________________
યુગે યુગે પાટણની પ્રભુતા
४०४ પૂરે છે. મોર્યયુગની જેમ એ કાળમાં વસતિ ગણતરીની પ્રથા નહોતી, એટલે પાટણને સ્થળે સ્થળે કેવળ “નરસમુદ્ર' તરીકે વર્ણવેલું છે. પાટણની અમાપ જનસંખ્યા અને પટણી ધનપતિઓ ના અઢળક વૈભવને લગતી અનેક કિંવદન્તીઓ પણ પ્રચલિત છે. જે અક્ષરશઃ સત્ય ન માનીએ તો પણ વાસ્તવ પરિસ્થિતિ ઉપર કેટલેક અંશે પ્રકાશ પાડનારી તો છે જ.
સં. ૧૩૬૦માં પાટણના છેલ્લા વાઘેલા રાજા કર્ણનો અલાઉદ્દીન ખિલજીના સેનાપતિ અલફખાનના હાથે પરાજય થયો અને મુસ્લિમ સત્તાનો પ્રારંભિક દોર ગુજરાતમાં ગાજી રહ્યો. પાટણ એ ગુજરાતમાં ઇસ્લામી સત્તાનું કેન્દ્ર બન્યું. વિદ્યા અને કલાને રાજ્યાશ્રય મળતો અટકયો. જૈનોના ઉપાશ્રયો અને બ્રાહ્મણ વિદ્વાનોનાં નિવાસસ્થાનો સિવાય અન્યત્ર શાસ્ત્રોદ્ઘોષ સંભળાતો લગભગ બંધ થયો. વિધર્મી શાસકોના પ્રલયંકર ઝનૂનને કારણે પ્રજાજીવનમાં પહેલાં તો જાણે કે એક પ્રકારની
ઓટ આવી પણ આક્રમણની પ્રારંભિક ચોટ સહન કર્યા બાદ સ્થિતિસ્થાપક પ્રજામાનસ પાછું મૂળ દશામાં આવ્યું; અને કંઈક સંકુચિત અને કેટલેક અંશે ભગ્નગૌરવ અવસ્થામાં પૂર્વવત્ જીવન શરૂ થયું. પ્રજાજીવનને લાગેલો આક્રમણનો ઘા જીરવવામાં પાટણના મહાજનોએ સારો ભાગ ભજવ્યો હતો. અલાઉદ્દીનના ગુજરાત વિજય પછી અગિયાર વર્ષે, સં. ૧૩૭૧માં, પાટણના સંઘવી સમરસિંહે અલાઉદ્દીનની અનુમતિ લઈને મુસ્લિમો દ્વારા ખંડિત થયેલાં શત્રુંજય ઉપરનાં જૈન મંદિરોના સમરરાસ'ના શબ્દોમાં કહીએ તો “હિન્દુઓની હજ'નો સમુદ્ધાર કરાવ્યો હતો. સમરસિંહ તથા તેના ભાઇ સાલિંગે પોતાની અસાધારણ રાજકીય લાગવગ દ્વારા ગુજરાતનાં સેંકડો દેવાલયોને મુસ્લિમોના હાથે થતા સર્વનાશમાંથી ઉગારી લીધાં હતાં અથવા તેમનો પુનરુદ્ધાર કરાવ્યો હતો તથા સેંકડો પ્રજાજનોને કેદખાનામાંથી મુક્તિ અપાવી હતી.
મુસ્લિમ રાજ્યઅમલના પ્રારંભ બાદ ગુજરાતના જીવનમાં પાટણનું પૂર્વવત્ સર્વાગીણ મહત્ત્વનું સ્થાન તો ન જ રહ્યું. ઇસવી સનની પંદરમી શતાબ્દીના પ્રારંભમાં અહમદશાહે અમદાવાદ વસતાવતાં રાજકીય કેન્દ્ર પણ પાટણથી ખસી અમદાવાદ ગયું અને પ્રાચીન પાટનગર પાટણ એક પ્રશ્ચાદભૂમાં સમાઈ ગયું જો કે જૈનોનું એ એક કેન્દ્રસ્થાન હોઈને જૈનોના ધાર્મિક ઇતિહાસમાં પાટણ એક અતિ મહત્વનું સ્થાન મનાયું છે. જૈન આચાર્યોની એક કર્તવ્યભૂમિ બનેલું હોઇ પાટણના સ્થાનિક ઇતિહાસને લગતી અને વિપ્રકીર્ણ હકીકતો આપણને જૈન પટ્ટાવલીઓ અને ઐતિહાસિક રાસાઓમાંથી મળે છે. અનેક જિનમંદિરોથી સંકીર્ણ હોઇ જૈનો એને આજ સુધી તીર્થસ્થાન ગણે છે. કદાચ એ વસ્તુને જ અનુલક્ષીને સત્તરમાં શતકમાં રચાયેલા હીરસૌભાગ્ય' કાવ્યના કર્તા દેવવિમલગણિ કહે છે :
श्रीस्तम्भतीर्थ पुटभेदनं च यत्रोमयत्र स्फुरतः पुरे द्वे ।
अहम्मदाबादपुराननाया: किं कुण्डले गुर्जरदेवलक्ष्म्याः ॥ | (અર્થાતુ અમદાવાદ જેનું મુખ છે એવી ગુર્જર દેશની લક્ષ્મીમાં ખંભાત અને પાટણ એ જાણે કે બન્ને બાજુ સ્કુરાયમાણ થતાં કુંડળો છે.).