________________
મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જૈનોનું પ્રદાન ] ૧૯
પ્રાસ-લયબદ્ધ ગદ્યમાં થયેલાં અનેક જાતનાં વર્ણનોનો એક ખજાનો છે.
માનવસ્વભાવની અનેક લાક્ષણિકતા આખ્યાનકવિતામાં જેવી પ્રગટ થઈ છે એવી કદાચ જૈન રાસાઓમાં થઈ નથી. પરંતુ પ્રસંગોચિત મનોભાવોની સ્ફુટ અભિવ્યક્તિમાં જૈન કવિઓએ જરૂર ૨સ લીધો છે. લબ્ધિવિજયના ‘હિરબલ મચ્છી રાસ’માં આવો પ્રયત્ન થયો છે તેથી કૃતિ કેટલેક અંશે રસપ્રદ બની છે. જોકે હૃદયંગમ ભાવાલેખનો બારમાસાકાવ્યોમાં વધારે પ્રાપ્ત થાય છે. વિનયચંદ્રની ‘નેમિનાથ ચતુષ્પદિકા' રાજિમતીની નેમિનાથ પ્રત્યેની અચલ પ્રેમભક્તિના કાવ્યમય ઉદ્ગાર તરીકે જાણીતી કૃતિ છે, પરંતુ બીજી પણ કેટલીક કૃતિઓ અવશ્ય નોંધપાત્ર બને એવી છે. ઉત્તવિજયની નેમિનાથની રસરેલી' એક સરસ ભાવપ્રવણ રચના છે, પણ એ જાણીતી થયેલી નથી. ચોવીસ તીર્થંકરનાં સ્તવનો અનેક જૈન મુનિઓએ રચ્યાં છે. એમાં સાંપ્રદાયિક સંભાર હોય છે ને પરંપરાગત નિરૂપણ હોય છે. પણ આણંદવર્ધન જેવા ‘ચોવીસી'માં ભક્તિની આર્દ્રતાથી ભરેલી ને ભક્તિસ્નેહવિષયક સૂત્રાત્મક ઉદ્ગારોવાળી ગીતરચનાઓ આપે તે ઘણું વિલક્ષણ લાગે છે. યોવિજયનાં તીર્થંકરસ્તવનોમાં પણ ઉલ્લાસ, શ્રદ્ધા, લાડ, મસ્તી, ટીખળ, કટાક્ષ વગેરે ભાવચ્છટાઓ ગૂંથાય છે. આવાં તો બીજાં અનેક સ્તવનો છે. આ જાતની રચનાઓ પ્રેમલક્ષણા ભક્તિનો પ્રભાવ ઝીલીને થયેલી છે એમાં શંકા નથી. પણ આ રીતે સાંપ્રદાયિક સીમાને વટીને માનવહૃદયને સ્પર્શે એવું તત્ત્વ પોતાની કૃતિઓમાં લાવવાનો જૈન કવિઓનો પુરુષાર્થ લક્ષ બહાર ન રહેવો જોઈએ.
જૈન સાહિત્યમાં જોવા મળતા કવિકૌશલ ને રસલક્ષિતાનું આ તો દિગ્દર્શન માત્ર છે. જૈન સાહિત્ય પ્રત્યે એ આપણને અભિમુખ કરી શકે. એ સાહિત્યની ગુણવત્તાનું ખરું મૂલ્યાંકન તો એનો વ્યાપકતાથી, ઊંડાણથી અને સૂક્ષ્મ સાહિત્યબુદ્ધિથી અભ્યાસ થાય ત્યારે જ પ્રાપ્ત થાય. એને માટે આપણે રાહ જોવી રહી.
આમ, આપણા મધ્યકાળના ગુજરાતી સાહિત્યમાં જૈનોનું પ્રદાન અનેક દૃષ્ટિએ અનોખું છે. એની પર્યાપ્ત નોંધ લેવાનું અને એ રીતે સાહિત્યનો એક સમતોલ ઇતિહાસ રચવાનું આપણાથી બની શક્યું નથી. ‘ગુજરાતી સાહિત્યકોશ' બીજાં કેટલાંક સાહિત્યને કારણે તો ખરું જ પણ વિશેષપણે જૈન સાહિત્યને કારણે નવા ઇતિહાસલેખનને આહ્વાન આપશે એમ લાગે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org