબ્ધિવાળા સાધુ પાસે ભણવાથી ભણાતું એવું તે જ્ઞાન પણ સમ્યક્ પરિણમન પામતું નથી, જેથી ઘણા દોષોની પ્રાપ્તિ થાય છે.
આથી વ્યાખ્યાન સાંભળતી વખતે નિશ્ચયનયની પ્રધાનતાવાળા અને વ્યવહારનયની ગૌણતાવાળા ઉભય નયનો સ્વીકાર કરીને, પર્યાયથી લઘુ પણ અનુભાષક જયેષ્ઠ સાધુને સર્વ સાધુઓએ વંદન કરવું જોઈએ. 'આ સર્વ કથનથી એ ફલિત થયું કે વંદનની ક્રિયામાં ઉભય નયનું આશ્રયણ હોય છે, અને તે આ રીતે –
જ્યાં સાક્ષાત્ અધિક ગુણ દેખાતો હોય ત્યાં નિશ્ચયનયની પ્રધાનતાથી વંદનની ક્રિયા થાય છે. જેમ કે સંયમજીવનના ઓછા પર્યાયવાળા કોઈ સાધુ કેવલજ્ઞાન પામે, અને તે કેવલી તરીકે પ્રગટ થાય તો તેમને દીર્ઘ પર્યાયવાળા સાધુઓ પણ વંદન કરે છે. અહીં નિશ્ચયનયની પ્રધાનતા થઈ. પરંતુ જો તે કેવલી સાધુવેશમાં ન હોય તો તેમને ઇંદ્રો પણ સાધુવેશ આપ્યા પછી જ વંદન કરે છે, તેથી ગૌણરૂપે વ્યવહારનયનું પણ આશ્રયણ છે. વળી પ્રત્યક્ષ દેખાતા કેવલજ્ઞાનરૂપ ગુણવાળા સાધુને વ્યવહારનયની ગૌણતાપૂર્વક નિશ્ચયનયને પ્રધાન કરીને જે રીતે દીર્ઘ સંયમપર્યાયવાળા સાધુઓ પણ વંદન કરે છે, તે રીતે લઘુ સંયમપર્યાયવાળા પણ અનુભાષક સાધુમાં પ્રત્યક્ષ દેખાતા વ્યાખ્યાનલબ્ધિરૂપ ગુણવિશેષને આશ્રયીને વ્યાખ્યાનશ્રવણકાળમાં દીર્ઘ સંયમપર્યાયવાળા સાધુઓ પણ તેમને વંદન કરે છે; કેમ કે અનુભાષક સાધુમાં નિશ્ચયનયને અભિમત એવો જ્ઞાનગુણ અધિક છે અને વ્યવહારનયને અભિમત એવો સાધુવેશ પણ છે. તેથી નિશ્ચયપ્રધાન વ્યવહારનયરૂપ ઉભય નયનું આશ્રયણ છે.
વળી, અધિક ગુણનો નિર્ણય ન થતો હોય તેવા સ્થાનમાં, આલય-વિહારાદિની શુદ્ધિ દીર્ઘ કાળ પાળી હોવાથી અધિક સંયમપર્યાયવાળા સાધુમાં અધિક ગુણોની સંભાવના રાખીને અલ્પ સંયમપર્યાયવાળા સાધુઓ તેમને વંદન કરે છે; અને આ સ્થાનમાં આલય-વિહારાદિની શુદ્ધિ દ્વારા જે સંયમગુણનું અનુમાન થાય છે તે નિશ્ચયનયના આશ્રયણરૂપ છે અને અધિક સંયમપર્યાયના બળથી જે અધિક ગુણોનું અનુમાન થાય છે તે વ્યવહારનયના આશ્રયણરૂપ છે. તેથી અહીં નિશ્ચયનયની ગૌણતા છે અને વ્યવહારનયની પ્રધાનતા છે. આ રીતે વંદનવિષયક વ્યવહાર સર્વત્ર ઉભય નયના આશ્રયણ દ્વારા પ્રવર્તે છે.
* આ સર્વ લખાણ સામાચારી પ્રકરણની ગાથા ૮૯થી ૯૨ને સામે રાખીને કરેલ છે. ૧૦૧૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org