________________
હિંદુ વિધિવિધાનની એમના પર પણ ઊંડી અસર થઈ છે. જૈન સમાજ આ બધા કર્મકાંડમાં પરોવાયેલો છે ત્યારે આ ક્રાંતિકારી યુવાન આવ્યો. એ ઈશ્વરને ચેતનારૂપઊર્જારૂપ માને છે, જે બહુ સૂક્ષ્મ દ્રવ્ય છે. એમણે સંસ્કારમુક્ત ચેતનાને-ઊર્જાને પ્રભુ નામ આપ્યું છે. આ વાત હું પૂરી જવાબદારીના ભાવ સાથે કહું છું. જેમ આકાશ પૃથ્વીથી પર છે, તેમ સંસ્કારમુક્ત ઊર્જા મનુષ્ય ચેતનાથી પર છે. આ સંસ્કારમુક્ત ઊર્જાનો સ્પર્શ પામવો, દિવ્યતાનો સ્પર્શ પામવો એ જ ભક્તિનું હાર્દ છે.
“રાજચંદ્ર ફક્ત જ્ઞાની ન હતા, એ ભક્ત પણ હતા. દિવ્યતાની સ્તુતિ કરતા ઘણાં કાવ્યો લખ્યાં છે. વિરહનાં પદો પણ એમણે એટલી વ્યથાપૂર્વક અને સરસ લખ્યાં છે. એ રાજચંદ્રનાં આંસુ છે. કારણ કે દિવ્ય ચેતનાથી મનુષ્યની ચેતના જૂદી પડી છે. xxx રાજચંદ્ર જાણે કે પૃથ્વી અને આકાશ વચ્ચે સેતુ બાંધતા હોય એમ મનુષ્ય ચેતના અને દિવ્ય ચેતના વચ્ચેનું અંતર ભેદવા માગતા હતા... એ અંતર એમનાથી સહી શકાતું ન હતું.
“xxx રાજચંદ્ર એમનો રાત્રિનો અને પ્રભાતનો સમય અને વચમાં જ્યારે જ્યારે સમય મળે એ બધાનો ઉપયોગ આંખો મીંચીને મનમાં ડૂબકી મારવામાં કર્યો. xxx જે માણસ ઘર બાંધીને સંસારમાં રહેતો હોય એણે મનુષ્ય-ચેતનાના કિનારે અવારનવાર આવવું જ પડે છે. કુટુંબના, સમાજના વ્યવહારો સાચવવા પડે છે. આથી તેઓ થોડા દિવસો વ્યવસાયને આપે અને થોડા દિવસો પ્રયોગ માટે બહાર નીકળી જાય... જ્યારે એમણે જોયું કે જરૂરી રકમ એકઠી થઈ છે ત્યારે મુંબઈ અને અમદાવાદથી પણ દૂર કોઈ નાના ગામડામાં, દૂરના ડાકબંગલામાં, રેસ્ટ હાઉસમાં, દૂરની ટેકરીઓમાં અને પહાડોમાં જઈને રહેતા જ્યાં કોઈ એમને મળવા ન આવે. પત્ની દાવે, ભાઈદાવે કે પુત્રીદાવે વ્યવહારની વાત કરવા કોઈ ન આવે. આ રીતે જુદાં જુદાં સ્થળોએ પ્રયોગ શરૂ થયો. ત્યારે અનામી, અગાધ, અમાપ એવા મૌનમાં તેમના દિવસોના દિવસો નીકળી જતા, એમાં તેઓ સમયના બંધનથી પર થઈ જતા. મનુષ્ય-ચેતના અને દિવ્યચેતનાને જોડનાર સેતુ ફક્ત મૌન છે. આમ એમનું સમગ્ર અસ્તિત્વ, એમનો સમગ્ર આધાર મૌન-શાંતિથી સભર બની ગયો !”
(અપ્રમાદયોગ ૩૫-૩૯)
રાજગાથા