________________
આપની ધારણા મુજબ “કલ્યાણમંદિર” સાથે “કિંકર્પર” પણ રેકર્ડ કરવાનું નિશ્ચિત કરી તેની સાધના તૈયારી શરૂ કરી દીધી છે. આ સૂચન માટે અત્યંત ઉપયોગી ને સામયિક સૂચન માટે આપનો માનું તેટલો આભાર ઓછો છે. આપ સભામાં ‘કિંકર્પર' યાદ કરાવતા હતા ત્યારે મને પૂ. નાનચંદ્રજી મહારાજના આ પ્રાર્થના-ગાનનું તાદેશ, સ્મરણ થતું હતું !
ત્રીજું: એક મુદ્દો આપના સમક્ષ અત્યંત નમ્રતાપૂર્વક, મારી તે વખતે અને પછી ચાલેલી વિચારણા મુજબ મૂકવા રજા લઉં છું. આપે ગાંધીજીને ટાંક્યા હતા (લેખમાં ૩જે પાને છે) અને અંતે કહ્યું હતું કે “આટલી ઉચ્ચ કોટિના શ્રીમદ્દ પણ એમણે ગુરુ પદે સ્થાપ્યાં નથી એમ ગાંધીજીએ કહ્યું.”
અહીં શ્રીમદ્ભા કેટલાક આત્યંતિક ભક્તિ ધરાવતા ભક્તો જેવી ભાવુકતા વિના તટસ્થપણે મારા અંતરને એમ થાય છે કે શ્રીમદ્ જેવાને પ્રત્યક્ષ પામીને પણ ગાંધીજીએ ગુરુપદે સ્થાપ્યા નહીં એ એમનું કમભાગ્ય નહીં ? અથવા તો સૂક્ષ્મ અહંભાવ કે “સપુરુષની ઓળખ” થવાની ન્યૂનતા નહીં? સદ્ગુરુની શોધ ચાલુ રહેવી જોઈએ એ ખરું (પૂ. નાનચંદ્રજી મહારાજનું પણ સુંદર ભક્તિપદ છે – “સદ્ગણના સિંધુ શોધું સંતને”) પરંતુ એ શોધને અંતે ક્યારેક સાચા સદ્ગુરુ શ્રીમદ્ જેવા મળ્યા પછી યે એ ઓળખાય નહીં તેમનામાં નિષ્ઠા થાય નહીં કે ચિત્ત કરે નહીં એ કમભાગ્ય નહીં? સ્વયં શ્રીમદ્ જ લખ્યું છે કે “સપુરુષનું ઓળખાણ થવું દુર્લભ છે” અને એવા સપુરુષ પોતે તો પોતા માટે વિશેષ ન કહે, પોતાને ગોપવે ! (હીરા મુખસે ના કહે, લાખ હમારા મોલ) પરંતુ “અસદ્ગસ” અને “સદ્ગુરુ” વચ્ચેના ભેદને પામવા, સપુરુષને ઓળખવા “ખ” કે શક્તિ જોઈએ. ગાંધીજી જેવામાં એ ન હોય એમ માનવાને પણ બુદ્ધિ તૈયાર નથી, પરંતુ હૃદયમાં એમ લાગે છે કે શ્રીમદ્ જેવા મળ્યા પછી યે ગાંધીજીએ અંત સુધી એમનામાં ગુરુબુદ્ધિ મૂકી નહીં, તેમાં ખોવાનું કોને ? શ્રીમદ્ પોતે તો શિષ્ય લાલસાથી કે પૂજાકામનાથી સર્વથા નિસ્પૃહ હતા ! જેમ “અસદ્ગુરુ” ને, “સદ્ગુરુ” માની લેવામાં ભ્રમણા-ભય રહેલ છે તેમ
સદ્ગુરુને સાચા સપુરુષને પામ્યા છતાં ઓળખી-સ્વીકારી ન શકાય એ પણ મોટું નુકસાન નહીં ? અહીં ગાંધીજીની આલોચના કરવા કે શ્રીમદ્ગી મહત્તા સ્થાપિત કરવાની બાલચેષ્ઠા કરવા હું નથી જઈ રહ્યો (એ કરનાર હું કોણ ?) પણ આપની પ્રેરક વિચારણાના અનુસંધાનમાં જે ચિંતનધારા ચાલી તે જિજ્ઞાસા ભાવે સ્પષ્ટતા સારુ અહીં લખું છું. આ માટે આપને સૂઝે ને ક્યારેક સમય રહે તો સૂચવવા વિનંતી. આપનો ખૂબ સમય લેવા બદલ ક્ષમાપ્રાર્થના સાથે. (૨૨-૭-૧૯૭૬)
– લિ. પ્રતાપકુમાર ટોલિયાનાં પ્રણામ
રાજગાથા
૪