________________
આનંદઘનજીની ચોવીશી મુખપાઠે કરવા યોગ્ય છે. તેના અર્થ વિવેચનપૂર્વક લખવા યોગ્ય છે. તેમ કરશો. (શ્રી સહજાનંદઘનજીએ આ લખ્યા, સત્તરમાં સ્તવન સુધી સીડી ડીવીડીમાં એ રેકર્ડસ્થ પણ થયા છે) યુગોપકાર શ્રી હેમચંદ્રચાર્યે ઘણું કર્યું. શ્રી આનંદઘનજી તેમના પછી છસો વરસે થયા. એ છસો વરસના અંતરાલમાં બીજા તેવા હેમચંદ્રાચાર્યની જરૂર હતી. વિષમતા વ્યાપતી જતી હતી. કાળ ઉગ્ર સ્વરૂપ લેતો જતો હતો. શ્રી વલ્લભાચાર્યે શૃંગારયુક્ત ધર્મ પ્રરૂપ્યો. શૃંગારયુક્ત ધર્મ ભણી લોકો વળ્યા, આકર્ષાયા. વીતરાગધર્મવિમુખતા વધતી ચાલી. અનાદિથી જીવ શૃંગાર આદિ વિભાવમાં તો મૂર્છા પામી રહ્યો છે, તેને વૈરાગ્ય સન્મુખ થવું મુશ્કેલ છે. ત્યાં તેની પાસે શૃંગાર જ ધર્મરૂપે મુકાય તો તે વૈરાગ્ય ભણી કેમ વળી શકે ? આમ વીતરાગમાર્ગવિમુખતા વધી.
ત્યાં પ્રતિમાપ્રતિપક્ષ-સંપ્રદાય જૈનમાં જ ઊભો થયો. ધ્યાનનું કાર્ય, સ્વરૂપનું કારણ એવી જિનપ્રતિમા પ્રતિ લાખો દૃષ્ટિવિમુખ થયાં, વીતરાગશાસ્ત્ર કલ્પિત અર્થથી વિરાધાયાં, કેટલાંક તો સમૂળગાં ખંડાયાં. આમ આ છસો વરસના અંતરાલમાં વીતરાગમાર્ગરક્ષક બીજા હેમચંદ્રચાર્યની જરૂર હતી. અન્ય ઘણા આચાર્યો થયા, પણ તે શ્રી હેમચંદ્રાચાર્ય જેવા પ્રભાવશાળી નહીં. એટલે વિષમતા સામે ટકી ન શકાયું. વિષમતા વધતી ચાલી. ત્યાં શ્રી આનંદઘનજી બસો વરસ પૂર્વે થયાં.
શ્રી આનંદઘનજીએ સ્વપર હિતબુદ્ધિથી લોકોપકાર-પ્રવૃત્તિ શરૂ કરી. આ મુખ્ય પ્રવૃત્તિમાં આત્મહિત ગૌણ કર્યું, આ વીતરાગધર્મવિમુખતા, વિષમતા એટલી બધી વ્યાપી ગઈ હતી કે લોકો ધર્મને કે આનંદઘનજીને પિછાણી ન શક્યાં, ઓળખી કદર કરી ન શક્યા. પરિણામે શ્રી આનંદઘનજીને લાગ્યું કે પ્રબળ વ્યાપી ગયેલી વિષમતાયોગે લોકોપકાર, પરમાર્થપ્રકાશ કારગત થતો નથી, અને આત્મહિત ગૌણ થઈ તેમાં બાધા આવે છે, માટે આત્મહિતને મુખ્ય કરી તેમાં પ્રવર્તવું યોગ્ય છે. આવી વિચારણાને પરિણામે તે લોકસંગ ત્યજી દઈ વનમાં ચાલી નીકળ્યા. વનમાં વિચરતાં છતાં અપ્રગટણે રહી ચોવીશી, પદ આદિ વડે લોકોપકાર તો કરી જ ગયા. નિષ્કારણ લોકોપકાર એ મહાપુરુષોનો ધર્મ છે.
પ્રગટપણે લોકો આનંદઘનજીને ઓળખી ન શક્યાં. પણ આનંદઘનજી તો અપ્રગટ રહી તેમનું હિત કરતા ગયા. અત્યારે તો શ્રી આનંદઘનજીના વખત કરતાં પણ વધારે વિષમતા, વીતરાગમાર્ગવિમુખતા વ્યાપેલી છે.
શ્રી આનંદઘનજીને સિદ્ધાંતબોધ તીવ્ર હતો. તેઓ શ્વેતાંબર સંપ્રદાયમાં હતા. ‘ચૂર્ણિ, ભાષ્ય, સૂત્ર, નિર્યુક્ત, વૃત્તિ, પરંપર અનુભવ રે' ઇત્યાદિ પંચાંગીનું નામ તેમના નમિનાથજીના સ્તવનમાં ન આવ્યું હોત તો ખબર ન પડત કે તેઓ શ્વેતાંબર સંપ્રદાયના હતા કે દિગંબર સંપ્રદાયના ?
૧૩૮
- શ્રીમદ્ રાજચંદ્રજી : વચનામૃત
રાજગાથા