________________
યુગે યુગે પાટણની પ્રભુતા
• સરદાર વલ્લભભાઈ પટેલ, મહાકવિ નાનાલાલ, શ્રીમંત સયાજીરાવ ગાયકવાડ, જસ્ટીસ રાનડે વગેરે મહાનુભાવોએ શ્રી સહજાનંદ સ્વામીના કાર્યોને ખૂબ જ બિરાદાવેલા છે. જાણીતા સાહિત્યકાર શ્રી કનૈયાલાલ મુનશીએ તેમને ગુજરાતના જ્યોતિર્ધ કહ્યા છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ સ્વામિનારાયણ ધર્મની ખૂબ જ પ્રશંસા કરી છે. સહજાનંદ સ્વામીએ સરયુના પાણીથી (વાણીપ્રવાહથી) ગુજરાતને ભીંજવી નાંખી પવિત્ર બનાવેલ છે. ' એમ કહેવાય છે કે આપણા પાટણમાં જ્યારે તેઓ શિષ્યવૃંદ સાથે પધાર્યા ત્યારે પ્રથમ મીરાદરવાજા બહાર લખીની વાડીમાં ઉતરેલા. આવી વિભૂતિને સત્કારવા કોઇ શિષ્ય પાટણમાં નહોતા. ત્યારે શ્રી પુરૂષોત્તમ ભાવસાર નામના એક સજજને અંતઃસ્કુર્ણ થઇ અને તેઓ જાતે તેમને નગરમાં પ્રવેશ કરવા અને પોતાના ઘરને પાવન કરવા વિનંતી કરી. સ્વામીજીએ તેમના હૃદયનો પ્રેમ જોઈ પાટણની ધરાને ધન્ય કરી. શ્રી પુરૂષોત્તમદાસ ભાવસારના ઘેર હાલના કટકીયાવાડમાં પધારમણી કરી. સ્વામીજીએ પોતાની માણકી ઘોડીને પવિત્ર પીંપળે બાંધી આર્શીવાદ પાઠવ્યો કે, “આ પીંપળા ઉપર બેસનાર પંખીડાનો મોક્ષ થશે. આ પીંપળા નીચે બેસી ધ્યાન કરનારને સમાધિ લાગી જશે.”
શ્રી પુરૂષોત્તમ ભાવસારે ભગવાનને પ્રેમથી ગાદી તકીયા ઉપર બેસાડી સન્માન કર્યું અને ભોજન પણ કરાવ્યું. ભગવાને પ્રસન્ન થઈ શ્રી પુરૂષોત્તમદાસ ભાવસારને ઉપદેશ કર્યો અને અતી પ્રસન્ન હૃદયે ભગવાને પોતાના ચરણો કંકુમાં બોળી પોતાના ચરણાવિંદની છાપ કાગળ પર પાડી શ્રી પુરૂષોત્તમ ભાવસારને પ્રસાદી સ્વરૂપે આપી. શ્રી પુરૂષોત્તમના પુત્ર શ્રી લલ્લુભાઈ તેમના પુત્ર શ્રી ત્રિભોવનદાસ અને તેમના સુપુત્ર શ્રી કસ્તુરચંદ હાલ આશરે ઉમર વર્ષ ૫૮ના હયાત છે અને તેમના સુપુત્રો શ્રી હર્ષદભાઈ, શ્રી ભૂપેન્દ્રભાઈ અને શ્રી બિપીનભાઈ હાલ હિંગળાચાચરમાં નિવાસ કરે છે. ભગવાને જાતે સ્વહસ્તે આપેલ પોતાના “પગલાની છાપ' અમૂલ્ય ખજાનાની માફક લગભગ ૨૦૦ વર્ષથી જાળવી રહ્યા છે. એક ધનાઢય ભક્ત લાખેક રૂપિયામાં આ પગલાંની છાપ આપવા કહેલ. ત્યારે મધ્યમ વર્ગના આ કુટુંબ ધનને મહત્વ નહીં આપતા, ભગવાનની આ અમૂલ્ય પ્રસાદીને વેચી નહીં. આ લેખક તા. ૨૦/૧૨/ ૧૯૮૬ ના રોજ શ્રી કસ્તુરચંદ ભાવસારના ઘેર જઇ યુગપુરૂષે આપેલ પોતાના ચરણવિંદના દર્શન કરી ધન્યતા અનુભવી છે.
• કાળાનુક્રમે કટકીયાવાડનું ઘર વેચાઇ ગયું છે. પરંતુ આ ઘરના કમાડ-બારશાખ તેમજ ભગવાન જે ગાદી તકીયે બિરાજમાન થયેલા, તે તમામ સામગ્રી ભાવસાર કુટુંબે શ્રી સ્વામીનારાયણ ભગવાનના મંદિરને ભેટ આપેલ છે જે આજે પણ વિદ્યમાન હોઇ ભકતો આ પવિત્ર ચીજ વસ્તુઓનાં દર્શન તથા સ્પર્શન કરી ધન્યતા અનુભવે છે. વાચક વર્ગે એક વખત આ પવિત્ર વસ્તુઓ જોવા જેવી છે.
- તાજેતરમાં આપણા પાટણમાં શ્રી સ્વામીનારાયણ મંદિરનો શતવાર્ષિક પાટોત્સવ તથા શ્રી હનુમાનજી અને શ્રી ગણપતિજીની મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તા. ૧૨/૧૨/૧૯૮૬ થી તા. ૧૨/૧૨/૧૯૮૬ સુધીમાં ભવ્ય રીતે ઉજવવામાં આવેલો. આ પ્રસંગે આચાર્ય મહારાજ શ્રી તેજેન્દ્રપ્રસાદજી આર્શીવાદ પાઠવવા પ્રથમવાર આપણા પાટણમાં પધાર્યા ત્યારે આ લેખકને સન્માન કરવાનો લ્હાવો મળ્યો હતો.