________________
અનુવાદકની કલમે...
ગુરૂદેવ ચિત્રભાનુ ! આ પુસ્તકનો અનુવાદ કરવા અંગે મને પ્રો. અભય દોશીએ વાત કરી. સાવ સાચું કહું તો મારે માટે આ કામ એક “વ્યવસાયી’ કામથી વધારે કંઈ જ નહોતું. હું દિલીપભાઈને મળી. થોડી ઘણી વાતચીત પછી તેમણે મને અંગ્રેજી પુસ્તક હાથમાં આપ્યું. કવરપેજ પર ગુરૂદેવની તસવીર જોઈને મને એક ન વર્ણવી શકાય તેવું આકર્ષણ થયું. એ આંખોમાં કરૂણા અને સ્મિતમાં સમજણ ઘૂંટાયેલાં હતાં. દિલીપભાઈએ મને ગુરૂદેવ વિષે થોડી વધારે વાતો કરી અને મને વધારે રસ જાગ્યો. ઇતિહાસની વિદ્યાર્થી રહી છું એટલે મને પરિવર્તન, પરિવર્તનશીલ વ્યક્તિઓમાં રસ પડે છે. વળી કોઈપણ વ્યક્તિ જે વહેણથી અલગ કરે, ક્રાંતિકારી પગલાં ભરે ત્યારે એના વિષે જાણવાનું તો મને બહુ જ ગમે છે.
હું બહુ દેખીતી રીતે જ ધાર્મિક નથી. મને ધર્માધતા સામે સખત વાંધો છે. મને આધ્યાત્મમાં રસ છે અને કર્મનો સિદ્ધાંત મને ગળે ઉતરે છે. મારે માટે કર્મનો સિદ્ધાંત એટલે એમ નહીં કે, “જેવું વાવો તેવું લણો’, પણ એમ કે તમારું કર્મ જ તમારી પડખે રહે છે, પછી એ સારું હોય કે નરસું હોય – પસંદગી તમારે જાતે જ કરવાની હોય છે. મને ઊર્જાસ્રોતમાં વિશ્વાસ છે, બ્રહ્માંડમાં કોઈ ઊર્જા છે, જેનો એક હિસ્સો આપણી અંદર પણ શ્વસે છે અને એ આપણને બધા જ પ્રકારનાં બળ પૂરાં પાડવા તત્પર હોય છે, બસ આપણને એની ઈચ્છા કરતાં, તેને “ચૅનલાઈઝ' કરતાં આવડવું જોઈએ.
આ પુસ્તકનો અનુવાદ કરવાનું કાર્ય મારે માટે બહુ વિશેષ રહ્યું. અહીં ધર્મ નથી માત્ર માનવતા છે અને એટલે જ કોઈ ચોક્કસ ધર્મના પ્રચાર-પ્રસાર માટે ન જીવનારી આ પ્રતિભાને જાણવી જ રહી. એક તબક્કે આ પુસ્તક કોઈ “વ્યવસાયીકામને બદલે મારે માટે રોમાંચક મુસાફરી બની રહ્યું. ગુરૂદેવ ચિત્રભાનુએ અન્યોની જિંદગી ધરમૂળથી બદલી છે અને પોતાની જિંદગીને ધાર્મિક સાંકળોમાં નથી બાંધી એ જ દર્શાવે છે કે મુક્તિથી છલોછલ જીવન કેવું હોઈ શકે! જૈન, બૌદ્ધ, હિંદુ, મુસ્લિમ, ખ્રિસ્તી કે પછી શીખ - કોઈપણ ધર્મ ક્યારેય બાંધતો નથી – માણસ જાતે પોતાની સ્વાર્થી મહેચ્છાઓ પાર પાડવા તેને ગૂંચવી નાખે ત્યારે જ ધર્મ બોજ બને છે. કરૂણા, પરસ્પર સન્માન, દયા અને વિચારો, સંજોગો અને વ્યક્તિથી બંધિયાર ન રહેવું એ જ સાચો ધર્મ છે. ગુરૂદેવ ચિત્રભાનુ પર લખાયેલા આ પુસ્તકનો અનુવાદ કરવો મારે માટે એક આધ્યાત્મિક અનુભવ રહ્યો અને તેને કારણે આત્મામાં તેજનું એક વિશેષ ઊંજણ પૂરાયું છે, જે કાયમ પ્રકાશીને મને સંકુલ સંજોગોમાં માર્ગ બતાડશે એવી મને ખાતરી છે.
ચિરંતના ભટ્ટ
અનુવાદક chirantana@gmail.com