________________
એટલે કે કોઈ પણ વિચાર કે વાતને પૃચ્છા કે જ્ઞાન વગર વળગી રહેવું. કોઈપણ પ્રકારનાં વાદનો હેતુ માત્ર અન્ય અભિગમોને અવગણવાનો જ હોય છે જે એક રીતે જાત તથા અન્યો પ્રત્યે હિંસા તરફ પ્રયાણ છે.
તેમણે દરેકને કહ્યું કે આંતરિક શાંતિ તથા સુખની ચાવી દિવસ દરમિયાનની ઘટનાઓને યાદ કરી તેને સાફ કરવામાં, તેનું સ્પષ્ટ વિશ્લેષણ કરવામાં રહેલી છે. રાત્રે પથારીમાં પડ્યા પહેલાં આત્મવિશ્લેષણ કરો. તમે તે દિવસે કરેલી બધી જ પ્રવૃત્તિઓનો વિચાર કરો અને જો કંઈ ખોટું થયું હોય, અન્યની લાગણીને તમે ઠેસ પહોંચાડી હોય તો ખુદની ટીકા કરતાં ખચકાશો નહીં. ઓશીકે માથું ટેકવતાં પહેલાં તમારા આધ્યાત્મિક બેંક બૅલેન્સનો આટલો હિસાબ કરવો. આ એવો દિવસ હતો કે તમે તેમાં કંઈ ઉમેર્યું કે પછી તમે તેમાં કંઈ પડતી આણી ? તમારા જવાબ તમારા આવનારા દિવસ માટે તમારું માર્ગદર્શન બની રહેશે.
ચિત્રભાનુજી અમેરિકામાં ઘણા બધા સંઘની રચનામાં કારણભૂત હતા. પરંતુ પચાસ વર્ષ પહેલાં વૅજીકૅરિયન સોસાયટીની સ્થાપના થઈ, તે એક સંસ્થા સિવાય તેમણે ક્યારેય પણ પોતે પ્રેરણા આપી હોય તેવી કોઈપણ સંસ્થામાં નેતૃત્વ કે વહીવટની દોર નથી સંભાળી. JAINA એ તેમની દ્રષ્ટિનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. તેઓ ખાલી હાથે અમેરિકા આવ્યા પણ બે વર્ષ કરતાં પણ ઓછા સમયમાં તેમણે પોતે વક્તવ્ય આપીને જે પણ ભંડોળ એકઠું કર્યું હતું તેમાંથી અમેરિકામાં જૈનોને પ્રાર્થના કરવાનું સર્વપ્રથમ સ્થળ સ્થાપ્યું. તેમણે પ્રવચન આપવા કે કોઈ નવા દેરાસરની શરૂઆત સમયે આવકારતા કોઈપણ જૈન સંસ્થાન પાસેથી ક્યારેક કોઈપણ આર્થિક મદદ કે વળતર ન લીધાં.
૨૦૦૫માં મેં આ પુસ્તક લખવાનો નિર્ણય લીધો. મને લાગ્યું કે તેમની જીવન કથા તો કહેવાવી જ જોઈએ. તેમણે મને ઘણીવાર પુછ્યું -‘તમે શા માટે સમય વેડફો છો? કોણ તમારું પુસ્તક વાંચશે?’ પણ હું મક્કમ હતો અને તેમણે ખચકાટ સાથે પણ મને સહકાર આપ્યો. લેખનનો આ મારો સૌથી પહેલો (અને કદાચ સૌથી છેલ્લો) પ્રૉજેક્ટ છે; મેં પહેલાં પ્રકરણનાં જ ઘણા બધા ડ્રાફ્ટ લખ્યા. મેં JMICનાં ન્યુઝ લૅટર્સ, તેમનાં પુસ્તકો અને ઑડિયો-વીડિયો ટેપ્સ એકઠા કરવાનું શરૂ કર્યું. મેં જોયું કે તેઓ ક્યારેય પણ મુદ્દાઓ કે નોંધ ટાંકેલી હોય તેમાંથી ન વાંચતા અને તેમની પાસે પહોંચનારા દરેક સાથે સંવાદ સાધવા તે તત્પર રહેતા.
આ પુસ્તકના પૂર્વાર્ધ માટે મેં તેમનાં બે જીવન ચરિત્ર પર ઘણો બધો આધાર રાખ્યો હતો. પહેલું જીવન ચરિત્ર મુંબઈનાં પ્રભાબહેન પરીખે ‘જીવન સૌરભ’નાં નામે આલેખ્યું હતું જે ૧૯૬૯માં પ્રકાશિત થયું હતું. અન્ય પુસ્તક હતું ‘ગુરુદેવ શ્રી ચિત્રભાનુજી - અ મેન વિથ અ વિઝન’ જે ન્યુ યૉર્કનાં ક્લેર રોઝનૉલ્ડે લખ્યું હતું અને સંભવિત ૧૯૮૧માં મુંબઈની ડિવાઈન નૉલેજ સોસાયટી દ્વારા પ્રકાશિત થયું હતું.