________________
૧૨ ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથઃ ૧
ખ્યાતિ પામ્યો. એણે પોતાના મહેલની બાજુમાં બૌદ્ધ વિહાર બંધાવ્યો હતો ને એમાં સાત બુદ્ધની પ્રતિમાઓ પધરાવી હતી. એણે પોતાના રાજ્યની સત્તા પશ્ચિમ માળવા પર વિસ્તારી. ધ્રુવસેન-બીજો ઉત્તરાપથના ચક્રવર્તી હર્ષના હાથે પરાજય પામ્યો, પરંતુ થોડા વખતમાં હર્ષે એને પોતાનો જમાઈ બનાવી એની સાથે મીઠો સંબંધ બાંધ્યો. એના સમયમાં ચીની મહાશ્રમણ યુઅન વાંગે ભારતવર્ષના પ્રવાસ દરમ્યાન ભરૂચ. માળવા, ખેડા, આનંદપુર(વડનગર), વડાલી, વલભી અને ગિરિનગરની મુલાકાત લીધી.ઈ. ૬૪૦). હર્ષે યુઅન વાંગને કનોજ તેડાવી ધર્મપરિષદ ભરીને ગંરા-યમુનાના સંગમ પર એની હાજરીમાં છઠ્ઠી પંચવાર્ષિક મોક્ષપરિષદ ભરી (ઈ. ૬૪૪) ત્યારે ત્યાં હર્ષની રાજસભામાં ધ્રુવસેન અગ્રિમ સ્થાન ધરાવતો. એના પુત્ર ધરસેન-ચોથાએ ચક્રવર્તી બિરુદ ધારણ કર્યું. શીલાદિત્ય-સાતમાના સમયમાં સિંધની અરબ ફોજે વલભી પર દરિયાઈ હુમલો કરી વલભીપુરનો નાશ કર્યો ને રાજાને મારી મૈત્રકવંશનો અંત આણ્યો (ઈ. ૭૮૮).
મૈત્રકોની સત્તા સમસ્ત સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને પશ્ચિમ માળવા પર પ્રવર્તતી ને તેમનું રાજ્ય ત્રણસોથી વધુ વર્ષ જેટલા લાંબા કાળ સુધી ચાલ્યું, આથી ગુજરાતના ઇતિહાસમાં આ કાળને મૈત્રકકાળ' તરીકે ઓળખવામાં આવે છે.
આ કાળ દરમ્યાન દક્ષિણ ગુજરાતમાં બીજાં રાજ્યોની સત્તા પ્રવર્તતી. શરૂઆતમાં એના દક્ષિણ ભાગમાં કોંકણના સૈકૂટકોનું રાજ્ય હતું. છઠ્ઠી સદીના આરંભમાં દક્ષિણ ગુજરાત પર માહિષ્મતીના કટચુરિવંશની સત્તા પ્રવર્તી. સાતમી સદીના આરંભમાં નાંદીપુરી(નાંદોદ)માં ગુર્જરનૃપતિવંશની સત્તા સ્થપાઈ, જ્યારે નવસારિકા(નવસારી)માં દખણના ચાલુક્યવંશની શાખા સ્થપાઈ. ગુર્જરનૃપતિવંશે પછી રાજધાની ભરૂચમાં રાખી. ઈ. ૭૨૬ અરસામાં સિંધની આરબ ફોજે કચ્છ, સૌરાષ્ટ્ર અને ભરૂચ પર વિજય મેળવી દક્ષિણાપથ જીતવા માટે નવસારી સુધી કૂચ કરી ત્યારે ત્યાંના ચાલુક્ય રાજા અવનિજનાશ્રય પુલકેશીએ એને હરાવી પાછી કાઢી ને ભરૂચના રાજા જયભટ-ચોથાએ એનો વલભીપુરમાં પરાભવ કર્યો. ઈ. ૭૫૦ના અરસામાં દખણના રાષ્ટ્રકૂટ રાજા દંતિદુર્ગે ચાલુક્ય સત્તાનું ઉમૂલન કરીને અને મહીપર્યત કૂચ કરીને લાટ તથા માલવ દેશ જીતી લીધા. થોડા વખતમાં દંતિદુર્ગના પિતરાઈ ગોવિંદરાજના પુત્ર કક્કરાજે દક્ષિણ ગુજરાતમાં પોતાની સ્વતંત્ર સત્તા સ્થાપી. આ બધો વખત ગુજરાતના મોટા ભાગ પર વલભીના મૈત્રક રાજાઓની વિશાળ સત્તા પ્રવર્તતી.
મૈત્રકકાળ દરમ્યાન બ્રાહ્મણો વેદોનો સ્વાધ્યાય કરતા તેમજ અગ્નિહોત્ર અને પંચ મહાયજ્ઞની આહુનિક ક્રિયાઓ કરતા. કૃષિ અને પશુપાલન ઉપરાંત વેપારવણજ