________________
પ્રતિભાવ-૩
સપ્તભાષી આત્મસિધ્ધિ એક અનુપમ પુરુષાર્થ
(ગુજરાત સમાચાર) એકમને દિવસે સાંજે ફાનસના અજવાળે એક જ બેઠકે દોઢ થી બે કલાકમાં શ્રીમદ્ રાજચંદ્રએ “આત્મસિધ્ધિશાસ્ત્ર” નામના ગ્રંથની રચના કરી. આ કૃતિની રચના નડીયાદ ગામના નાના કુંભનાથ મહાદેવના મંદિરમાં એક ઓરડામાં ઈ.સ. ૧૮૯૬ની ૨૨મી ઓક્ટોબરને ગુરુવારે થઈ. આ કૃતિમાં આગ્રમગ્રંથોના સમસ્ત સિધ્ધાંતોનો નિચોડ પ્રગટ થયો. ‘ઉપનિષદ્’, ‘શ્રીમદ્ ભગવદ્ગીતા’ કે આગમ ગ્રંથોના સાર સમી આ કૃતિમાં શિષ્યની સત્ય પામવાની જિજ્ઞાસા અને સદ્ગુરુએ માર્મિક શૈલીમાં આપેલું સમાધાન મળે છે. અધ્યાત્મના ઊંચા શિખરે બિરાજેલી વિભૂતિને ગહન શાસ્ત્રો એટલા આત્મસાત્ થઈ ગયા હોય છે કે સરળ વાણીમાં રમતાં-રમતાં તેઓ એ તત્વજ્ઞાનનું નિરૂપણ કરે છે. નરસિંહ મહેતાનાં કાવ્યોમાં કે આનંદઘનજીનાં પદોમાં સરળ વાણીમાં આવું ગહન તત્ત્વ નિરૂપણ આલેખાયેલું જોવા મળે છે. આ “આત્મસિધ્ધિશાસ્ત્ર” વિશે અત્યંત ઊંડું, વ્યાપક, તલસ્પર્શી અને ગહન ચિંતન કરનાર તથા યુવાનો અને સાધકોના જીવનમાં અધ્યાત્મ-ક્રાંતિ સર્જનાર પૂ. શ્રી રાકેશભાઈ ઝવેરી નોંધે છે ઃ
“શ્રી આત્મસિધ્ધિશાસ્ત્ર”ની પ્રતિપાદન શૈલી જોતાં તેમાં કશે પણ શબ્દાડંબર કે વાગ્વિલાસ દેખાતો નથી. આ સૂત્રાત્મક કૃતિમાં એક પણ શબ્દ નકામો નથી, એક પણ નિર્દેશ કડવાશ કે આવેશયુક્ત નથી, એક પણ વચન નિષ્પક્ષપાતતાહીન કે વિવેકવિહીન નથી. તેના શબ્દે શબ્દે માત્ર સ્વાત્માનુભવી મહાત્માના અંતરમાંથી સ્વયમેવ સ્ફુરેલી શ્રુતધારાનાં દર્શન થાય છે. જેમ ગંગા નદીનો સ્ત્રોત જોવાથી આંખ ઠરે છે, ચિત્ત શાંતિ અને પ્રસન્નતા અનુભવે છે, તેમ શ્રીમદ્ના નિર્મળ અંતરમાંથી પ્રવહતી આ પ્રશમરસથી પરિપૂર્ણ ‘સ્યાત્’ મુદ્રાથી અલંકૃત ૧૪૨ ગાથાઓની અપૂર્વ કૃતિ પઠન કે શ્રવણ કરનારના આત્માને શાંતિ અને શીતળતા, પ્રસન્નતા અને પવિત્રતા બક્ષે છે.
“આબાલગોપાલ સર્વને સ્વયોગ્યતા પ્રમાણે પરમ ઉપકારી થઈ શકે એવી ચમત્કૃતિ તથા આત્માને સ્પર્શતા સર્વ મુદ્દાઓનું ક્રમબધ્ધ, તર્કસંગત નિરૂપણ ‘શ્રી આત્મસિધ્ધિશાસ્ત્ર'ને જૈન તેમજ જૈનેતર આત્મવિષયક ગ્રંથોમાં અત્યંત મહત્વનો અને ઉચ્ચ કોટિનો દરજ્જો અપાવે છે. મત, દર્શન, સંપ્રદાય, વાડા, જાતિ આદિના
રાજગાથા
૨૨૪