________________
જૈનાભાસથી પ્રવર્તેલાં મતમતાંતરો બીજાં ઘણાં છે, તેનું નિરુપણ કરતાં પણ વૃત્તિ સંકોચાય છે... જેમાં મૂળ પ્રયોજનનું ભાન નથી, એટલું જ નહીં પણ મૂળ પ્રયોજનથી વિરુધ્ધ એવી પદ્ધતિનું અવલંબન વર્તે છે; તેને મુનિપણાનું સ્વપ્ન પણ ક્યાંથી ? કેમ કે મૂળ પ્રયોજનને વિસારી ક્લેશમાં પડ્યા છે; અને જીવોને, પોતાની પૂજ્યતા અર્થે, પરમાર્થમાર્ગના અંતરાયક છે... તે મુનિનું લિંગ પણ ધરાવતા નથી, કેમ કે સ્વકપોલકલ્પનાથી તેમની સર્વ પ્રવૃત્તિ છે. જિનાગમ અથવા આચાર્યની પરંપરાનું નામ માત્ર તેમની પાસે છે, વસ્તુત્વે તો તે તેથી પરાઙમુખ જ છે.” (શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત ૭૫૭) ૧૦૦ વર્ષ પૂર્વનું શ્રીમદ્-કથન : શ્રી હેમચંદ્રાચાર્યની મહાનતા : “શ્રી હેમચંદ્રાચાર્યને આઠસો વર્ષ થયા... તેઓ મહાપ્રભાવક બળવાન ક્ષયોપશમવાળા પુરુષ હતા. તેઓ ધારત તો જુદો પંથ પ્રવર્તાવી શકે એવા સામર્થ્યવાન હતા. પણ હેમચંદ્રાચાર્યને લાગ્યું કે સંપૂર્ણ વીતરાગ સર્વજ્ઞ તીર્થંકર જ ધર્મપ્રવર્તક હોઈ શકે. અમે તો તીર્થંકરોની આજ્ઞાએ ચાલી તેમના પરમાર્થમાર્ગનો પ્રકાશ કરવા પ્રયત્ન કરનારા. વીતરાગમાર્ગનો પરમાર્થ પ્રકાશવારૂપ લોકાનુગ્રહ શ્રી હેમચંદ્રાચાર્યે કર્યો... તેમણે ઘણું કર્યું. શ્રી આનંદઘનજી તેમના પછી છસો વરસે થયા. એ છસો વરસના અંતરાળમાં બીજા હેમચંદ્રાચાર્યની જરૂર હતી. વિષમતા વ્યાપતી જતી હતી. કાળ ઉગ્ર સ્વરૂપ લેતો જતો હતો. શ્રી વલ્લભાચાર્યે શ્રૃંગારયુક્ત ધર્મ પ્રરૂપ્યો. શૃંગારયુક્ત ધર્મ ભણી લોકો વળ્યા, આકર્ષાયા. વીતરાગધર્મ વિમુખતા વધતી ચાલી...”
જિન પ્રતિમા મહત્તા : “ત્યાં પ્રતિમાપ્રતિપક્ષ સંપ્રદાય જૈનમાં જ ઊભો થયો ! ધ્યાનનું કાર્ય, સ્વરૂપનું કારણ એવી જિનપ્રતિમા પ્રતિ લાખો દૃષ્ટિવિમુખ થયાં, વીતરાગશાસ્ત્ર કલ્પિત અર્થથી વિરાધાયાં, કેટલાંક તો સમૂળગાં ખંડાયાં... ! આમ આ છસો વરસના અંતરાળમાં વીતરાગમાર્ગરક્ષક બીજા હેમચંદ્રાચાર્યની જરૂર હતી. અન્ય ઘણા આચાર્યો થયા, પણ તે શ્રી હેમચંદ્રાચાર્ય જેવા પ્રભાવશાળી નહીં. એટલે વિષમતા વધતી ચાલી. ત્યાં શ્રી આનંદઘનજી બસો વર્ષ પૂર્વ થયા.''
શ્રી આનંદઘનજીની અપાર સક્ષમ ઉપકારકતા છતાં ઉપેક્ષા : “શ્રી આનંદઘનજીએ સ્પષ્ટ હિતબુધ્ધિથી લોકોપકાર પ્રવૃત્તિ શરૂ કરી. આ મુખ્ય પ્રવૃત્તિમાં આત્મહિત ગૌણ કર્યું; પણ વીતરાગધર્મવિમુખતા, વિષમતા એટલી બધી વ્યાપી ગઈ હતી કે લોકો ધર્મને કે આનંદઘનજીને પિછાણી ન શક્યાં, ઓળખી કદર ન કરી શક્યાં, પરિણામે xxx તે લોકસંગ ત્યજી દઈ વનમાં ચાલી નીકળ્યા.
૨૦
રાજગાથા