________________
ધર્મસંગ્રહ ભાગ-૨ | દ્વિતીય અધિકાર | શ્લોક-૨૧ નિર્ણય; અર્થાત્ ભગવાને જે પ્રકારે સંસારનું સ્વરૂપ કહ્યું છે અને મોક્ષનું સ્વરૂપ કહ્યું છે તેમજ સંસારના ઉચ્છેદ અર્થે અને મોક્ષની પ્રાપ્તિ અર્થે જે માર્ગ બતાવ્યો છે તે માર્ગ તે પ્રકારે જ છે તેવી સ્થિર રુચિ તે તત્ત્વાર્થ શ્રદ્ધાન છે. અને આ શ્રદ્ધાન તે માનસ અભિલાષ છે અર્થાત્ ભગવાને જે પ્રમાણે કહ્યું છે તે પ્રમાણે જ મારે જાણવું જોઈએ અને જીવનમાં સેવવું જોઈએ એ પ્રકારનો માનસ અભિલાષ છે. આવા માનસ અભિલાષરૂપ સમ્યક્તને સ્વીકારીએ તો જે જીવો અપર્યાપ્ત અવસ્થામાં છે કે ગર્ભાવસ્થામાં છે કે અત્યંત અવ્યક્ત એવી શિશુ અવસ્થામાં છે તેઓને આ પ્રકારનો માનસ અભિલાષ સંભવે નહિ; કેમ કે તેઓને તે પ્રકારનો અભિલાષ થાય તેટલી ચેતના વ્યક્ત થઈ નથી. તેથી ભગવાને કહ્યું એ તત્ત્વ છે માટે મારે ભગવાને કહેલા તત્ત્વને જાણવું જોઈએ અને જાણીને જીવનમાં સેવવું જોઈએ તેવો નિર્ણય અપર્યાપ્તાદિ અવસ્થામાં તે જીવો કરી શકે નહિ. તેથી સમ્યક્તનું કરાયેલું લક્ષણ અપર્યાપ્તાદિ અવસ્થામાં રહેલા જીવોમાં સંગત થાય નહિ અને આગમમાં સમ્યત્વનો ઉત્કૃષ્ટકાળ ૬૦ સાગરોપમ કહેલ છે અને તે કાળમાં સમ્યક્ત સ્વીકારીએ તો દેવભવમાંથી ઍવીને આવેલ અને ગર્ભમાં અપર્યાપ્તાદિ અવસ્થામાં રહેલા જીવોમાં પણ સમ્યક્ત સ્વીકારવું પડે. તેથી આગમના વચન સાથે ગ્રંથકારશ્રીએ કહેલ સમ્યક્તના લક્ષણનો વિરોધ આવશે.
તેના સમાધાન માટે ગ્રંથકારશ્રી કહે છે – તત્ત્વાર્થ શ્રદ્ધાન સભ્યત્ત્વનું કાર્ય છે અને સમ્યક્ત મિથ્યાત્વના ક્ષયોપશમાદિથી જન્ય શુભ આત્મપરિણામ વિશેષ છે. તેથી અપર્યાપ્તાદિ અવસ્થામાં સમ્યત્ત્વનું કાર્ય તત્ત્વાર્થ શ્રદ્ધાન નહિ હોવા છતાં મિથ્યાત્વના ક્ષયોપશમાદિજન્ય શુભ આત્મપરિણામ વિશેષ રહી શકે છે; કેમ કે જે જીવોએ પૂર્વમાં સમ્યક્ત પ્રાપ્ત કર્યું છે તે જીવોમાં મિથ્યાત્વના ક્ષયોપશમાદિજન્ય ભાવ વર્તે છે તેથી ગર્ભમાં અપર્યાપ્ત અવસ્થામાં પણ તેવો નિર્મળ આત્મપરિણામ તે જીવોમાં હોઈ શકે છે. ફક્ત શારીરિક વિકાસ નહિ હોવાથી તે પ્રકારનો માનસ અભિલાષ અપર્યાપ્તાદિ અવસ્થામાં વ્યક્ત થતો નથી અને જ્યારે તેઓનો તે પ્રકારનો શારીરિક વિકાસ થાય છે ત્યારે તે શુભઆત્મપરિણામરૂપ સમ્યક્તના બળથી તત્ત્વાર્થશ્રદ્ધાનરૂપ માનસ અભિલાષ પણ થાય છે અને સમ્યક્ત શુદ્ધ આત્મપરિણામ વિશેષરૂપ સ્વીકારીએ તો મન વગરના એવા સિદ્ધના જીવો કે કેવલીના જીવોમાં પણ સમ્યક્તનું લક્ષણ સંગત થાય છે; કેમ કે મિથ્યાત્વાદિના ક્ષયજન્ય તેવો શુદ્ધ આત્મ પરિણામ સિદ્ધઅવસ્થામાં પણ છે.
આ રીતે, સમ્યક્ત હોતે છતે પૂર્વમાં કહ્યું એવું જિનવચનનું શ્રદ્ધાન થાય છે. જે જીવમાં સમ્યક્તના કાર્યરૂપ યથોક્ત શ્રદ્ધાન હોય છે તેમાં સમ્યક્ત હોય જ છે. માટે જ્યાં સમ્યત્ત્વનું કાર્ય હોય ત્યાં સમ્યક્ત અવશ્યભાવિ હોય, તે બતાવવા માટે કાર્યમાં કારણનો ઉપચાર કરીને તત્ત્વમાં રુચિ સમ્યગ્દર્શન છે તેમ કહ્યું તેમાં કોઈ દોષ નથી; કેમ કે કોઈનામાં સમ્યગ્દર્શન છે કે નહિ ? તેનો નિર્ણય કરવા માટે વર્તમાનમાં સમ્યત્વના કાર્યરૂપ એવો તત્ત્વાર્થશ્રદ્ધાનરૂપ માનસ અભિલાષ તેનામાં છે કે નહિ તેના બળથી જ તેનામાં વર્તતા સમ્યત્ત્વનો નિર્ણય થાય છે. તેથી એ ફલિત થાય કે આત્મકલ્યાણ અર્થે પ્રવૃત્ત જીવોએ પોતાનામાં જિનવચનના શ્રદ્ધાનરૂપ માનસ અભિલાષ છે કે નહિ ? ન હોય તો તે અભિલાષને ઉત્પન્ન