________________
૨૩
“શ્રીમદ્ રાજચંદ્ર આત્મવિધા જૈન વિશ્વવિધાલય” સંસ્થાપનાની પૂર્વભૂમિકારૂપ
શ્રીમદ્ રાજચંદ્રજીના શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રનું અભિનવ સ્વરૂપ સપ્તભાષી આત્મસિદ્ધિ
-
સદ્ગુરુ-આદેશિત સંપાદન. પ્રા. પ્રતાપકુમાર જ. ટોલિયા
ભૂમિકા : પ્રત્યક્ષ સદ્ગુરુ-ઉપકાર
પ્રજ્ઞાચક્ષુ ડૉ. પં. સુખલાલજીની પાવન નિશ્રા અને ગૂજરાત વિદ્યાપીઠ અમદાવાદનું પ્રાધ્યાપક પદ બંને ૧૯૭૦માં છોડવાનું બન્યું. શ્રીમદ્ રાજચંદ્રજી પ્રત્યેના જન્મજાત સંસ્કાર અને નિષ્ઠાને સુદૃઢ કરવા માટે આની પાછળ સદ્ગુરુ-આજ્ઞા હતી. ચૌદ ચૌદ વર્ષોનો પૂજ્ય પંડિતજીનો ઉપકારક આશ્રય હતો. એક મહાશિલ્પીની જેમ તેઓ સહજપણે અને અજ્ઞાતરૂપે આ પથ્થરવત્ વિદ્યા-અર્થીને ઘડી રહ્યાં હતાં. તેમના ઘેઘૂર વડલાની શીતળ છાયામાં શહેર મધ્યના ઉપવન-શા સરિતકુંજના ચિકુ-નિકુંજમાં રા એકડો ઘૂંટતા નાનકડા અભ્યાસીનો વાસ હતો. તેમની સેવા કરતાં અપાર વિદ્યાનંદનો લાભ થઈ રહ્યો હતો. બીજી બાજુ વિદ્યાપીઠના અધ્યાપનકાર્ય દરમ્યાન દાંડીયાત્રા અને હુલ્લડો વચ્ચેની નિર્ભય શાંતિ સૈનિક તરીકેની કામગીરીથી ત્યાં સર્વ કોઈનો પ્રેમ સાંપડી રહ્યો હતો. ત્રીજી બાજુથી વિદુષી વિમલાતાઈ સાથે અંગ્રેજીમાં “Selected Works of Srimad Rajchandraji” ગ્રંથ અનુવાદિત અને સંપાદિત કરવાની યોજના થઈ હતી. આ વાતાવરણમાં શ્રીમદ્ રાજચંદ્રજી પ્રભાવિત મહાત્મા ગાંધીજી વિષયક હિન્દી નાટક ‘મહાસૈનિક’ લખાયું અને ગાંધી શતાબ્દીમાં ભારતભરમાં પ્રથમ પુરસ્કૃત થયું કાકા કાલેલકરના હાથે.
આ સારીયે પૃષ્ઠભૂમિમાં પૂજ્ય પંડિતજીની સત્સંગ-નિશ્રા અને વિદ્યાપીઠ ત્યાગવાનું મન કેમ થાય ?
પરંતુ આર્ષ-દૃષ્ટા પંડિતજીએ આ સર્વથી યે કંઈક વિશેષ નિહાળ્યું હશે ! આટઆટલાં વર્ષોના ઘડતર પછી આ પાષણ-શા વ્યક્તિના હાથે કંઈક નવું અને અપૂર્વ સર્જાવવાનું તેમણે સ્વપ્ન સેવ્યું હશે !!
શ્રીમદ્ રાજચંદ્રજીના શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રનું અભિનવ સ્વરૂપ સપ્તભાષી આત્મસિદ્ધિ
૧૯૯