Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 01
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
આવા નિરન્તર ઉત્તમ ભોગોને ભોગવતા દંપતીને, ઈન્દ્રઈન્દ્રાણીને જેમ જયન્ત તેમ, કુલનન્દન શ્રેણિક નામનો પુત્ર થયો. તે દુઃખીજનોની શ્રેણિને રક્ષણને અર્થે, સુભટોની શ્રેણિને યુદ્ધને અર્થે અને અર્થીજનોની શ્રેણિને દાનને અર્થે બોલાવશે એમ જાણીને જ જાણે એના માતપિતાએ એ ત્રણ પ્રકારે વીરના અન્વયવાળું શ્રેણિક નામ પાડ્યું હોય નહીં ! આ શ્રેણિક કુમાર અખિલ જ્યોતિકશાસ્ત્રનો પારંગત છતાં પણ નિરન્તર તિથિની ભ્રાન્તિરૂપ મોટી ભૂલ કર્યા કરતો હતો; કારણ કે પારકાના પર્વત સમાન મોટા દોષોને જોતાં છતાં પણ એની જીભ હંમેશાં મૌન એકાદશીનું વ્રત આચરતી હતી. શ્રેણિકની પછી બીજા પણ શૂર-ઉદાર-સ્થિર-ધીર-ગંભીર અને રૂપવંત પુત્રો પ્રસેનજિત રાજાને થયા, રોહણાચળથી મણિઓ ઉત્પન્ન થાય તેમ.
૧. ધરણી એટલે પૃથ્વી યે આ રાજાની સ્ત્રી (કારણ કે રાજાઓ પૃથ્વીપતિ કહેવાય છે) અને આ ધારણી યે આ રાજા (શ્રેણિક)ની સ્ત્રી; પરંતુ ધારણી ધરણી કરતાં સર્વ વાતે અસમાન હતી : ધરણીને અનેક રાજાઓ પતિ, ધારણીને આ એકજ પતિ; ધરણી જડ-ળ ના સંબંધવાળી એટલે કે એને અનેક જડ વસ્તુઓ પાષાણપર્વતાદિની સાથે અને જળની સાથે સંબંધ, પણ આ ધારણીને તો ફક્ત ચૈતન્ય સાથે જ સંબંધ; ધરણી છિદ્રયુક્ત એટલે અનેક ગુફા-કુવા-ખીણ વગેરે છિદ્રવાળી, પણ ધારણી છિદ્રરહિત એટલે ગમે તેવા ગુપ્તમંત્રને સાચવવાવાળી-ગોપવનારી; ધરણી પંકિલ-કચરા કાદવવાળી... અશુદ્ધ અને ધારણી અપંકિલ-વિશુદ્ધ; આમ સર્વ ગુણોમાં વિપરીતતા.
૨. શ્રી વીર પ્રભુની પેઠે ધર્મવીર, યુદ્ધવીર અને દાનવીર. ૨. “મૌન એકાદશી વ્રત આચરવું” એ વાક્યના (૧) શાબ્દિક અને (૨) પારમાર્થીક અર્થ ઉપર અહીં કવિની ઉબેક્ષા છે. પારકાના દોષ જોતાં છતાં પણ એ નિરંતર મૌન એકાદશીનું વ્રત આચરતો હતો એટલે કે મૌન રહેતો હતો એ દોષોને પ્રગટ કરતો નહીં- એ. પારમાર્થિક અર્થ. માટે નિરંતર મૌન એકાદશીનું વ્રત આચરવું એટલે નિત્ય નિત્ય એકાદશી જ સમજીને એનું વ્રત કરવું હંમેશાં એકાદશી જ જાણે બીજી તિથિઓ જ નથી એમ જ્યોતિશાસ્ત્રનો પારંગત એવો છતાં પણ, શ્રેણિક સમજતો હોય નહીં એ ઉભેક્ષા.
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)
૧૦