________________
સાધન અને સ્વાત્માના દર્શન હેતુ ધ્યાનાદિ આરાધનથી તેમના સઘળા ગુરુબંધુ પણ પ્રભાવિત થયા. તેઓ પોતાના ગુરુજનોના કૃપાપાત્ર અને ગુરુબંધુઓમાં પ્રીતિપાત્ર બન્યા. સ્પષ્ટ આત્મદર્શન પામવાની તેમની ખુમારી ભરેલી અંતર-લગનીની સતત પ્રજ્વલિત સાધના-જ્વાળા સ્વ-પર પ્રકાશક બનીને તેમના સારાયે ગુરુબંધુઓને માટે પણ એક પ્રેરણાસભર બની. તે સમયની તેમની એક ખુમારી ભરેલી તસ્વીર તેમની ત્યારની અંતરદશા કંઈક વ્યક્ત કરે છે. આવી સતત-સજગતાભરી આત્મ-ખુમારી મુનિજનોમાં આજે ક્યાં ? (આતમ અનુભવરસ કે રસિયા, ઉતરે ના કબહુ ખુમારી– મ. આનંદઘનજી).
સંક્ષેપમાં બાર વર્ષના એમના યાદગાર ગુરુકુલવાસના અનેક ચાતુર્માસો ભરેલી એમની આત્મસાધનાયાત્રાનો સર્વસંગ પરિત્યાગ એમને ઉત્તરોત્તર પરમપદ પ્રાપ્તિ ભણી જ લઈ જનારો બની રહ્યો.
અને આ પરમપદ-પ્રાપ્તિના પંથનો તેમનો આગળનો પડાવ હતો એકાકી, અસંગ, વન-પર્વતોનો ગુફાવાસ.
એ માટે ફરી એમને પેલો આકાશવાણી-અંતરાદેશ સંભળાયો. આ ઘટનાઓનું સંક્ષેપમાં સમાપન, તેમના ગુરુકુળવાસની પૂર્ણાહુતિના તેમના જ શબ્દોમાં કરીએ :“દીક્ષાપર્યાયના બારમા વર્ષે ધર્મઋણ ચુકાવીને, ઉઋણ થઈને, આકાશવાણીના આદેશને આચારમાં કાર્યાન્વિત કરવા એ (= સ્વયં) ગુફાવાસી બન્યો.' (– આત્મકથા, ચતુર્થ પ્રકરણ, સહજાનંદઘન ગુરુગાથા)
આ ગુફાવાસ, એકાકી વન-વિચરણ પણ તેમણે કેવળ એક વસ્ત્ર અને એક પાત્ર' સાથે અગવારી મુકામે ગુરુઆજ્ઞા પ્રાપ્ત કરીને આંરભ્યો. તેમના ગુરુકુળવાસ અને ગુફાવાસના, ભારતભરના તીર્થોમાં વિચારણનો તેમનો સુદીર્ઘ, પ્રેરક, સર્વોપકારક રોમાંચક ઈતિહાસ છે. તેમાં તેમની અષ્ટાપદગમન યાત્રા, પાવપુરીમાં વિદુષી સાધિકા સાધ્વી સરલાબેનને સમાધિ-મરણ કરાવવું, કર્ણાટકની ગોકાક ગુફામાં ત્રણ વર્ષ મૌનપૂર્વક એકાંતસાધનામાં રહેવું અને કર્ણાટકની યુગપ્રધાન આચાર્યશ્રી ભદ્રબાહુની યોગભૂમિમાં પોતાની “પૂર્વ-પરિચિત સિધ્ધભૂમિમાં જઈ વસીને, પોતાના જીવનના અંતિમ દસ વર્ષ અનેકોને હંપીમાં શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ સ્થાપી, શ્રીમદ્ભુ પ્રણીત મૂળમાર્ગે સુદૃઢ કરવા, આદિ અનેક ધન્ય ધર્મપ્રભાવના-પ્રસંગો સંગ્રહાયેલા છે. પરંતુ એ વિશદવર્ણનોને હાલ પૂરતા અહીં રોકીને તેમનો મહત્વનો ઘટના પ્રસંગ લઈને આ પ્રારંભિક લેખાંક સમાપન કરીશું. એ પ્રસંગ છે ઃ
“શ્રી સહજાનંદઘનજીને યુગપ્રધાનપદ”
૧૧૮
રાજગાથા