Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 1
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૧૫૨ : શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણમહોત્સવ ગ્રન્થ
જાય છે. સ્થૂલિભદ્રના કામવિજયનો મહિમા પણ કવિ પાંચસાત કડીમાં વિસ્તારીને ગાય છે. આમ, કાવ્ય એકસરખી કે સપ્રમાણ ગતિએ ચાલતું નથી અને કાવ્યના રસાત્મક ભાગને છાઈ દેનાર નીરસ કથનનું પ્રાચર્ય કાવ્યના પોતને ઢીલું બનાવી દે છે.
પણ આ પરથી એક વાત સમજાય છે, અને તે એ કે, આવડી મોટી કથાને આખી ને આખી ફાગુકાવ્યમાં ઉતારવાનો કોઈપણ પ્રયત્ન એદો બની જાય. એને બદલે સ્થૂલિભદ્ર-કોશાના મિલનપ્રસંગ ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈતું હતું. જિનપદ્મસુરિએ આ સાદી સમજ બતાવી છે. કોશાને ત્ય સ્થૂલિભદ્ર આવે છે ત્યાંથી જ એમણે કાવ્યનો આરંભ કર્યો છે અને સ્થૂલિભદ્ર ચાતુર્માસ ગાળી, સંયમધર્મમાં અડગ રહી, પાછા ફરે છે ત્યાં કાવ્યને પૂરું કર્યું છે. પૂર્વવૃત્તાન્તને ગમે તેમ વાચકને માથે મારવાની નહિ પણ એનો કલાપૂર્ણ ઉપયોગ કરી લેવાની આવડત પણ કવિ પાસે છે. કોશા-સ્થૂલિભદ્રના ખાર વર્ષના સ્નેહની વાત કવિ છેક સ્થૂલિભદ્ર સાથેના સંવાદમાં કોશાને મુખે મૂકે છે! કથાતત્ત્વનો આવો સંકોચ કરી નાખ્યા પછી વર્ણન અને ભાવનિરૂપણ માટે આ ૨૭ કડીના કાવ્યમાં પણ કવિને પૂરતી મોકળાશ રહી છે. આખું કાવ્ય સરસતાની એક જ કક્ષાએ—ભલે મધ્યમ કક્ષાએ——ચાલે છે. કાવ્યનાં બધાં જ અંગોપ્રારંભિક ભૂમિકા, વર્ષાવર્ણન, કોશાના સૌંદર્યનું અને અંગપ્રસાધનનું વર્ણન, સ્થૂલિભદ્ર સાથેનો એનો વાર્તાલાપ, સ્થૂલિભદ્રની અડગતા અને એનો મહિમા—સપ્રમાણ છે. રસ પાંખો પડી જાય એવો વિસ્તાર નહિ કે રસ પેદા જ ન થાય એવો સંક્ષેપ પણ નહિ. કોશાનું સૌન્દર્યવર્ણન જરા લખાયેલું લાગે પણ એથી કાવ્ય પાંખું પડતું નથી. કોશા-સ્થૂલિભદ્રનો સંવાદ ટૂંકો લાગે, પણ જેવો છે તેવોયે એ વ્યક્તિત્વદ્યોતક છે. એકંદરે કવિની વિવેકદૃષ્ટિનો આ કાવ્ય એક સુંદર નમૂનો ખની રહે છે. ધીમી, પણ દૃઢ ગતિએ આખું કાવ્ય ચાલે છે અને આપણા ચિત્ત પર એક સુશ્લિષ્ટ છાપ મૂકી જાય છે. મધ્યકાળમાં માત્ર ફાગુઓમાં જ નહિ પણ સર્વ કાવ્યપ્રકારોમાં કાવ્યનાં અંગોની પરસ્પર સમુચિત સંધટના પ્રત્યે જવલ્લે જ ધ્યાન અપાયું છે, ત્યારે આપણા પહેલા ફ્રાઝુકાવ્યના કવિએ બતાવેલી આ સહજ સુઝ આદરપાત્ર અતી રહે છે.
જિનપદ્મસુરિએ વૃત્તાન્તને સંકોચ્યું, તો જયવંતસૂરિએ વૃત્તાન્તનો લોપ જ કર્યો એમ કહી શકાય. વિરહિણી કોશાને સ્થૂલિભદ્ર મળ્યા એટલું જ વૃત્તાન્ત આ કાવ્યમાં~~અને તે પણ છેવટના ભાગમાં—આવે છે. કોશાની વિરહાવસ્થાના એક જ બિંદુ ઉપર કવિની કલ્પના ઠરી છે. મોટા વિસ્તારને બદલે એક જ બિંદુ ઉપર પ્રવર્તવાનું આવ્યું હોવાથી એ એના ઊંડાણનો તાગ પણ લઈ શકી છે. પરિણામે આ કાવ્યની આકૃતિ આગળનાં બન્ને કાવ્યો કરતાં બદલાઈ ગઈ છે. કાંઠે વનરાજનો વૈભવ અને માંહે રૂપાળા રાજહંસો અને મનોહર કમળો—એવા સુંદર સરોવરના જેવી રચના આગળનાં અને કાવ્યોની હતી. આ કાવ્યની રચના પાતાળકૂવા જેવી છે... એકલક્ષી છે. પણ એનો અર્થ એમાં એકવિધતા છે એવો નથી. પાતાળકૂવામાંયે અનેક સરવાણીઓ ફૂટતી હોય છે. કવિ કોશાના હૃદયની અનેક ભાવ-સરવાણીઓનું આપણને દર્શન કરાવે છે. બધી સરવાણીઓ જેમ પાતાળકૂવાના પાણીભંડારને પોષે છે તેમ આ બધા સંચારિભાવો પણ કોશાના સ્થાયી વિરહભાવને સમૃદ્ધ કરે છે.
આખું કાવ્ય કોશાના ઉદ્ગારરૂપે લખાયેલું છે તેથી એમાં કશુંયે ‘ બહારનું' પણ રહેતું નથી. ઋતુચિત્રો આવે છે, પણ કોશાના વિપ્રલંભશૃંગારની સાથે વણાઈ ગયેલાં છે. કોશાના દેહસૌન્દર્યનાં કે શૃંગારપ્રસાધનનાં ‘ બાહ્ય ’ વનોને તો અહીં અવકાશ જ ક્યાં રહ્યો? કાવ્ય કેવળ આત્મસંવેદનાત્મક હોઈ, કથન, વર્ણન અને ભાવનિરૂપણુનું સંતુલન જાળવવાની ચિંતા પણ કવિને રહી નથી. પણ એથી આ કવિને કંઈ રચનાશક્તિ બતાવવાની નથી એવું નથી. ભાવને ઘૂંટી ઘૂંટીને કવિ ઉમ્ર બનાવે છે અને બધા ભાવોને વિરહશૃંગારને સમુપકારક રીતે સંયોજી સરસ પરિપાક તૈયાર કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org