________________
યુગે યુગે પાટણની પ્રભુતા
૪૫
પાટણનાં જોવાલાયક સ્થળો
૧૨૯
પ્રા. મુકુન્દભાઇ પી. બ્રહ્મક્ષત્રિય
પાટણ ઉત્તર ગુજરાતમાં એક જોવાલાયક નગર છે. તેમાં અનેક જોવાલાયક સ્થળો આવેલાં છે. ભારતની પ્રાચીન પાટનગરીઓમાં પાટણનું સ્થાન વિશિષ્ટ છે. મધ્યકાલીન સમયમાં પાટણ લગભગ ૫૫૦ વર્ષ સુધી ગુજરાત રાજ્યની રાજધાની રહ્યું હતું. આજે ખંડીયેર હાલતમાં પણ એની પ્રાચીન જાહોજલાલીના દર્શન થાય છે. ગુજરાતના સાંસ્કૃતિક, રાજકીય અને આર્થિક ઇતિહાસમાં સારસ્વત મંડળના પાટનગર પાટણે પરમ મહત્વનું સ્થાન પ્રાપ્ત કરેલ છે. ભાલણ અને અન્ય કવિઓ, વનરાજ અને સિદ્ધરાજ જેવા સમર્થ રાજવીઓ તથા મુંજાલ અને દામોદર જેવા મુત્સદ્દીઓના હાથે સંસ્કાર સિંચન પામેલું આ મહાનગર એક કાળે તેની ચરમસીમાએ હતું. સરસ્વતી તીરે લાકખારામ નામના ગ્રામ્ય સ્થળે વનરાજના શુભ હસ્તે સંવત ૮૦૨ માં પ્રસ્થાપિત થયેલું આ નગર ક્રમશઃ સોલંકી કાળમાં ગુજરાતનું સર્વશ્રેષ્ઠ નગર હતું. પાટનગર તરીકે પાટણની જે શોભા, જે સંસ્કૃતિ અને જે ગૌરવગાથા હતી તેને આજે પણ પાટણના પ્રાચીન સ્થળોનાં શિલ્પો વાચા આપે છે. કલાધામ પાટણના શિલ્પોમાં તરવરતો કલા-ધર્મ સમન્વય અને તેની મૂર્તિઓના મરોડમા મલપતા મનૌવૈભવને તો કોઇ મગ્ન કલાપિપાસુ જ માણતો હશે પરંતુ તેનું ઉત્કીર્ણ સામર્થ્ય તો પ્રત્યેક પ્રવાસીને મુગ્ધ કરી દે તેવું છે.
પાટણ ઉત્તર ગુજરાતમાં ૨૩-૫૧ ઉ. અક્ષાંસ અને ૭૨-૧૧ ૫. રેખાંશ ઉપર વસેલું છે. આ શહેરની પૂ. ૫. લંબાઇ આશરે ૪૫૦૦ ફૂટ છે. જ્યારે ઉત્તર-દક્ષિણ પહોળાઇ આશરે ૬૪૦૦ ફૂટ છે. તેને ફરતો જૂનો કોટ છે જે આશરે સાડાત્રણ માઇલના ઘેરાવામાં છે. જેના ઘણા ભાગો આજે તૂટી ગયા છે. કાળક્રમે પાટણના ઘણાં સ્થળો લોપાયા છે. પરંતુ તેના અશિષ્ટ ભાગો પણ દર્શનીય છે. તેની હસ્તિ ધરાવતાં જુનાં અને નવા સ્થળોનો પરિચય ક્રમશઃ કરીએ.
સહસલિંગ સરોવર :
યાત્રી પાટણ દર્શનમાં સૌ પ્રથમ પ્રાચીન દર્શનીય સ્થાનોમાં આ સરોવરના અવશેષો જોવા આકર્ષાય છે. આ સરોવર સિધ્ધરાજે માળાવા ઉપર ચઢાઇ કર્યા અગાઉ એટલે સંવત ૧૧૯૦ પહેલાં શરૂ કર્યું હતું અને અવંતિ વિજય પછી ૧૧૯૩-૯૪ માં પૂર્ણ થયું હતું તેવા ઉલ્લેખ પ્રાપ્ત છે. તેનું મૂળનામ દુર્લભસરરાજ હતું પણ તેના કાંઠા ઉપરનાં સહસ્ર શિવમંદિરોને કારણે તે સહસ્રલિંગ નામથી વિશેષ ખ્યાત છે. યાશ્રય મહાકાવ્ય, કીર્તિકૌમુદી, હમીરમદમર્દન અને સરસ્વતીપુરાણમાં તેનાં વિગત પૂર્ણ વર્ણનો વાંચવા મળે છે. હાલમાં નીકળેલા ખોદકામ ઉપરથી તે સમચોરસ હશે અને તેની મધ્યમાં બક સ્થળ આવેલું હશે એમ જણાય છે. આ સરોવરને અમર બનાવવા રાજવીએ તેને શિલ્પ સ્થાપત્યોથી મઢી લીધું હતું. સરસ્વતી નદીથી સરોવર સુધી બનાવવામાં આવેલી લગભગ બે માઇલ લાંબી નહેર