________________
આગ્રહથી ઉપર ઊઠીને સર્વગ્રાહી શૈલીથી લખાયેલો આ ઉત્તમોત્તમ ગ્રંથ આધ્યાત્મિક સાહિત્યમાં અમર સ્થાન લેવા સર્જાયેલો છે.”
શ્રી આત્મસિધ્ધિશાસ્ત્ર વિશે પૂ.શ્રી રાકેશભાઈ ઝવેરીના આ શબ્દો કૃતિના હાર્દને પ્રગટ કરે છે. ગુજરાતી ભાષામાં શ્રીમદ્ રાજચંદ્રજીએ લખેલો આ ગ્રંથ અન્ય ભાષાઓના જાણકારોને પણ પ્રાપ્ત થવો જોઈએ. આચાર્યશ્રી ગુરુદયાળજી મલ્લિકે આ ગ્રંથ અંગ્રેજીમાં લખવાની શ્રી પ્રતાપકુમાર ટોલિયાને સૂચના આપી. શ્રી પ્રતાપભાઈ એટલે સાધના, સંગીત અને અધ્યાત્મનો સંગમ. એમણે આ કાર્ય શરૂ કર્યું. એવામાં સુશ્રી વિમલા તાઈએ એમાં ઉમેરો કરતાં કહ્યું કે અંગ્રેજી ઉપરાંત બીજી ભારતીય ભાષાઓમાં આ કૃતિનો અનુવાદ અને વિવેચન કરો. નદી સાગર બને એમ હમ્પીના શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમના શ્રી સહજાનંદઘનજી (ભદ્રમુનિ)એ એનો અનેક ભાષામાં અનુવાદ કરવાનું કહ્યું. એમણે સ્વયં એનું હિંદી ભાષાંતર કર્યું હતું, પણ એ છુપાવી રાખીને શ્રી પ્રતાપકુમાર ટોલિયાના ભાષાંતરને એમણે સુધારી આપ્યું. જોકે એ પછી ૧૯૭૦માં શ્રી સહજાનંદઘનજીનો દેહવિલય થતાં આ કાર્ય અટક્યું. શ્રી આત્મસિધ્ધિશાસ્ત્રના કન્નડ ભાષામાં અનુવાદ કરવાની વાત આવી, ત્યારે ડૉ. એ. એન. ઉપાધ્યેએ સહાય કરી. એ જ રીતે શ્રી ભંવરલાલ નાહટા પાસે બંગાળી ભાષામાં અનુવાદ કરાવ્યો અને મરાઠીના બે અનુવાદ શ્રી વિમલાતાઈ પાસેથી મેળવી શકાયા.
આ રીતે એક-બે નહીં પણ સાત ભાષામાં શ્રી આત્મસિધ્ધિશાસ્ત્રનો સમશ્લોકી અનુવાદ “સપ્તભાષી આત્મસિધ્ધિ' તરીકે પ્રગટ થયો. આ કૃતિના અનુવાદે અનેક લોકોને જુદી જુદી પ્રેરણા આપી. શ્રવણ બેલગોળાના આ.શ્રી ચારકીર્તિજી આ ગ્રંથથી પ્રભાવિત થયા. સમગ્ર ગ્રંથના ૧૪૨ પાનાઓમાં રાજચંદ્રજીના હસ્તાક્ષરમાં મૂળ ગુજરાતીમાં લખાયેલી ગાથા આપવામાં આવી છે અને એની નીચે જુદી જુદી ભાષાનો અનુવાદ આપવામાં આવ્યો છે.
વળી કૃતિના અંતે એનો કન્નડ અનુવાદ પણ પ્રસ્તુત કરવામાં આવ્યો છે. આ મહાન કૃતિ વિશે જુદા જુદા આત્મજ્ઞાનીઓ, સાધકોએ અને વિદ્વાનોએ આપેલા અભિપ્રાયનો પણ સુંદર સમાવેશ કરાયો છે. "
ગુજરાતી સાહિત્યનું એક અનુપમ સર્જન અને તત્ત્વજ્ઞાનની એક અનુપમ કૃતિના મૂળ ભાવને જાળવીને સાત સાત ભાષામાં એનો સમશ્લોકી અનુવાદ કરવો-કરાવવો એ કપરા ચઢાણ ચઢવા જેવું ગણાય. પરંતુ પ્રા. પ્રતાપકુમાર ટોલિયાના ધ્યાનસાધનાના પ્રબળ સામર્થ્ય લગભગ અશક્ય લાગતી વાતને શક્ય કરી બતાવી. – પદ્મશ્રી ડો. કુમારપાળ દેસાઈ (ગુજરાત સમાચાર: આકાશની ઓળખઃ ઓક્ટો. ૨૦૦૭) અનેકમાંથી થોડા પ્રતિભાવો
૨૫