Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 1
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૧૦૪ : શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણમહોત્સવ ગ્રન્થ
વગેરે ક્ષેત્રપાલોને તાબે કરી લીધા. આ હસ્તિસેનનગર તે પાલીતાણા નજીકનું હાથસણી હોય એમ લાગે છે ( હાથખ નહિ, કારણ કે એનું પ્રાચીન નામ હસ્તકવપ્ર હતું ). હાથસણી પ્રાચીન નગર હતું એમ ત્યાં આગળ મળી આવેલા મહેરરાજા ડેપકના વિ॰ સં૦ ૧૩૮૬ના એક શિલાલેખ પરથી જાણવા મળે છે.
આઠમા સર્ગમાં સગરચક્રવર્તીની વિગતમાં તેણે પશ્ચિમ સમુદ્રને કાંઠે જઈ પ્રભાસપતિને તાબે કર્યાંની વાત આવે છે અને આગળ જતાં એનો ઉલ્લેખ ચંદ્રપ્રભાસ નામે પણ થાય છે. નજીકમાં ચંદ્રકાર્તિએ વસાવેલી શશિપ્રભા નગરીની નોંધ પણ તેમાં આપી છે. પ્રભાસ કે ચંદ્રપ્રભાસ એ પ્રભાસપાટણ છે આ વાત જાણીતી છે. શશિપ્રભા નગરી ઓળખાતી નથી. એ જ સર્ગમાં આગળ પેટનગરનો ઉલ્લેખ છે, જે હાલનું ખેડા ( ખેટક ) હતું.
સર્ગ નવમામાં સાકેતપુર( અયોધ્યા )ના અજયપાલ રાજાએ શત્રુંજય આવીને દ્વીપનગરને અલંકૃત કર્યાંની હકીકત આપી છે. દ્વીપનગર એટલે હાલનું દીવ. એનું પ્રાચીન નામ મુખ્યત્વે દીપપત્તન મળી આવે છે. શિલાદિત્ય ત્રીજાના લુસડીના વલભી સંવત ૩૮૫(ઈ૦૬૬૯)ના તામ્રપત્રમાં પણ એ જ નામ મળી આવે છે. આગળ જતાં એ સર્ગમાં લખ્યું છે કે ટૂંકા નગરીમાં કૌશલ્યાએ શ્રીઋષભનાથનું દેવળ બંધાવ્યું હતું. ઢાંક ખાતે ખીજા-ત્રીજા સૈકાની જૈન પ્રતિમાઓ છે, પણ હવે કોઈ જૈન મંદિરના અવશેષો રહ્યા નથી.
દશમા સર્ગમાં લખ્યું છે કે નર્મદા નદીના તટે ભૃગુકચ્છ (ભરૂચ) હતું. આગળ જતાં ગિરનાર નજીક સુગ્રામ આવેલું હોવાની નોંધ છે. એ કયું ગામ તે સમજાતું નથી. પછી અરિષ્ટનેમીએ ગિરનારની તળેટીમાં સુરધાર વસાવ્યાનો ઉલ્લેખ છે. હાલ એ નામનું કોઈ ગામ ત્યાં નથી, પણ રાજકોટ નજીકનું સરધાર હોઈ શકે. એ અગાઉ રાજકોટ રાજ્યનું પાટનગર હતું. શત્રુંજયમાહાત્મ્યમાં ‘તળેટી ' શબ્દ વિશાળ અર્થમાં વપરાયો છે.
સર્ચ બારમામાં જણાવ્યા પ્રમાણે સત્યભામાનો પુત્ર દ્વારકાથી શરસાઈ નગરી ગયો હતો. એ ગિરમાં આવેલ સરસી હોઈ શકે. પછી શંખેશ્વરનો ઉલ્લેખ છે, જે જાણીતું સ્થળ છે. એ ઉત્તર ગુજરાતમાં આવેલું હોઈ મોટું જૈનતીર્થ છે.
શત્રુંજયમાહાત્મ્યમાં સૌરાષ્ટ્રાદિને લગતી મળી આવતી માહિતીનો આ પ્રાથમિક પરિચયમાત્ર છે. આ માહિતીના વિશેષ અભ્યાસ ઉપરાંત મહાભારત, બૌદ્ઘ જાતકો, જૈનાગમો, સ્કંદપુરાણાંતર્ગત પ્રભાસ, વસ્ત્રાપથ, નાગરાદિ ખંડો, શિશુપાલવધ, કથાસરિત્સાગર, વસુદેવહિંડી, પ્રાચીન તીર્થમાલાઓ તથા ઉત્કીર્ણ લેખો વગેરે પરથી સૌરાષ્ટ્રની પ્રાચીન ભૂગોળ તૈયાર કરવામાં આવે તો એક મોટી ખોટ પુરાય. શત્રુંજયમાહાત્મ્યમાં ભૌગોલિક માહિતી સિવાય સૌરાષ્ટ્રના ઇતિહાસને લગતી કેટલીક બીજે નથી મળતી એવી માહિતી આપી છે; દા॰ ત॰, મહાભારત કાળના યાદવો અને મૌર્યો વચ્ચેના ગાળામાં ત્યાં કયા વંશમાં કોણે કોણે રાજ્ય કરેલું તેની પણ કેટલીક વિગત રજૂ કરી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org