________________
આ બંને પુસ્તકોએ મને ચિત્રભાનુજીનાં જીવનનાં શરૂઆતી વર્ષોનો ક્રમ આપ્યો જેમાં તેમના જન્મથી માંડીને તે અમેરિકા પહોંચ્યા ત્યાં સુધીની વિગતો હતી. આ પુસ્તકનાં હિસાનો ઉપયોગ કરવા બદલ હું ડિવાઈન નૉલેજ સોસાયટીનો આભારી છું કારણકે તેની મદદ વિના આ વિગતો અંગે મને મૂંઝવણ થાત.
પુસ્તકનાં ઉત્તરાર્ધનાં સંશોધન માટે મેં મોટે ભાગે ગુરુદેવ, પ્રમોદાબહેન, મમતાજી, ગુરુદેવનાં ન્યુ યૉર્ક અને મિશિગનનાં અમેરિકન શિષ્યો તથા જૈન સમુદાયમાં તેમના ભક્તો સાથેની મુલાકાતો પર આધાર રાખ્યો. ચિત્રભાનુજીની અમેરિકામાં ચાલતી પ્રવૃત્તિઓ અંગે હું JAINAનાં ત્રિમાસિક સામાયિક, જૈન ડાયજેસ્ટમાંથી ઘણી બધી માહિતી મેળવી શક્યો. આખરે મારું કામ તો મેં પુસ્તક માટે એકઠી કરેલી અઢળક માહિતી અને ઢગલો સાહિત્યમાંથી અનિવાર્ય એવા થોડા અંશો ચૂંટવાનું જ રહ્યું.
ચિત્રભાનુજીએ જે રીતે મને તેમની તસવીરો, પત્રવ્યવહાર અને રોજનીશી વગેરેનો છૂટથી ઉપયોગ કરવા દીધો તે માટે તેમનો ખૂબ ખૂબ આભારી છું. પ્રમોદાબહેન અને તેમનાં ઘરનાં અન્ય સભ્યોએ મને તેમનાં મુંબઈ તથા ન્યુ યોર્કનાં ઘરમાં મુલાકાત ઉપરાંત ઘણીવાર માત્ર વાત-ચીત માટે પણ ઉમળકાભેર આવકાર્યો. દરેક મુલાકાત વખતે જે પણ તેમને મળવા આવતું અને તેમની સાથે વાતચીત કરતું તેમાંથી મને પુસ્તક માટે બહુ મુલ્યવાન સામગ્રી મળી છે.
ચાર વર્ષ પહેલાં ૨૦૧પમાં ક્રમાનુસાર પુસ્તકનાં પ્રકરણ લખવાનું ખરું કામ શરૂ થયું. મુંબઈનાં દેવિના દત્ત અને શિશીર રામાવતે મને પુસ્તકનાં સંપાદન કાર્યમાં મદદ કરી. મુંબઈના નેવિલ ગ્યારા તરફથી પણ મને સંશોધનમાં ઘણી મદદ મળી જેમની પાસે ચિત્રભાનુજીએ લખેલાં પુસ્તકોનો, દેશ-વિદેશના સામાયિકો તથા અખબારોમાં તેમના વિષે લખાયેલા તમામ લેખોનો વિશાળ સંગ્રહ છે. નૈવિલ મારે માટે એવી મદદ બન્યા જે સતત આ પ્રક્રિયામાં મારી પૃચ્છાઓનો જવાબ આપવા માટે તથા હકીકતો ચકાસવા માટે હાજર હતા. યુએસએમાં પૂર્ણિમા દોશીએ મને પ્રૂફ રિડીંગમાં તથા દીપેન શાહે મારી હસ્તપ્રતને ઈ-બુકમાં ફેરવવામાં મદદ કરી.
મુંબઈનાં ચિરંતના ભટ્ટ, આ પુસ્તકનો ગુજરાતી અનુવાદ કુશળ રીતે નિયત સમય મર્યાદામાં તેનો રસ અને ભાવ જાળવીને કરી આપ્યો તે બદલ હું તેમનો પણ આભારી છું.
આ સાથે હું મારા બે માર્ગદર્શક – ડૉ. ધીરજ શાહ તથા પદ્મશ્રી શ્રી કુમારપાળ દેસાઈનો પણ આભારી છું જેમણે આ પુસ્તક માટે ભાવપૂર્વક પ્રસ્તાવના લખી છે.
દિલીપ વ. શાહ ફિલાડેલ્ફિયા
૨૦૧૯