________________
૩૮૪
શ્રી મણિવિજયજી દાદાના અપ્રતીમ ગુણો : બાલ્યાવસ્થાથી જ સદ્ગુણી અને ધાર્મિક વૃત્તિવાળા માબાપના ઉત્સંગમાં ઊછરેલા આ મહાત્માના ગુણોનું શું વર્ણન કરવું! માતાપિતાએ એમના જીવનમાં એવી તો અક્ષય સુવાસ મૂકી કે જે તેમના જીવનપર્યંત અખૂટ રહી. આ વિનીત મુનિવરે પોતાની શારીરિક શક્તિ પહોંચી ત્યાં સુધી નાનામોટાં સર્વની ગોચરી-પાણી વગેરે વૈયાવચ્ચમાં સતત ઉદ્યમ કર્યો. પ્રસન્ન મુખ કદી મ્લાન કર્યું નહીં. સાનુકૂળ-પ્રતિકૂળ પ્રસંગોમાં, વિહારમાં, તપસ્યામાં, કદી પણ વચન કે વદન વિકારી થયાં નહીં. એમના વ્યક્તિત્વમાં મળતાવડાપણાનો મહાન ગુણ હતો. તેથી ગમે તે સમુદાયના મુનિવર્યો સાથે તેમને હૃદયનો સંબંધ બંધાતો. ૮૬ વર્ષની વૃદ્ધાવસ્થાએ પોતાનું શરીર સાવ અશક્ત હોવા છતાં, પોતાની જરૂરિયાતોની ઉપેક્ષા કરી, રાંદેરમાં રત્નસાગરજીની તબિયત માટે મુનિ શ્રી સિદ્ધવિજયજીને દીક્ષા આપી કે તરત જ મોકલી આપ્યા. સાથે શ્રી શુભવિજયજીને પણ મોકલ્યા. ગુરુવર્યની આવી અવસ્થામાં તેમને છોડી જવા, એ શિષ્યોને ગમ્યું નહીં પણ ગુર્વજ્ઞાનો અનાદર પણ કરી શક્યા નહીં અને અંતે પરિણામ એ આવ્યું કે ગુરુ-શિષ્યોનો ફરી મેળાપ થઈ શક્યો નહીં.
તેમને નવકારવાળી ગણવાનો વિશેષ અભ્યાસ હતો. જ્ઞાનદશામાં જાગ્રત, પ્રમાદના પરિહારી, હઠાગ્રહથી વેગળા રહી, જ્ઞાનાદિ આચારનું સેવન કરતાં જ્યાં સુધી શારીરિક સ્થિતિ નભી શકી ત્યાં સુધી અપ્રતિબદ્ધ વિહાર કરી, તપસ્યાઓ કરી, સમાચારીનું શુદ્ધ યથાર્થ આરાધન કરી, અકિંચન નિર્લેપ એવા આ બાળબ્રહ્મચારી મહાત્માએ લગભગ ૫૯ વર્ષ પર્યંત વિશુદ્ધ ચારિત્ર પાળી ભવ્ય જીવોને ધર્મપરાયણ કર્યા. જિંદગીભર આરાધનાપૂર્વક ખરેખરું કાર્ય કર્યું. અણાહારી પદના આ સાચા અભિલાષીએ જીવનમાં ઘણી વાર ચારે આહારનો ત્યાગ કરી, અણાહારીપદ માટે સતત પ્રયત્ન સેવી, છેવટે આઠમને દિવસે પણ ચારે આહારનો ત્યાગ કર્યો અને પૂજ્યશ્રી સં. ૧૯૩૫માં આસો સુદ ૮ને દિવસે કાળધર્મ પામ્યા. તેઓશ્રીએ સં. ૧૮૭૭માં દીક્ષા ગ્રહણ કરી; સં. ૧૯૨૨ના જેઠ સુદ ૧૩ને દિવસે પંન્યાસપદ અર્પવામાં આવ્યું. સં. ૧૯૨૩માં તેમને હસ્તે શ્રી મુક્તિવિજયજીને ગણિપદ આપવામાં આવ્યું. વર્તમાનમાં લગભગ ૧૦૦૦થી વધુ સાધુઓ પૂ. મણિવિજયજીદાદાના પરિવારમાં વિચરે છે.
(પૂ.આ. શ્રી જિનેન્દ્રસૂરિજી મ.ના એક લેખમાંથી સાભાર)
Jain Education International
ધન્ય ધરા
સંવેગી શિરતાજ–મહા યોગીરાજ પૂ. શ્રી બુદ્ધિવિજયજી (બૂટેરાયજી) મ.
પંજાબ, રાજસ્થાન અને ગુજરાતમાં જૈનશાસનનો ડંકો વગાડનાર પંજાબી સાધુઓમાં શ્રી બૂટેરાયજી મહારાજ પ્રથમ પંક્તિમાં બિરાજે છે. તેઓ ધર્મગ્રંથોના ઊંડા અભ્યાસી અને ક્રિયાકાંડમાં નિપુણ સાધુવર્ય હતા.
શ્રી બૂટેરાયજી મહારાજ જન્મે શીખ હતા. તેમનો જન્મ વિ. સં. ૧૮૬૩માં લુધિયાણા નજીક દુલવા ગામમાં થયો હતો. તેમનું જન્મનામ બુટ્ટાસિંહ હતું. માતાનું નામ કર્માદે અને પિતાનું નામ ટેકસિંહ હતું. માતા કર્માદેને સુસ્વપ્નથી સૂચિત એક પુત્ર જન્મ્યો. એટલે માતાને મનોમન એવી પ્રતીતિ તો હતી જ કે પુત્ર અસાધારણ હશે. એમાં બાળક બુટ્ટાસિંહને ધાર્મિક વાચન અને ક્રિયાકાંડમાં વિશેષ રુચિ હતી. તે જોઈને માતાને પોતાની શ્રદ્ધા દૃઢ થતી દેખાતી હતી. એટલે માતાએ પુત્રમાં ધર્મના સંસ્કારો સિંચવામાં ખૂબ જ કાળજી લીધી હતી.
બુટ્ટાસિંહનું મન તત્કાલીન શીખ ધર્મના સાધુઓ કરતાં જૈન યતિઓ અને સ્થાનકવાસી સાધુઓ પ્રત્યે વધુ આકર્ષાયું હતું. માતાના આશીર્વાદ લઈ, ઘર છોડી નીકળેલા બુટ્ટાસિંહે અનેક સાધુઓનો સમાગમ કર્યો. વિ. સં. ૧૮૮૮માં દિલ્હીમાં એક સ્થાનકવાસી સાધુ પાસે દીક્ષા લઈ શ્રી બૂટેરાયજી મહારાજ નામે જાહેર થયા.
શ્રી બૂટેરાયજીનું પ્રથમ લક્ષ્ય સંસ્કૃત અને અર્ધમાગધી ભાષાનું જ્ઞાન સંપાદન કરીને શાસ્ત્રોનું ઊંડું અધ્યયન કરવાનું હતું. આ પરિશીલનનાં સુફળ પ્રાપ્ત થયાં. તેનાથી સમગ્ર
જૈનશાસનમાં એક મહાન ક્રાંતિ આવી. તેમણે સ્થાનકવાસી સંપ્રદાયને માન્ય એવા બત્રીસ આગમોનું ઝીણવટપૂર્વક વારંવાર અધ્યયન કર્યું. આ ક્રમ પાંચેક વર્ષ ચાલ્યો. પરિણામસ્વરૂપ, તેમના મનમાંથી મૂર્તિપૂજાનો વિરોધ નીકળી ગયો.
જન્મે શીખસંતાન હોવાથી તેમનું મનોબળ ખૂબ દૃઢ હતું. પોતાને યોગ્ય લાગે તે મત વ્યક્ત કરતાં તેઓ કદી અચકાતા નહીં. પરિણામે અનેક વારના શાસ્ત્રાધ્યયનને આધારે મૂર્તિપૂજા અને મુહપત્તિના પ્રશ્નોને તેમણે હિંમતપૂર્વક જાહેર કર્યા અને તે પ્રમાણે અનુસરવાનો અનુરોધ કર્યો. ગુજરાનવાલાના ચાતુર્માસ વખતે તેમણે પોતાના આ મતને સંઘ સમક્ષ વહેતો મૂક્યો, શાસ્ત્રીય રીતે સિદ્ધ કરી બતાવ્યો. પરિણામે,
For Private & Personal Use Only
www.jainelibrary.org